મુંબઈનો વિચિત્ર બનાવ: સોનાના ઘરેણા ભરેલી થેલી શોધવામાં ઉંદરડાએ કરી મદદ

આમચી મુંબઈ

મુંબઈના દિંડોશીમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે, જેમાં સોનાના દાગીનાથી ભરેલી થેલીને શોધવામાં એક ઉંદરડાએ પોલીસને મદદ કરી અને તેને રસ્તો દેખાડ્યો. આ થેલીમાં 10 તોલા સોનુ હતું જેની કિંમત આશરે પાંચ લાખ રૂપિયા હતી.

નોંધનીય છે કે દિંડોશી પોલીસ સ્ટેશનની હદમાં રહેતી સુંદરી નામની 44 વર્ષની મહિલા ઘરમાં રાખેલું 10 તોલુ સોનુ બેન્કમાં ગીરવે રાખવા માટે જતી હતી. રસ્તામાં જતી વખતે તેને એક ભિક્ષુક મહિલા અને તેનું બાળક દેખાયું એટલે સુંદરી થેલીમાં રાખેલા વડાપાઉં તે બાળકને આપીને જતી રહી. સુંદરી જયારે બેન્ક પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે જે વડાપાઉંની થેલી તેણે બાળકને આપી દીધી હતી તેમાં જ સોનાના ઘરેણા રાખેલા હતા. સુંદરી તરત બેન્કમાંથી નીકળી તે જગ્યા પર ગઇ જયાં તેણે બાળકને વડાપાઉંની થેલી આપી હતી, પણ ત્યાં તેને પેલી મહિલા દેખાઇ નહીં. એ પછી સુંદરી પોલીસ સ્ટેશન ગઇ અને તેણે આ અંગે પોલીસને જાણ કરી .

સીસીટીવીની મદદથી પોલીસે ભિક્ષુક મહિલાને શોધી કાઢી પણ તેની પાસે દાગીના નહોતા. વડાપાઉં સૂકા હોવાને કારણે તેણે તે કચરામાં ફેંકી દીધા હતા. પોલીસને પહેલા સોનાની થેલી ન મળી પણ પછી કચરા પેટીની નજીકમાં લાગેલા એક સીસીટીવીમાં દેખાયું કે જે સોનાના ઘરેણા ભરેલી થેલી પોલીસ શોધી રહી છે તેને લઇને એક ઉંદરડો ફરી રહ્યો હતો. પોલીસે એ ઉંદરડાનો પીછો કર્યો ત્યાં સુધી તો તે થેલી લઇને ગટરમાં ઘૂસી ગયો હતો. પોલીસે થેલીને ગટરની અંદરથી કાઢતા તેમાંથી સોનાના ઘરેણા મળી આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.