માથે હતું 50 હજારનું ઈનામ
યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં પોલીસે પૂર્વ ક્રિકેટર સુરાશ રેનાના સંબંધીની હત્યાના આરોપી કુખ્યાત ગુનેગાર રાશિદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છએ. રાશિદના માથે 50,000 રૂપિયાનું ઈનામ બોલાતું હતું . તે છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હતો. આ એન્કાઉન્ટર શાહપુર પોલીસ સ્ટેશનના સાહદુડી રોડ પર થયું હતું, જેમાં શાહપુર પોલીસ સ્ટેશનના ઇનચાર્જ બબલુ કુમારને પણ ગોળી વાગી હતી. શાહપુર પોલીસ અને મુઝફ્ફર પોલીસ સ્ટેશનના સંયુક્ત હુમલામાં રાશિદનું મોત થયું હતું.
પોલીસને વોન્ટેડ આરોપી વિશે સૂચના મળી હતી. એસએસપીએ જણાવ્યું હતું કે ઇનપુટ્સ પર કાર્યવાહી કરીને આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. પોલીસે નાકાબંધી કરી આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કથિત શખ્સોએ પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરી તેમના પર સામો ગોળીબાર કર્યો હતો.
બંને તરફથી થયેલા ફાયરિંગમાં આરોપી રાશિદ ઉર્ફે સિપૈયાને ગોળી વાગી હતી. એન્કાઉન્ટર દરમિયાન શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બબલુ સિંહ પણ ઘાયલ થયા હતા. બંનેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં રાશિદ ઉર્ફે સિપૈયાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ કુખ્યાત ગુનેગાર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બાવરિયા ગેંગનો સભ્ય પણ હતો. રાજસ્થાનના રહેવાસી રાશિદે 2020માં પઠાણકોટ લૂંટ દરમિયાન સુરેશ રૈનાના કાકા-કાકી સહિત ત્રણ જણની હત્યા કરી હતી. યુપી પોલીસે તેના પર ઇનામ પણ જાહેર કર્યું હતું. પોલીસે રાશિદ પાસેથી એક રિવોલ્વર, પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા.
19 ઑગસ્ટ, 2020ની રાત્રે રૈનાના કાકાના પરિવાર પર લૂંટારુઓએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હતો. હુમલામાં રૈનાના કાકા-કાકી અને પિતરાઇ ભાઇનું મૃત્યુ થયું હતું અને અન્ય બે જણ ઘાયલ થયા હતા. આરોપીઓ ટોળકી બનાવીને લૂંટ કરતા હતા. ઘટનાની રાતે પાંચે આરોપીઓ ધાબા પરથી ઘરમાં ઘૂસ્યા હતા અને તેમણે મેટ પર સૂતેલા ત્રણ જણને જોયા હતા. તેમણે ત્રણે પર હુમલો કર્યો હતો અને બાદમાં ઘરમાંથી લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.