નેશનલ ક્રશ અને સાઉથની ફિલ્મોની ડ્રીમ ગર્લ રશ્મિકા મંદન્ના અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને હવે ફરી એક વખત આ એક્ટ્રેસ તેણે આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યુને કારણે ચર્ચામાં છે. આ ઈન્ટરવ્યુમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ઈન્ટરવ્યુમાં રશ્મિકાએ કહ્યું છે કે તે દરરોજ તેના ઘરકામ કરનાર હેલ્પરના પગે લાગે છે અને એક્ટ્રેસ આ પાછળનું જે કારણ જણાવ્યું છે એ જાણીને તો તમે રશ્મિકાના એકદમ જબરાટ ફેન થઈ જશો.
વાતચીત દરમિયાન રશ્મિકાએ જણાવ્યું હતું કે ‘મારા માટે નાની નાની બાબતો મહત્વની છે. હું સવારે જાગી જાઉં છું અને મારા પાલતુ પ્રાણીઓ સાથે સમય પસાર કરું છું. હું મારા મિત્રોને મળું છું, કારણ કે એનાથી મને ખુશી મળે છે. શબ્દો ખરેખર શક્તિશાળી છે અને તે વ્યક્તિને બનાવી અને બગાડી શકે છે. આ જ કારણ છે કે જ્યારે મને કોઈ વ્યક્તિ કંઈક કહે છે તો એ મારા માટે મહત્વપૂર્ણ છે. હું મારી ડાયરીમાં નાનામાં નાની વાત પણ લખું છું.
રશ્મિકાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હું જ્યારે શૂટ પરથી ઘરે જાઉં છું ત્યારે મને દરેકના પગ સ્પર્શ કરવાની આદત છે. આ સમય દરમિયાન હું મારા ઘરની હેલ્પરના પગે પણ પડું છું, કારણ કે હું કોઈ પણ વચ્ચે ભેદભાવ કરવામાં નથી માનતી. હું દરેકનું સન્માન કરું છું.
વાતચીત દરમિયાન જ્યારે રશ્મિકાને પૂછવામાં આવ્યું કે શું તેના માતા-પિતાને તેના પર ગર્વ છે? આ સવાલના જવાબમાં રશ્મિકાએ કહ્યું, ‘સાચું કહું તો ના, કારણ કે મારો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અલગ છે અને તેમને ખબર નથી કે તેમની દીકરી શું કરી રહી છે. પરંતુ જ્યારે હું એવોર્ડ જીતું છું ત્યારે તેઓ ગર્વ અનુભવે છે. તેઓ મારા પર ગર્વ અનુભવે તે માટે મારે કદાચ હજુ ઘણું કરવાનું બાકી છે…