Homeટોપ ન્યૂઝરાષ્ટ્રપતિ ભવનનું ઉદ્યાન મંગળવારથી મુલાકાતીઓ માટે ખૂલશે

રાષ્ટ્રપતિ ભવનનું ઉદ્યાન મંગળવારથી મુલાકાતીઓ માટે ખૂલશે

નવું નામ- અમૃત ઉદ્યાન: રાષ્ટ્રપતિ ભવનના પરિસરના ઐતિહાસિક બગીચા ‘મોગલ ગાર્ડન’ને નવું નામ ‘અમૃત ઉદ્યાન’ અપાયું છે. શિયાળાની ખુશનુમા સવારે બગીચાનાં પુષ્પો પર મધમાખીઓ બેઠી હતી ત્યારે આકર્ષક દૃશ્ય સર્જાયું હતું. મંગળવાર, ૩૧ જાન્યુઆરીથી ‘અમૃત ઉદ્યાન’ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. (તસવીર: પીટીઆઈ)

નવી દિલ્હી: બ્રિટિશકાળનું રાષ્ટ્રપતિ ભવન વિશ્ર્વ રાષ્ટ્રપ્રમુખોના ભવ્યતમ નિવાસોમાંથી એક ગણાય છે. ભારતના લોકો પણ દૂરદૂરથી તેને જોવા આવે છે. રાષ્ટ્રપતિ ભવનનો બગીચો પણ એટલો જ સુંદર છે. આ બગીચો અત્યાર સુધી મુગલ ગાર્ડન તરીકે ઓળખાતો આવ્યો છે, પરંતુ મોદી સરકારની ભારતની ગુલામીની ઓળખને ભૂંસી નાખવાની કવાયતના ભાગ રૂપે હવે એ બગીચાનું નામકરણ ‘અમૃત ઉદ્યાન’ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે રવિવારે આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ હાજરી આપીને ઉદ્યાન ઉત્સવ -૨૦૨૩ની શરૂઆત કરી હતી.
રાષ્ટ્રપતિના નાયબ પ્રેસ સચિવ નાવિકા ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે, ભારતના રાષ્ટ્રપતિ ભવન બગીચાનું ‘અમૃત ઉદ્યાન’ તરીકે નામકરણ કરતાં રાષ્ટ્રપતિ ખુશી વ્યક્ત કરે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં પૂર્વ લોન, સેન્ટ્રલ લોન, લોન્ગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડનનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને શ્રી રામનાથ કોવિંદના કાર્યકાળ દરમિયાન વધુ બગીચા વિકસાવવામાં આવ્યા હતા, જેમ કે , હર્બલ-૧, હર્બલ-૨, ટેક્ટાઈલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન અને આરોગ્ય વનમ.
આ વર્ષના ઉદ્યાન ઉત્સવમાં, અન્ય ઘણાં આકર્ષણોની સાથે, મુલાકાતીઓ ૧૨ અનોખી જાતોની ટ્યૂલિપ્સ જોઈ શકશે, જે તબક્કાવાર ખીલવાની અપેક્ષા છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
આ વખતે બગીચા સામાન્ય લોકો માટે ૩૧ જાન્યુઆરીથી લઈને ૨૬ માર્ચ, ૨૦૨૩ સુધી ખુલ્લા રહેશે (સોમવાર સિવાય અને ૮ માર્ચે હોળીના કારણે). ૨૮થી ૩૧ માર્ચ સુધી, બગીચાઓ ખાસ કેટેગરી માટે ખુલ્લા રહેશે — ૨૮ માર્ચે ખેડૂતો માટે, ૨૯ માર્ચે વિવિધ વિકલાંગો માટે, ૩૦ માર્ચે સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસના કર્મચારીઓ માટે અને આદિવાસી મહિલાઓનાં સ્વસહાય જૂથો સહિત મહિલાઓ માટે માર્ચ ૩૧ના રોજ. લોકો ઓનલાઈન બુકિંગ દ્વારા તેમના સ્લોટ અગાઉથી બુક કરાવી શકે છે. બુકિંગ વિિંાંત://ફિતવિિંફાફશિંતફભવશદફહફુફ.ૠજ્ઞદ.ઈંક્ષ અથવા વિિંાંત://બિ.ગશભ.ઈંક્ષ/બિદશતશિ/ંદશતશિાંહફક્ષ.અતાડ્ઢ પર કરી શકાય છે.
વોક-ઇન મુલાકાતીઓ પણ બગીચાઓમાં પ્રવેશ મેળવી શકે છે જો કે તેઓએ સુવિધા કાઉન્ટર અથવા રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર ૧૨ પાસેના સેલ્ફ સર્વિસ કિઓસ્ક પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બગીચાઓ જોવાના ઉત્સાહને કારણે અગાઉથી બુકિંગ કરાવવું હિતાવહ રહેશે તેવી સલાહ આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવન ઉચ્ચ સુરક્ષા ઝોનમાં આવતું હોઈ મુલાકાતીઓ પર ઘણી વસ્તુઓ લઇ જવા ઉપર પ્રતિબંધ હોય છે, જેમ કે, બ્રીફકેસ, કેમેરા, રેડીઓ. ટ્રાન્સિસ્ટર, બોક્સ, છત્રી અને ભોજન સામગ્રી પણ. માત્ર મોબાઈલ ફોન, ગાડીની ઇલેક્ટ્રીક ચાવીઓ, પર્સ/ હેન્ડબેગ, પાણીની બાટલી કે બાળકો માટે દૂધની બાટલી લઇ જવાની છૂટ અપાય છે. રાષ્ટ્રપતિ ભવનના બગીચા ઉપરાંત, લોકો અઠવાડિયામાં પાંચ દિવસ (બુધવારથી રવિવાર) રાષ્ટ્રપતિ ભવનની અને અઠવાડિયામાં છ દિવસ (મંગળવારથી રવિવાર સુધી) રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે અને સાથે સાથે દર શનિવારે (ગેઝેટેડ રજાઓ સિવાય) ચેન્જ-ઓફ-ગાર્ડ સમારંભના સાક્ષી પણ બની શકે છે.
આ અંગે વધુ વિગતો વિિંાં://ફિતવિિંફાફશિંતફભવશદફહફુફ.ૠજ્ઞદ.ઈંક્ષ/બિજ્ઞિીિં/ પર ઉપલબ્ધ છે, તેમ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular