રસિક જ મારો પ્રેરણાસ્રોત હતો અને રહેશે: કેતકી દવે

લાડકી

કવર સ્ટોરી-કાજલ રામપરીયા

જીવનમાં ગમે તેટલાં વાવાઝોડાં અને તોફાન કેમ ન આવી જાય, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પણ પ્રોફેશનલ લાઈફમાં અસર ન પડવા દેવી એનું નામ કલાકાર. જીવનના સૌથી કપરાકાળમાંથી પસાર થઈ રહેલાં અભિનેત્રી કેતકી દવેએ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પતિના દેહાંત થયાના ત્રીજા જ દિવસે ઘાટકોપરમાં ‘ખેલ ખેલે ખેલૈયા’ નાટકમાં પર્ફોર્મ કર્યું હતું અને દર્શકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે અઢળક હિંદી અને ગુજરાતી ટીવી સિરિયલ અને ફિલ્મો ઉપરાંત નાટકોમાં કામ કરી ચૂકેલા અભિનેતા રસિક દવેનું ગંભીર બીમારીને કારણે ૨૯ જુલાઈના રોજ નિધન થયું હતું. એક સ્ત્રીના જીવનમાંથી જ્યારે તેના પતિની એક્ઝિટ થાય ત્યારે તે શું ફીલ કરે છે એ વિશે કેતકી દવેએ ‘મુંબઈ સમાચાર’ સાથે કેટલીક વાતો શેર કરી છે.
પતિના નિધનના ત્રણ દિવસ બાદ પત્નીના દુ:ખને એક તરફ રાખીને એક્ટરની જવાબદારી નિભાવીને સાચા અર્થમાં પ્રોફેશનલિઝમમાં માનનારાં કેતકી દવે કહે છે કે રસિક પહેલેથી જ મારો પ્રેરણાસ્રોત રહ્યો છે અને રહેશે. હું એક વાર હિમ્મત હારી જાઉં, પરંતુ એના હિસાબે તો લાઈફમાં બધું થઈ જ જાય. એ કહેતો હું છું તો બધું થઈ જ જશે. રસિક જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે મને કહેતો કે શો મસ્ટ ગો ઓન! મને કંઈ પણ થાય, પરંતુ તું તારા શો કેન્સલ નહીં કરે. જોકે આવા સમયે મારું મન તેની સાથે રહેવાનું થતું હતું, પરંતુ રસિક કહેતો કે નહીં, શો તો કરવો જ પડે. રસિકે એની આખી લાઈફ સેલિબ્રેટ કરી છે તો તેના ગયાનું દુ:ખ મનાવવું એ મને યોગ્ય નથી લાગતું.
મારે કારણે બીજાને તકલીફ કેમ?
વાતના દોરને આગળ વધારતાં કેતકીબહેને જણાવ્યું હતું કે ૩૧ જુલાઈના રોજ જ્યારે મેં પર્ફોર્મ કર્યું ત્યારે દર્શકો તાળીઓ શું કામ પાડી રહ્યા હતા તે મને ખબર જ નહોતી. જોકે મેં કોઈ મોટું કામ કર્યું નથી. મેં ફક્ત મારી જવાબદારી નિભાવી છે. મેં મારા જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ ગુમાવી છે અને આ દુ:ખ મારું જ છે, પરંતુ જ્યારે આપણે પ્રોફેશનલ લાઈફને પણ મેનેજ કરવાની હોય જ છે, તેથી મારો કોઈ અધિકાર નથી કે મારું પર્સનલ દુ:ખ લોકો સાથે શેર કરું. જીવન છે તો નાનીમોટી તકલીફો રહેતી જ હોય છે, પરંતુ રંગભૂમિ સાથે જોડાયેલા છો તો તમારે શો તો કરવા જ પડે. જ્યારે લોકોએ ૩૧ જુલાઈના શોમાં મારા માટે તાળીઓ પાડી અને તેમને એમ લાગ્યું કે આ ખૂબ જ મોટી વસ્તુ છે, પરંતુ અમારા માટે સામાન્ય જ છે. અમારો ઉછેર જ આવી રીતે થયો છે. લોકોને ખુશી થાય તો એમ લાગે કે જે કર્યું એ સારું જ હશે. જ્યારે આપણેે લોકોની પ્રેરણા બનીએ ત્યારે એક કલાકારને એમ લાગે કે જીવન સાર્થક થયું.
