Homeલાડકીજીતવાના આનંદ કે હારવાના અફસોસ કરતાં એ સફરને માણવી એટલે પ્રેમ...!

જીતવાના આનંદ કે હારવાના અફસોસ કરતાં એ સફરને માણવી એટલે પ્રેમ…!

સંબંધોને પેલે પાર-જાનકી કળથિયા

જીતવાના આનંદ કે હારવાના અફસોસ કરતાં એ સફરને માણવી એટલે પ્રેમ…!
કોઈને દિલ ફાડીને પ્રેમ કરવો એટલે શું? આત્માની ઉપરવટ જઈને કોઈ અન્ય માટે ન્યોછાવર થઈ જવું એટલે શું? ગમતાં માણસ માટે થઈને તમામ બંધનોનો છેદ ઉડાડી દેવાનું અઘરૂ, પણ રોમાંચિત કાર્ય કેટલાં લોકો કરી શકે? શા માટે પ્રેમ વિશે થતી ચર્ચાઓમાં નાકનું ટીચકું ચડાવવામાં આવતું હોય છે?
પ્રેમ એક એવો અદભુત શબ્દ છે કે એ સાંભળતાની સાથે જ લાગણીના ફુવારા ઊડવા લાગે. પ્રેમ- આ શબ્દ સાંભળતાની સાથે જ તંદ્રાવસ્થામાં પણ એનું નામ અને ચહેરો માનસપટ પર દેખાવા લાગે. પ્રેમ- આ શબ્દ દેખતાંની સાથે એ હૃદયમાં રિઝર્વડ રહેલી એકમાત્ર વ્યક્તિ સાથેની કૂણી લાગણીઓથી હૈયું છલોછલ થઈ જાય. પ્રેમ- આ શબ્દ મમળાવતાની સાથે જ પ્રેમ એટલે ‘હું પહેલા હતી અને પછી પણ હોઈશ, પરંતુ હું અત્યારે છું એવી નહિ હોય’ નો અહેસાસ થાય. પ્રેમ- આ શબ્દ વિચારતાની સાથે જ કૃષ્ણમયી રાધા અને મીરાંની તસવીર નજર સમક્ષ દેખાય. પ્રેમ- આ શબ્દ બોલતાની સાથે જ આપણા બેય હોઠો જાણે પરસ્પર આલિંગન કરતાં હોય એવું લાગે.
એવું તે શું છે પ્રેમમાં કે આખી દુનિયા આ શબ્દ પાછળ ઘેલી છે? આપણે ત્યાં યુગો-યુગોથી પ્રેમોત્સવ ઉજવાય છે. પ્રણયકથાઓ અને પ્રેમગીતો પણ પુષ્કળ લખાયા છે. જેમાં પ્રેમની સાથોસાથ બે હૈયાનો વિરહ, એકબીજાને પામવાની ઘેલછા કે તડપ, ક્યારેક તો એકબીજાને પામવા રચાતો પ્રપંચ, શરૂઆતમાં શૃંગારરસ, પરંતુ ન મળી શકવાના લીધે છેલ્લે ઠલવાતા કરૂણ રસથી તરબોળ ઘણીય કથાઓનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે. છતાં પણ પ્રેમની વાત આવે ત્યારે ઘણાંય લોકો નાકનું ટેરવું ચડાવતાં નજરે પડે છે અને આ એવા જ લોકો છે જેને ક્યારેય પ્રેમ મળ્યો નથી. અરે આપણે તો એ ધરતીમાં જન્મ્યાં છીએ જેની માટીના દરેક કણ પાસે એકાદ પ્રેમકથાનો પુરાવો છે. આ દરેક રજકણ એ વાતની સાક્ષી છે કે અહીં નિરંતર પ્રણય ફાગ ખેલાયા છે.
