ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં સાત સમંદર પાર પણ એટલી જ છે અને એનું જ ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયાએ લીધેલું પગલું. ઓસ્ટ્રેલિયાના ગર્વનર જનરલે શુક્રવારે જાહેરાત કરી છે કે ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધ, બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ અને પરોપકારી વૃત્તિ માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયામાં તેમની નિયુક્તિ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચેના સંબંધોને સમર્થન આપવા બદ્દલ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ અધિકારી તરીકે રતન ટાટાની નિયુક્તિ કરવામાં આવી છે. આ બાબતે માહિતી આપતા ઓસ્ટ્રેલિયાના ભારતમાં રહેલાં વડા બેરી ઓફરેલે શુક્રવારે આ બાબતે ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધ, ખાસ કરીને બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ અને પરોપકારી વૃત્તિને કારણે રતન ટાટાની ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના માનદ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમનું કાર્ય વિકાસને સમર્થન આપનારું છે અને આરોગ્ય, શિક્ષણ, પાણી, ખેતી, પર્યાવરણ, ઊર્જા, સામાજિક ન્યાય, ડિજિટાઈઝેશન, મહિલાના આર્થિક સક્ષમીકરણ સહિત સહિત વિવિધ ક્ષેત્રમાં તક નિર્માણ કરનાર છે, એવું પણ અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
ટાટા ફેમિલી ટ્રસ્ટ અંતર્ગત ઓફર કરવામાં આવેલી સ્કોલરશિપ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ એસ્ટ્રેલિયામાં ભણી શકે એ માટે, આર્થિક સંબંધ વધુ મજબૂત બનાવવા માટે અને ઓસ્ટ્રેલિયાના શિક્ષણ ક્ષેત્રમાં તકનું નિર્માણ કરવામાં આવે છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ) 1998થી ઓસ્ટ્રેલિયામાં છે, કોઈ પણ ભારતીય કંપનીમાં 17000 કર્મચારી અને સહયોગી રહેલા ઓસ્ટેલિયન લોકોની સંખ્યા સૌથી વધુ છે. ટીસીએસ ઓસ્ટ્રેલિયન સમુદાયને મહત્ત્વના પ્રોગ્રામ દ્વારા યોગદાન આપે છે.
આ સિવાય રતન ટાટાને વ્યવસાય, ઉદ્યોગ, ટેક્નોલોજી, નેતૃત્ત્વ, સંસ્કૃતિ અને શાંતિ માટે આપેલા યોગદાન માટે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને ખ્યાતિ પ્રાપ્તન છે. જેમાં ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાંથી માનદ ડોક્ટર ઓફ બિઝનેસ ડિગ્રીનો સમાવેશ પણ થાય છે.