શોના નિર્માતા-દિગ્દર્શકનો મળ્યો સાથ
ચાલી રહેલા નાટકના બેક ટુ બેક શો દરમિયાન રસિક દવેના અવસાનના સમાચાર મળતાં રંગભૂમિ અને ટીવી જગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો હતો. શોના નિર્માતા-દિગ્દર્શક અને સહકલાકારો વિશે વાત કરતાં કેતકીબહેને કહ્યું કે રસિકના અવસાનના સમાચાર મળ્યા બાદ ‘ખેલ ખેલે ખેલૈયા’ નાટકના નિર્માતા કિરણ ભટ્ટ તથા દિગ્દર્શક અને સાથીકલાકારો મારા સપોર્ટમાં હતા. તેમણે મને કહ્યું હતું કે જો તમે નહીં કરી શકો તો વાંધો નથી.
જોકે નાટક એકલા હાથે નથી થતું, ટીમ હોય છે. એક વ્યક્તિને કારણે આખી ટીમને તકલીફ આપું એવું ન ચાલે. પોતાનો બિઝનેસ હોય તો તેમાં પણ ઘણા લોકો સંકળાયેલા હોય છે ત્યારે પણ બેકઆઉટ મારતાં પહેલાં એક વાર વિચાર કરવો જ પડે. મારી માતા સરિતા જોશીનું પણ માનવું હતું કે શો તો મારે કરવો જ પડે, પરંતુ એના માટે શક્તિ જોઈએ. એ હું કેવી રીતે એકઠી કરીશ? જોકે એક વાર આપણે કંઈક કરવાનું નક્કી કરીએ તો નિયતિ આપણને એ મેળવવા માટે મદદ કરે છે. ઘણી વાર આપણે જીવનમાં કપરા નિર્ણયો લેવામાં ગભરાતા હોઈએ છીએ, પણ જો એક વાર નિર્ણય લઈ લેવામાં આવે અને એ દિશામાં કામ કરવામાં આવે તો કુદરત પણ આપણી તરફેણમાં થાય છે.
વો પહલી બાર જબ હમ મિલે…
રસિક દવે સાથે સંકળાયેલી યાદોને વાગોળતાં કેતકી દવે કહે છે કે વાત ૧૯૭૯ની છે. હિંદી નાટક ‘નીલા કમરા’ના રિહર્સલમાં હું ગઈ હતી ત્યારે પહેલી વાર રસિક સાથે મુલાકાત થઈ હતી. પછી બીજા નાટકમાં પણ કામ કર્યું અને આ દરમિયાન અમને એકબીજા સાથે રહેવાનો અને એકમેકને જાણવાનો મોકો મળ્યો. તે વખતે અમને એકબીજા માટે લાગણી છે એવું ફીલ થયું. રસિક ખૂબ જ શરમાળ અને સરળ હતો અને હું પહેલેથી જ બિનધાસ્ત હતી તો અમારી લવસ્ટોરીની તો શરૂઆત મેં કરી હતી. ૧૯૮૩માં અમે પ્રભુતામાં પગલાં માંડ્યાં.
એ યાદો, જે ક્યારેય નહીં ભુલાય
રસિક સાથેની ઘણી યાદો છે જે હું આજીવન સાથે રાખીશ. આમ તો અમે બંનેએ અઢળક નાટકોમાં સાથે કામ કર્યું છે, પરંતુ એક નાટક છે જે હંમેશાં મારા મનની નજીક રહેશે, જેનું નામ હતું ‘તકદીરનો તકાજો’. આ નાટકમાં રસિક વિલન હતો અને પછી તે મારો દીકરો પણ બન્યો હતો. આ નાટકમાં કામ કરવાની મને ખૂબ જ મજા આવી હતી. હજુ એક નાટક ‘રાણીને ગમે તે રાજા’નું અમે રિહર્સલ કરતાં હતાં. શો રવિવારે હતો અને બુધવારે અચાનક તેને બેક પેઈન શરૂ થયું અને પીઠ અકડાઈ ગઈ હતી ત્યારે અમે બધાં ટેન્શનમાં આવી ગયાં હતાં. જોકે રસિકે શો કેન્સલ કરવાની ના પાડી. પછી મેં વચલો રસ્તો કાઢ્યો. મેં રસિકને કહ્યું કે તું એક જગ્યાએ ઊભો રહીને ડાયલોગ્સ બોલજે, બાકી બધું હું સંભાળી લઈશ. રસિકે આ વાત માની. નાટક શરૂ થયું અને અચાનક તેનું પીઠદર્દ ગાયબ થઈ ગયું. નાટક પૂરું થયા પછી મેં જ્યારે તેને કહ્યું કે અચાનક પીઠદર્દ ગાયબ થઈ ગયું. તેની કામ કરવાની નિષ્ઠા મને ગમતી અને એ જ મને આગળ વધવાની પ્રેરણા આપતી.
