કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામ પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતિમય અને શીતલતા જોઇને યાત્રાળુઓ મુગ્ધ થઇ જાય. ઘટાદાર વૃક્ષો, તળાવ કિનારાની શીતળ હવા અને કુદરતી સૌંદર્ય જોઇ મન ઝૂમી ઊઠે છે. માતાજીના સ્થાનકે આવતા મુસાફરોના હૈયા પ્રફુલિત બને છે. સંકટો ભૂલાઇ જાય છે. અહીં સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને મુંબઇ વગેરેથી દૂર દરાજના સ્થળેથી અનેક ભકતો માતાજીના દર્શન અર્થે આવે છે.
ચૈત્ર માસના નવરાત્રીમાં અહીં માતાજીના દર્શનાર્થે અનેક ભાવિકો અહીં આવે છે.
અહીં ચાર ગામના પંથકમાં રવ, ડાવરી, ત્રંબૌ અને જેસડા વિસ્તારમાં શિયાળુ પવન રાત્રીના વાતો નથી. માતાજીએ ગામના રક્ષણ માટે વચન આપેલું છે. માતાજીની કૃપા અપંરપાર છે. ભાવિક ભક્તોેને હાજર હજુર છે. માતાજી પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર અનેક ભક્તો પર માની કૃપાના પ્રત્યક્ષ પરચા મળ્યાના અનેક દાખલા મોજૂદ છે.
શ્રી રવેચી માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ….
રવેચી ધામમાં પ્રવેશ દ્વારમાં દાખલ થતાં જ શીતલા માતા, ગણપતિ, હનુમાનજી, વાસંગી ખેતરપાળની મૂર્તિઓ છે. પાસે ધર્મશાળા છે. પંચમુખા મહાદેવજીનું મંદિર છે. બાજુમાં મહંત શ્રી અમરજતી કેશવગીરીજી ગણેશગીરીજીની દેરીઓ છે. અર્જુન દેવનો શિલાલેખ છે. બાજુમાં વિશાળ દેવીસર તળાવ છે.
મંદિર બહાર રવેચી માતાની કામધેનુ ગાયની દેરી છે. તે દેરી દાતાઓ દ્વારા બંધાયેલી છે. બાજુમાં ચબૂતરો છે. અહીં ૩૦૦થી વધુ જેટલા મોર તેમ જ અન્ય પંખીઓ નિયમિત ચણ ચણવા આવે છે. અસલ મંદિર પાંડવોએ નવ શિખર અને ઘૂમટો સહિત બનાવેલું હતું. વચ્ચે બાબા સુલતાને તોડી પાડ્યું હોવાનું મનાય છે.
વિક્રમ સંવત ૧૮૭૮ના વર્ષે સામબાઇ માતાએ ૨૬,૦૦૦ કોરીના ખર્ચે વિશાળ પાકી બાંધણીવાળુ મંદિર ચણાવ્યું લગભગ ૫૪ ફૂટ ઊંચા ઘૂમટવાળું ૧૪ ફૂટ લાંબું અને ૧૩ ફૂટ પહોળું છે. મંદિરના મધ્ય ભાગે રવેચી માતાજીની, ખોડિયાર માતાજીની, આશાપુરા માતાજીની અને બાજુમાં સામબાઇ માતાની મૂર્તિ બાજુમાં વિભુજાવાળા અંબામાની મૂર્તિ રવના ગરાશિયાઓની મૂળ પુરુષ મુરવાજી જાડેજાને રવ રાજ્ય અપાવ્યું. તેમની મૂર્તિ યાદગીરીમાં પધરાવેલી છે. રવરાયની મૂર્તિ સામે ત્રણ પગે ઊભેલ નકલંકી ઘોડાની મૂર્તિ છે. મંદિરની અંદર રામદેવજી ભગવાનનું નાનુંં મંદિર છે. બટુક ખેતરપાળ મંદિરની જયોત અખંડ પ્રગટે છે. તેમને ખોળામાં લઇને બિરાજે છે. અહીં શુદ્ધ ઘીની અખંડ જ્યોત જલે છે.
મંદિરની બાજુમાં ઠાકર મંદિર છે. ત્યાં કૌરવનું સ્થાનક છે. પહેલા માનવનું બલિદાન અપાતું હશે. ત્યાં આખા શ્રીફળનો ભોગ ધરાય છે. અહીં ત્રીકમજીનો ખંડ છે. ગુરુડ ભગવાન, ભૈરવ, ખેતરપાળ, લક્ષ્મી-નારાયણ ભગવાન, હનુમાનજી તથા ગણપતિ બિરાજે છે. મંદિરમાં ત્રણ વખત, સવારે ૪ વાગ્યે મંગળ આરતી, સવારે ૭ વાગ્યે શણગાર આરતી અને સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી થાય છે.
મસાલી ગામના મૂરવાજી રવેચી માતાના પરમભક્ત હતા, માતાજી તેમને પ્રસન્ન થયા, રવ, ડાવરી, ત્રંબૌમાં દેદાઓનો અંત આવ્યો હતો બાદ રાજ ચલાવવામાં આવ્યું. માતાજી મૂરવાજીની પેઢીએ એક એક શંખ બહાર કાઢતા રહ્યાં છે. છ શંખ બહાર કાઢ્યા છે. માતાજીની મૂર્તિ પાસે મોજૂદ છે. સાતમો શંખ હજુ નીકળેલ નથી.
અર્જુનદેવનો શિલાલેખ :
અહીં અર્જુનદેવનૌ ઐતિહાસિક શિલાલેખ નીચે મુજબનો હોવાનું જણાય છે.
મહારાજાધિરાજ અર્જુનદેવ અણહિલવાડ પાટણ તેમના કાર્યકર્તા કારભારી ધાન દલીયાણ બાઇથી થરીયા સૂતરસિંહજી ધૃત વાટિકા તાલુકામાં આવેલા રવ ગામે માતાજી મંદિરે પોતાના આત્માના કલ્યાણ અર્થે વાવ ગળાવી તેમાં સોળસો દ્રવ્ય પરહર્યા તે વિક્રમ સંવત ૧૩૨૮ શ્રાવણ સુદ ૨ શુક્રવાર લેખથી સાબિત થાય છે. એમ રવિસિંહજીને માતાજીને પ્રસન્ન થયેલ છે.
સામબાઇ માતા: સામબાઇ માતાનો જન્મ ઇ. સ. ૧૮૫૦માં થયો હતો. ભટી ખેંગાર, ભોપાની પુત્રી હતા. નાનપણથી ગુણોવાળા અને દેવ ક્ધયા જેવા રૂપાળા હતા. ૧૫ વર્ષના થતાં, ભટી ખેંગાર, તેમને પરણાવવાની ચિંતા થવા લાગી, પરંતુ સામબાઇ માતા તો કહે પુરુષ માત્ર મારે પેટના પૌત્રા સમાન છે. મારે તો રવેચી માતની
સેવા ભક્તિ કરવી છે.
છેવટે ખેંગારજી પોતાની પુત્રીને કંથકોટના મુરવાજી જોડે લગ્ન નક્કી કરે છે. બે ફેરા ખાંડાના કંથકોટ ફરીને આવ્યા રસ્તામાં બહારવટિયા સાથેના ધીંગાણામાં મુરવાજી ખપી ગયા. સામબાઇ માતા વિધવા ક્ધયા રવેચી માતની ભક્તિમાં મન પરોવી દીધું.
રાપરના કલ્યાણેશ્ર્વર મહંત મસ્તગીરી પાસેે આવી સામબાઇએ સંન્યાસ લીધો. સંન્યાસ બાદ તેમનું નામ રામસાગરજી પાડયું. રવેચી માતની પૂજા પાઠમાં જીવન વિતાવ્યું. મંદિરોનો ર્જીણોદ્ધાર કરાવ્યો. ચાર ધામ અડસઠ તીર્થ કર્યાં હતાં.
મહારાવશ્રી દેશલજીને શરીરના પાછળના ભાગમાં ગુમડાનું દર્દ સામબાઇએ કારંગની કરીથી મટાડયું હતું. આથી મહારાવશ્રી પ્રસન્ન થઇ ખુશ થયા હતા. અને તેમની પ્રત્યે શ્રદ્ધા જાગી સામબાઇના કહેવાથી ૧૮૯૫માં ભુજ નજીક રુદ્રાણી માતાજીનું મંદિર બંધાવ્યું. તે સમયે પાડાના બલી ચડતાં તે બંધ કરાવી મોટી જાગીર શરૂ કરાવી. સામબાઇ અને દેશલજી પૂર્વ જન્મમાં ભાઇ-બહેન હોવાનું કહેવાય છે. સંવત ૧૯૧૬માં સામબાઇ માતાએ રુદ્રાણી માતાજીનાં મંદિરે જીવતી સમાધિ લીધી હોવાનું કહેવાય છે. રુદ્રાણીના મંદિરે રવેચી, રુદ્રાણી અને આશાપુરાની મૂર્તિઓ તથા ખેતરપાળનું મંદિર સામબાઇ માતાનું શિખર બંધ મંદિર છે.(ક્રમશ:)