રણવીરનું ન્યૂડ ફોટોશૂટ

ઉત્સવ

પબ્લિસિટીનો સ્ટંટ અને દંડ

અભિમન્યુ મોદી

બોલીવુડમાં એક ક્વોટ ખૂબ જ પ્રખ્યાત છે કે ‘નેગેટિવ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી’ … દિવંગત દિલીપ કુમારથી લઈને શાહરુખ ખાન સુધીના દરેક ટોચના સુપરસ્ટાર્સ કોન્ટ્રોવર્સીમાં રહી ચૂક્યા છે. એ માટે મન ફાવે તેવાં નિવેદનો આપી લોકમાનસમાં છવાઈ જવું. એ તો કોઈ આ કલાકારો પાસેથી શીખે અને હવે આ યાદીમાં રણવીર સિંહનું નામ પણ ઉમેરાઈ ગયું છે.
રણવીર સિંહ ભાવનાની બડો ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે. ૬ જુલાઈ, ૧૯૮૫ના રોજ મુંબઈના સમૃદ્ધ સિંધી પરિવારમાં રણવીરનો જન્મ થયો અને નામ પાછળ ભાવનાની અટક લાગી ગઈ, પણ આ તોફાની છોકરાને ભાવનાની સરનેમ ગમતી નહોતી. ભાવનાની કરતાં ‘સિંહ’નું પૂંછડું વધારે ફિલ્મી ને પ્રભાવશાળી છે એટલે રણવીરે ખુદને કેવળ રણવીર સિંહ તરીકે પ્રસ્થાપિત કરી દીધો. રણવીરની પર્સનાલિટી મર્દાના ખરી, પણ એનો ચહેરો કંઈ ટિપિકલ બોલીવુડ સ્ટાર જેવો ચોકલેટી કે સોહામણો નથી. આમ છતાંય યશરાજ બેનરે એને ‘બેન્ડ બાજાં બારાત’ (૨૦૧૦)માં લીડ હીરો તરીકે લોન્ચ કર્યો હતો. આદિત્ય ચોપડાને રણવીરનું ઓડિશન પસંદ પડ્યું ને એને અનુષ્કા શર્માના હીરો તરીકે પસંદ કરી લીધો, પણ ફર્સ્ટ-ટાઇમ-ડિરેક્ટર મનીષ શર્માનું મન આ અજાણ્યા છોકરામાં ઠરતું નહોતું. રણવીરને પછીનાં બે અઠવાડિયાં દરમિયાન કેટલીય વાર બોલાવવામાં આવ્યો, એની પાસે ઈમોશનલ સીન કરાવવામાં આવ્યા, નચાવવામાં આવ્યો, બીજા એક્ટરો સાથે રીડિંગ કરાવવામાં આવ્યું, લુક ટેસ્ટ્સ લેવામાં આવ્યો. આખરે મનીષ શર્મા કન્વિન્સ થયા ખરા કે મતવાલા વેડિંગ પ્લાનરનો બિટ્ટુનો રોલ રણવીર નિભાવી જશે.
