રસિક દવેની વસમી વિદાયથી ઢોલીવૂડ હિબકે ચઢ્યું…

આમચી મુંબઈ ફિલ્મી ફંડા

સોનલ સેઠ

ગુજરાતી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા રસિક દવેનું શુક્રવારે ટૂંકી માંદગી બાદ અવસાન થયું. આજે સવારે આઠ વાગે અંધેરીના યારી રોડ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે રંગભૂમિની અનેક હસ્તીઓની આંખમાં અશ્રુ હતા. ભારે હૈયે સહુએ રસિકભાઇને વિદાય આપી. ગુજરાતી રંગભુમિના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

પતિ રસિક દવેના અવસાન અંગે અભિનેત્રી કેતકી દવેએ કહ્યું હતું કે તે દરેક સંજોગોમાં મારી પડખે ઉભો  રહેશે. મારા પતિને તેમની બીમારી અંગેની વાત કરવી ગમતી નહોતી એટલે તેની કીડનીની બીમારી અંગે જૂજ લોકોને જ ખબર છે. તેની કથડેલી તબિયત અંગે અમે કોઈને જાણ કરી નહોતી. બીમારીના સમયે તે કહેતો હતો કે બધુ સમુસુતરૂ થઈ જશે અને તેણે આશા છોડી નહોતી. હું 1979માં તેને પહેલી વાર રંગમંચ પર મળી હતી અને પહેલી જ નજરે પ્રેમ થયો હતો. અમે 1983માં મેરેજ કર્યા અને મારું 40 વર્ષનું દાંપત્ય જીવન સુખદ રહ્યું.

 

પરેશ રાવલ

ગુજરાતી રંગભૂમિના અને હિન્દી ફિલ્મના દિગ્ગજ કલાકાર પરેશ રાવલે તેમની સાથેની છેલ્લી મુલાકાત વાગોળતા જણાવ્યું હતું કે રંગભૂમિ પર સુંદર દેખાતા બહુ ઓછા કલાકારોમાંથી એક રસિક દવે હતો. અમે વર્ષોથી મિત્ર હતા. કોલેજકાળથી એને નાટકોનો શોખ હતો. એનો લડાયક મિજાજ અને એન્ટરપ્રાઇઝિંગ સ્પિરિટ હંમેશા પ્રેરણા આપતા. રસિક સાથે મેં ત્રણ-ચાર નાટક કર્યા હતા. કલાકારો ગમે તે ઉંમરે જાય પણ રસિક ઘણી નાની ઉંમરે ગયો. એનો જિંદાદિલ અભિગમ, આસમાન-પાતાળ એક કરીને પણ નાટક ભજવવાનો સ્વભાવ બધું જ યાદ રહેશે.

સુરેશ રાજડા

લહેરથી જીવવાવાળો, મોજીલો આનંદી સ્વભાવનો મારો મિત્ર ભલે ગયો પણ એની સાથેના સુંદર સમયના સંભારણા મારી સાથે છે. મિલનસાર સ્વભાવનો રસિક બીમારીમાં પણ લહેરથી જીવી ગયો. રસિક નાટકનો જીવ હતો. નાટક એની રગેરગમાં હતું. એને અને રંગભૂમિને ક્યારેય અલગ કરી શકાય તેમ નહોતા. એને વરસાદમાં ભિંજાવું ઘણું ગમતું. અમે એના લોનાવલાના બંગલામાં ઘણી વાર સાથે જતા અને એ વરસાદમાં ભિંજાવાની મઝા માણતો, વડાપાંવ ખાતો અને અમે એની મિત્રતા માણતા. હવે એના વગર અમને લોનાવલા બહુ જ સૂનુ સૂનું લાગશે.

હોમી વાડિયા

રસિક મારો ક્લોઝ ફ્રન્ડ હતો. અમે ’31ની મધરાતે’, ’38 કરોડ 24 કલાક એક સવાલ’ અને ‘તાંડવ’ જેવા સાથે નાટકો કર્યા છે. મને હંમેશા તેની સાથે ભજવેલા નાટકો યાદ રહેશે. જોકે, એ લાંબા સમયથી બીમાર હતો અને પીડાતો હતો, જે અમારાથી જોવાતું નહોતું. પણ પીડામાં પણ હંમેશા હસતા રહેવું અને એની મજાકમસ્તી અમને હંમેશા સકારાત્મક ઉર્જા આપતી. એક મિત્રની ખોટ હંમેશા સાલશે.

સનત વ્યાસ

થિયેટરનું બેકગ્રાઉન્ડ નહીં ધરાવતો છતાં પણ થિયેટરનો જીવડો હતો એ મારો મિત્ર. જોકે, કેતકી સાથેના લગ્ન બાદ થિયેટર ક્ષેત્રમાં એનો ગ્રોથ થયો. કૉલેજ કાળથી અમે સાથે હતા. એણે આર્થિક ઉપાર્જન માટે હિંદી ફિલ્મ અને સિરિયલો કરી. ‘એક મહેલ હો સપનોં કા’ માં એની સાથે મેં પણ અભિનય કર્યો હતો અને એમાં એને મૃત્યુ પામતો બતાવવામાં આવ્યો હતો. ત્યારે સેટ પર પણ બધા વ્યથિત થઇ ગયા હતા, એવો હૃદયસ્પર્શી એનો અભિનય હતો. અમારા તો તુંકારે બોલાવવાના સંબંધો હતા, હવે એ સંબંધો યાદગીરી બની ગયા.

 

દિપક સોમૈયા, પ્રચારક

રસિકભાઇ મારા ખાસ મિત્ર હતા. દર વર્ષે પહેલા નોરતે અમે અંબાજી સાથે જ જતા. અંબાજીની બાજુમાં જ ઇડર એમનું ગામ. પોતાના નવા નાટકના મુરત તેઓ અંબાજીમાં જ કરતા. ભગવાનની કેવી અજબ લીલા કે ભોલેનાથના ભક્ત રસિકભાઇ શ્રાવણ મહિનાના પવિત્ર પ્રથમ દિવસે ઇશ્વરલીન થઇ ગયા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.