બે પ્રિયજનો મળે ત્યારે જાણે એમનો વસંતોત્સવ હોય એમ તેઓ મ્હાલે છે. બે હૈયા એકબીજામાં એકાકાર અને પછી નિરાકાર થઈને એકમેકને વ્હાલે છે. બે હૃદય પરસ્પર લીન થયા પછી તલ્લીન થઈને એ ક્ષણ માણે છે. બે જુદા શ્ર્વાસો એકબીજાના શ્ર્વાસમાં ભળીને પરસ્પર શ્ર્વસે છે. બે જુદા જુદા જીવોનું અલગ અસ્તિત્વ હોવા છતાં જાણે એક થઈને જ જીવે છે. એ અનુભૂતિ ઈશ્ર્વર કદાચ દરેકને નથી આપતો. પ્રેમને પામવાનું કે સમજવાનું દરેકના નસીબમાં હોતું પણ નથી. આ તો એક એવી કુદરતી દેણ છે કે જેને મળે એ જ એનું મૂલ્ય સમજી શકે. પ્રિયપાત્રને ઘડીભર નિહાળ્યાથી જાણે કેટલાંય દિવસની ઊર્જા ભરાઇ થઈ જતી હોય એવું લાગે. એ ચાર આંખોનું એકાકાર થઈને એકમેક પર હેતથી વરસી પડવું એ તો એમના માટે લ્હાવો છે. આંગળીના ટેરવાઓ એ સ્પર્શને એટલાં તો પામી ગયા હોય છે કે અન્ય કોઈપણ સ્પર્શની અસર વર્તાતી નથી. ક્ષણે ક્ષણે માત્ર એ જ વ્યક્તિ દેખાય છે, સંભળાય છે, બોલાય છે, વંચાય છે…
એ જ્યારે ચાલે છે તો એના પગની નીચે સ્પર્શતા પથ્થર અને ધૂળને માથે ચડાવવાનું મન થઇ આવે. એ પ્રિયપાત્ર જે કપડાં પહેરે એમાંથી આવતી શરીરની સુગંધ એકસામટી શ્ર્વાસમાં ભરવાની ઈચ્છા થાય. એણે ચાખેલી ખાવા પીવાની કોઈપણ વસ્તુમાં એ જ જગ્યાએ આપણા અધરો સ્થિર થાય. અરે પ્રિયપાત્રએ સ્પર્શ કરેલ દરેક વસ્તુ જાણે આપણા માટે અણમોલ હોય એવું ભાસે. એને ગમતી ફિલ્મ આપણને ગમવા માંડે, એને ગમતું પુસ્તક ફરીફરીને વાંચવાનું મન થયા કરે. એને ગમતો રંગ પણ આપણો સૌથી પ્રિય થઈ જાય. એને ગમતી બ્રાન્ડ આપણનેય ગમવા લાગે. એને ભાવતી ડિશ પણ આપણી ફેવરિટ થઈ જાય. એનામાં રહેલ ખામીઓની અવગણના કરીને માત્ર સારાં પાસાંઓ જ દેખાય. જ્યારે હકીકતમાં આવું પહેલાં ન હોય. કેટલીક વસ્તુઓ આપણને દિઠેડોળે પણ ન ગમતી હોય, પરંતુ એ પ્રિયપાત્રના આગમન બાદ જાણે આપણા જીવનમાં પાનખર ખતમ થઈને વસંતે વધામણાં કર્યા હોય એવું લાગવા માંડે.