એવું જ થયું. રણવીરે પહેલા જ બોલમાં સિક્સર ફટકારી. વેલ, ઓલમોસ્ટ. પોતે માત્ર નાચગાના જ નહીં, પણ અભિનય પણ કરી શકે છે તે રણવીરે પહેલી જ ફિલ્મમાં પુરવાર કરી દીધું. અસલી જીવનમાં રણવીર રહ્યો નખશિખ બાન્દ્રાબોય. એની સામે સૌથી મોટો પડકાર બોલચાલમાં દિલ્હીની લઢણ પકડવાનો હતો. મનીષ શર્મા રેકી કરવા દિલ્હી ગયા ત્યારે રણવીરને પોતાની સાથે લઈ ગયા હતા (રેકી એટલે શૂટિંગ શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી લોકેશનની શોધખોળ). દિલ્હી યુનિવર્સિટીના છોકરાઓ સાથે રણવીરે પુષ્કળ સમય વિતાવ્યો, દિલ્હીના જુવાનિયાઓ કઈ રીતે બોલેચાલે છે એનો અભ્યાસ કર્યો. સદ્ભાગ્યે, ‘બેન્ડ બાજાં બારાત’ના બિટ્ટુના કિરદાર જેવા જ એક યુવાન સાથે રણવીરની દોસ્તી થઈ ગઈ હતી. એ જ એનર્જી લેવલ, એવાં જ કપડાં, એવી જ ઢબછબ. રણવીરે પોતાનું પાત્ર દિલ્હીના આ અસલી છોકરાને ધ્યાનમાં રાખીને ઊપસાવ્યું અને ફિલ્મ ‘બેન્ડ બાજાં બારાત’ સુપરહિટ નીવડી… પછી તો શું હોય, સફળતા, પ્રસિદ્ધિ અને પબ્લિસિટી. પોતાની પહેલી ફિલ્મ બાદ રણવીરની ઇમેજ એક ઉમદા અભિનેતાની હતી, પણ પબ્લિસિટી સ્ટંટનું ભૂત તેને પહેલી ફિલ્મથી જ વળગી ગયું. એટલે જ એશા દેઓલની બહેન આહના દેઓલને જાહેરમાં માત્ર બે વખત મળ્યા બાદ તેણે એક નામાંકિત મેગેઝિનને એવું કહી દીધું કે અમે બંને મિત્રો બન્યા બાદ ખૂબ જ નજીક આવી ગયાં છીએ. આટલેથી વાત અટકે ત્યાં તો અનુષ્કા શર્મા સાથે તેણે પોતાનું નામ જોડી દીધું. બંનેની નિકટતાની ખાસ્સી ચર્ચા બોલીવુડમાં થવા માંડી પણ ફિલ્મ ‘લૂટેરા’ના શૂટિંગ દરમિયાન સોનાક્ષી સિંહ સાથે લફરાબાજી કર્યા બાદ અનુષ્કાએ તેની સાથે છેડો ફાડી નાખ્યો અને કોહલી કુટુંબની પુત્રવધૂ બની ગઈ.
પરંતુ લાઇમલાઇટમાં રહેવાવાળો રણવીર એમ ક્યાં શાંત બેસે. ‘બાજીરાવ મસ્તાની’ રિલીઝ થયા બાદ અને રણબીર કપૂરના કેટરીના કૈફ સાથે લિવઇનના સમાચાર આવ્યા એ સમયે તેણે ૨૦૧૫માં એડલ્ટ ક્ધટેન્ટ બેઝ્ડ શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લીધો હતો અને જાહેરમાં બેફામ વાણીવિલાસ કરીને ીઓનાં આંતરવો અંગે પોતાના હલકી કક્ષાના વિચારો રજૂ કરીને કહ્યું હતું કે તેણે છેલ્લા એક માસમાં અનેક વાર દીપિકા સાથે અંગત પળો માણી છે અને તેનાં ટૂંકાં વો જોઈને એવું લાગે છે કે ીઓના વિચારો પણ ટૂંકા જ હોય છે. જ્યારે તેણે આવી હીન ભાષાનો પ્રયોગ કર્યો એ સમયે અર્જુન કપૂર અને કરણ જોહરે પણ ઠઠ્ઠામશ્કરી કરીને તેની વાતમાં સૂર પુરાવ્યો હતો. તેના આ નિવેદન બાદ તેને વખોડવાની જગ્યાએ દીપિકાએ રણવીર સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો.
૨૦૧૧માં પ્રથમ ફિલ્મથી શરૂ કરીને છેલ્લી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ સુધીના ગાળામાં લોકોએ તેની એક્ટિંગને ખૂબ જ વખાણી છે. ચાહકોનો આટલો પ્રેમ મળ્યો છતાં તેણે પબ્લિસિટી માટે વાંદરાવેડા કરવાનું બંધ ન કર્યું. એક ફિલ્મના રૂ. ૧૦ કરોડ અને એક એડના રૂ. ૭ કરોડ વસૂલતો રણવીર આજે ધનના ઢગલામાં આળોટી રહ્યો છે. ગયા મહિને જ તેણે રૂ. ૧૧૯ કરોડનો ૫ બીએચકે ફ્લેટ શાહરુખ ખાનના પાડોશમાં બુક કરાવ્યો હતો. આજે તેની પાસે પૈસા તો છે, પણ ધારી સફળતા નથી. છેલ્લાં ૫ાંચ વર્ષથી તેની કરિયર પર માઠી અસર બેઠી છે. પહેલાં તો તેણે અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘૮૩’ને ૨૦૧૮ અને ૨૦૧૯ સુધીનાં બે વર્ષ ફાળવી દીધાં. ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી, પણ કાળમુખો કોરોના તેને ભરખી ગયો. છેક ૨૦૨૨માં વારો આવ્યો ત્યાં ફિલ્મ ફ્લોપ નીવડી. ૨૦૧૯ના જ વર્ષમાં ગુજરાતી બેકગ્રાઉન્ડને ચમકાવતી તેની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું મોશન પોસ્ટર રિલીઝ થયું ત્યારે પણ લોકોમાં આ ફિલ્મ પ્રત્યે ભારે ઉત્કંઠા જાગી હતી. અલબત્ત આ ફિલ્મનું શૂટિંગ પણ ૨૦૧૮ના મધ્યમાં શરૂ થયું હતું અને ૨૦૨૧માં પૂરું થયું. આ સમયગાળા દરમિયાન રણવીર નાનાં-મોટાં છમકલાં કર્યા કરતો. એ છમકલાં પણ કેવાં હોય… ીઓનાં કપડાં પહેરીને લઘરવઘર માથે કોઈ ફંક્શનમાં આવી ચડે, તો ક્યાંક પુરુષ કલાકારોને આલિંગન આપીને ચુંબન કરી લે. તાજતેરમાં જ રણવીર એડવેન્ચર શો ‘રણવીર વર્સિસ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ના શોમાં જોવા મળ્યો હતો. તેના શૂટિંગની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. વાઇરલ ક્લિપમાં રણવીર સિંહ એનર્જેટિક અંદાજમાં ગ્રિલ્સનાં વખાણ કરીને ગાલ પર ધડાધડ કિસ કરવા માંડે છે. ભલભલાં જાનવરોની સામે સિંહ બનતો બેયર ગ્રિલ્સ પણ આવા કૃત્યથી ડરી ગયો હતો, પણ રણવીર તો ક્યાં અટકવાનો. તેને તો બધી જ વાતોમાં ‘કિક’ જોઈએ. ખેર! આપણે તેની કરિયરની વાત કરી રહ્યા હતા કે ભાઈ ફિલ્મોના શૂટિંગમાં અટવાયા હતા. તો ચાહકોના મનમાં પોતાની છબીને જાળવી રાખવા આવાં બધાં તોફાન રણવીર કર્યા કરતો. આ વર્ષે માર્ચમાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ થઈ. ફિલ્મનું ઓપનિંગ જ બમણી કમાણીથી થયું એટલે સિનેજગતમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આ ફિલ્મમાં ભલેરાવ સિમ્બના નાનકડા પાત્રમાં છેલ્લે છેલ્લે રણવીર દેખાયો, પણ જ્યાં અક્ષય કુમાર અને અજય દેવગન જેવા મોટા ગજાના કલાકારો હોય ત્યાં રણવીરનો ગજ તો શું વાગે? પણ ફિલ્મના પ્રમોશનમાં રણવીરે એવો આશાવાદ તો વ્યક્ત કરી જ દીધો કે ‘આગામી સમયમાં મારી બે સોલો ફિલ્મો આવે છે અને તેનાથી હું ફરી હિટ ફિલ્મોના હીરો તરીકેની મારી છબી પ્રસ્થાપિત કરીશ.’