લાઈફ ગોઝ ઓન
રસિકના ગયા બાદ મારા જીવનમાં ખાલીપો તો આવી ગયો છે, પરંતુ મારો પરિવાર ખૂબ જ સપોર્ટિવ છે. મારી દીકરી રિદ્ધિ પ્રેગ્નન્ટ છે. આજે ઘરે દુ:ખ છે, પરંતુ આવતી કાલે સુખ આવવાનું છે. આ જ જીવનનું ચક્ર છે. સુખમાં છકી જવું અને દુ:ખમાં ડૂબી જવું જોઈએ નહીં. જીવનમાંથી કંઈ જતું રહે છે તો કંઈક તમને પાછું પણ મળે જ છે. દુ:ખ હોય તો રડી લેવાનું, પણ પછી તેને પકડીને બેસી રહેવા કરતાં આગળ વધી જવાનું. મારો દીકરો, રસિકનો પરિવાર, મારાં મમ્મી બધાં જ મારી સાથે છે. રસિકની બીમારી ગંભીર થતી ગઈ ત્યારે મને એવું થયું હતું કે આ સાથ હવે અહીં સુધીનો જ છે, એવું કેતકીબહેને જણાવ્યું હતું.
શું છે ફ્યુચર પ્લાનિંગ?
મેં મારા જીવનમાં યોજના કરી જ નથી. મને જે ગમે તે જ કરું છું. ઘણી વાર લોકોને બીજાને જોઈને જીવનમાં અફસોસ થતો હોય કે મેં આ વિચાર્યું હતું, જો કરી લીધું હોત તો આવી જ રીતે સફળ થયો હોત. મને એ રિગ્રેટ નથી જોઈતુું. નજીકના ભવિષ્યમાં અભિનય ક્ષેત્રમાં ઝંંપલાવા માગતા નવયુવાનો માટે એક્ટિંગ ક્લાસ ખોલવાની ઈચ્છા છે. જો મારા જ્ઞાનથી કોઈને હેલ્પ થાય તો મારાથી વધુ રાજી કોઈ નહીં થાય. મારા પરિવારમાં બધા જ એક્ટર્સ છે તો મને કોઈ એવી સારી સ્ક્રિપ્ટ મળે તો હું મારાં મમ્મી સરિતા જોશી અને દીકરી એકસાથે કામ કરીશું, એવી મારી ઈચ્છા છે.
તમારી લાઈફના તમે જ કર્તાહર્તા
સ્ત્રીઓમાં સૌથી વધુ હિમ્મત અને શક્તિ હોય છે, પરંતુ સમાજનાં નિયમો અને બંધનોને કારણે સ્ત્રી બંધાઈ જાય છે. આમ કરીશ તો લોકો શું કહેશે? એવા વિચારો આવવા લાગે છે, હું નથી વિચારતી કે લોકો શું કહેશે. આપણને જે યોગ્ય લાગે એ જ કરવું જોઈએ. તમારી લાઈફના ડિસિશન મેકર તમે જ છો અને આ અધિકાર દુનિયાને કે અન્ય કોઈને આપવો જોઈએ નહીં. સમાજનું કામ કહેવાનું છે, પણ એક વાર પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તમને એ યોગ્ય લાગે છે કે? સ્ત્રીઓમાં ઈન્ટ્યુઝન રાઈટ જ હોય છે એ યાદ રાખવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.