પ્રેમ એક એવો આગનો દરિયો છે જે તમને બાળી પણ શકે છે અને તારી પણ શકે. એમાં બળીને ભડથું થવાની તૈયારી સાથે કૂદવું જોઈએ. કોને ખબર તમને પામ્યા બાદ એ આગનો દરિયો શાંત પડીને તમને ભીંજવે પણ ખરો. ઈનશોર્ટ પ્રેમમાં કોઈ શોર્ટકટ નથી હોતો. આપણે પ્રેમ શોધવા નીકળીએ ને રસ્તામાં ક્યાંય મળી જાય અને આપણે ભાવતાલ કરી લઈએ એવું પણ અહીં નથી બનતું. મૃત્યુ અને પ્રેમ- આ બે ઘટનાઓ હંમેશાંથી માણસજાતને આશ્ર્ચર્ય પમાડતી રહી છે. ક્યાં, કોને, કેવી રીતે, કેટલાં સમયમાં પ્રેમ થશે એનું કોઈ ભાવિકથન થઈ શકતું નથી. ‘ચાલો હવે આ જંજાળમાંથી નવરા પડ્યા એટલે પ્રેમ કરીએ’ એમ માનીને પ્રેમને શોધવા બેસીએ તો તે ક્યારેય જડતો નથી. એનો પગપેસારો આપણા જીવનમાં ક્યારે થશે તે ખબરેય નહીં પડે. બિલ્લીપગે અને સાવ અજાણતા કોઈ ખાસ વ્યક્તિ આપણા દિલો દિમાગ પર હાવી થઈ ગયું હશે. ખાતા પીતાં, સૂતા જાગતા, નવરાશની પળોમાં એ વ્યક્તિ સાથેની આપણી યાદો સળવળાટ કરતી હશે. અરે કોઈ વ્યસનમાં ન હોય એટલો નશો એ વ્યક્તિ માટે થઈને આપણો હશે. જાણે કે એ ન મળત તો આપણે અધૂરા રહી જાત.
પ્રેમ- જીવનના કોઈ પણ તબક્કે થઈ શકે. એની કોઇ ગણતરી નથી હોતી. આપણા જીવનમાં બધું હોવા છતાં કોઈને મળ્યા બાદ એમ થાય કે બસ આ જ ઘટતું હતું, જે એને મળીને પૂરું થયું, તો એ પ્રેમ છે. આપણે તકલીફમાં હોઈએ ને જેનો ચહેરો દેખાય એ પ્રેમ છે. આંખો ચોળતાં ચોળતાં પણ જેની સાથે વાત કરતાં કંટાળો ન આવે એ પ્રેમ છે. જ્યાં ‘મારી ખુશીનું કારણ તું છો’ એમ કહી શકાતું હોય ત્યાં પ્રેમ છે. જેનું નામ મોબાઇલની ડિસ્પ્લે પર દેખાય ને એના શેરડા સાતેય કોઠે પડે તો એ પ્રેમ છે. સૂતા સમયે ને જાગતાવેંત જેનો ચહેરો બંધ આંખે દેખાય એ પ્રેમ છે. જેને મળ્યા પછી એમ લાગે કે હવે સઘળું મળી ગયું તો એ પ્રેમ છે. જેને ચાહવાથી આપણે ધરાઈએ જ નહીં તો એ પ્રેમ છે. જેની મોં પરની ઉદાસી આપણને અસહ્ય પીડે તો એ પ્રેમ છે. જેને મળતાની સાથે જ આપણું મૌન તૂટી ખળખળ વહેતી નદીની માફક વહેવા લાગે તો એ પ્રેમ છે. જેની ગેરહાજરીનો અહેસાસ એના ગયા પછી થાય તો એ પ્રેમ છે. અનરાધાર વરસતી એવી હેલી જે આપણને તરબતર કરી નાખે તો એ પ્રેમ છે. જેની સાથે વ્યક્ત થતાં પહેલાં નથી વિચારવું પડતું કે નથી યાદ રાખવું પડતું તો એ પ્રેમ છે.
કલાઇમેકસ: પ્રેમ એ ક્ષણિક પણ હોઇ શકે. દિવસો અને મહિનાઓમાં ખતમ થઈ જાય એવુંય બને, પરંતુ એ અવસ્થાને ચાર હાથોથી ભેટીને કાયમી સંગ્રહ કરવા માટે બેય પાત્રોનું અડીખમ હોવું અનિવાર્ય છે. આવા પ્રેમોત્સવની ઉજવણીના દિવસ તો શું આખેઆખી જિંદગીય ઓછી પડે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular