રાજીનામું આપવાની તૈયારી દાખવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ સામે એક મહિલાની ફરિયાદને આધારે પોલીસે વિનયભંગનો ગુનો નોંધ્યો છે, જેને પગલે આવ્હાડે વિધાનસભ્ય તરીકે રાજીનામું આપવાની તૈયારી દાખવી છે. તેમણે આ ગુનો ખોટી રીતે નોંધવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે અને પોતાની સામેના આરોપો નકારી કાઢ્યા છે.
મુંબ્રા પોલીસે મધરાત બાદ આવ્હાડ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ (મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદે કરવામાં આવેલો હુમલો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીએ એવો આરોપ કર્યો હતો કે જ્યારે ટોળું વિખેરાઈ રહ્યું હતું ત્યારે આવ્હાડે તેમને ધક્કો માર્યો હતો. આવ્હાડ મુંબ્રા-કલવા વિસ્તારના વિધાનસભ્ય છે. પોલીસે મારી વિરુદ્ધ બે ખોટી ફરિયાદ નોંધી છે. જેમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪નો પણ સમાવેશ થાય છે. હું વિધાનસભ્ય તરીકે રાજીનામું આપવાનું વિચારું છું. હું પોલીસના મારી સામેના અત્યાચારો સામે લડત આપીશ. લોકશાહીનું મૃત્યુ હું મારી આંખો સામે જોઈ શકીશ નહીં, એમ પણ આવ્હાડે સોમવારે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા આરોપો કોઈના પારિવારિક જીવનને બગાડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે થાણેમાં ‘હર હર મહાદેવ’ ફિલ્મના પ્રદર્શનમાં ઘૂસીને મારપીટ કરવા બદલ પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે જ તેમને જામીન મળ્યા હતા.
——–
અજિત પવારે કરી આવ્હાડની તરફેણ
એનસીપીના સિનિયર નેતા અજિત પવારે આ પ્રકરણે જિતેન્દ્ર આવ્હાડની તરફેણ કરતાં જણાવ્યું હતું કે આ બનાવ બન્યો ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આવ્હાડથી ૧૦ ફૂટના અંતરે હતા. તેમણે આગળ આવીને સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે આવું કશું થયું નથી. કેમ કે તેઓ ત્યાં હાજર હતા અને તેમની સામે ટોળાને વિખેરવામાં આવી રહ્યું હતું.
અજિત પવારે કહ્યું હતું કે હું મારી વાતને વળગી રહું છું કે આવ્હાડ સામે ખોટી રીતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો પાછો લેવો જોઈએ. અજિત પવારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ સમારંભમાં હાજર હતા અને આવ્હાડ પણ હાજર હતા. આવ્હાડ લોકોને ખસવા માટે જણાવી રહ્યા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આવી જ રીતે તેઓ મહિલાને ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજું કશું જ થયું નથી. શિંદે ફક્ત ૧૦ મીટર દૂર હોવા છતાં આવો ગુનો નોંધવામાં આવ્યો હતો.
——
પત્નીએ આપ્યો આવ્હાડનો સાથ
આવ્હાડની પત્ની હૃતા આવ્હાડે પોતાના પતિનો સાથ આપતાં કહ્યું હતું કે ફરિયાદી મહિલા પોતે જામીન પર બહાર છે. બનાવના ચાર કલાક બાદ તેને કેવી રીતે ધ્યાનમાં આવે છે કે તેનો વિનયભંગ કરવામાં આવ્યો છે?
આવ્હાડને જાણીજોઈને નિશાન બનાવાય છે: જયંત પાટીલ
મહારાષ્ટ્ર એનસીપીના અધ્યક્ષ જયંત પાટીલે એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર જાણી જોઈને આવ્હાડને નિશાન બનાવી રહી છે. ફરિયાદી મહિલા ગુનો નોંધવામાં આવ્યો તે પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળી હતી એવો પણ દાવો તેમણે કર્યો હતો.
આવ્હાડે રાજીનામું આપી દીધું છે અને અમે આ મુદ્દે એનસીપીસુપ્રીમો શરદ પવાર સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશું. આવ્હાડ અત્યારે વ્યથિત છે. તેઓ બધા આરોપોનો સામનો કરી શકે છે, પરંતુ તેમની સામે લગાવવામાં આવ્યા છે તેનો નહીં, એમ પાટીલે કહ્યું હતું.