પણ થયું સાવ ઊલટું. બંને ફિલ્મો ધબડકો સાબિત થઈ. ‘૮૩’ ફિલ્મ ફ્લોપ થયા બાદ રણવીરે જાહેરમાં કહી દીધું કે હવે તો હું ક્યારેય બાયોપિકમાં કામ જ નહિ કરું. જયેશભાઈ ફ્લોપ ગયા બાદ રણવીર પાસે શબ્દો નહોતા. ૨૦૧૯ તેના કરિયરની શુકનવંતી સાલ હતી. ‘ગલીબોય’ના કારણે તે ગલી ગલીમાં ફેમસ થઈ ગયો હતો. ફિલ્મે પણ ધારી સફળતા હાંસલ કરી હતી. નાનાં બાળકો પણ બોલ્યા કરતાં ‘આપના ટાઈમ આયેગા’… આ ગીતના આગળના શબ્દો અનુસાર ‘નંગા હી તો આયા હૈ’ જેવા ઘાટ તેણે જાત જ સર્જી દીધા. આમેય તેને તો કોઈ પણ ભોગે મીડિયામાં રહેવું ગમે છે. ફિલ્મો નથી ચાલતી તો ફેમસ કેમ થવું? તો ચાલો ‘ન્યૂડ ફોટોશૂટ’ કરાવીએ…
‘પેપર મેગેઝિન’ માટે કરાવેલા આ ફોટોશૂટને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સાવ નવરો બેઠેલો રણવીર સમાચારપત્રોમાં છવાઈ ગયો. પોતાની આ નગ્નતા પાછળ તેણે ‘પેપર મેગેઝિન’ને આપેલા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે ‘પોતે એટલા માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે…’
તેના આ મૂર્ખામીભર્યા જવાબની તો વાત જ શું કરવી..! પણ સુસંસ્કૃત સમાજના પ્રહેરીઓને આ બધું કઈ રીતે ગમે? મુંબઈમાં એનજીઓ ચલાવતા લલિત શ્યામે રણવીર પર સીધી એફઆઈઆર જ દાખલ કરાવી દીધી અને એફઆઈઆરમાં સ્પષ્ટપણે લખ્યું કે રણવીરની નગ્ન તસવીરો જોયા પછી મહિલાઓના મનમાં શરમની લાગણી પેદા થશે, નગ્નતાને પ્રોત્સાહન મળશે અને સમાજ પર ખરાબ અસર થશે તેથી આ તસવીરો પર પ્રતિબંધ મૂકીને બધાં પ્લેટફોર્મ પરથી હટાવી લેવી જોઈએ.
ઇન્દોરના આદર્શ રોડ પર તો રણવીર સિંહના ફોટાવાળી ડસ્ટબિન રસ્તા પર મુકાઈ, જેના પર લખ્યું હતું ‘માનસિક કચરો’. તેના પર સ્લોગન પણ લખાયું કે ‘મેરે સ્વચ્છ ઇંદૌર ને ઠાના હૈ દેશ સે માનસિક કચરા ભી હટાના હૈ.’ ટૂંકમાં દેશભરમાં તેની નગ્નતાનો વિરોધ થઈ રહ્યો છે.
આ વિરોધ ખોટો નથી. રણવીરની જેમ નગ્નતાને અધ્યાત્મ અને આત્મા સાથે જોડવી એક વર્ગમાં સ્ટાઈલનું સિમ્બોલ ગણાય છે, પણ શિષ્ટ સમાજમાં આવી પ્રવૃત્તિઓ કઈ રીતે ચલાવી લેવાય? તેમાંય ભારત જેવા દેશમાં જ્યાં સંસ્કારોનું મૂલ્ય હોય, ગરિમા હોય ત્યાં આવા બીભત્સ પબ્લિસિટી સ્ટંટ કરીને રણવીર શું સાબિત કરવા માગે છે?
આજે જ્યારે ફરિયાદ નોંધાઈ તો ભાઈ પોતાના છીછરા કૃત્ય પાછળ અધ્યાત્મ અને આત્માનો આડંબર કરે છે. આવા સમયમાં તે પોતાને માટે સજાનો કારસો તૈયાર કરી રહ્યો છે. રણવીરનું ભારત અને વિદેશમાં એક મોટું ફેનફોલોઇંગ છે. તેની આવી હરકતો પછી તેના ચાહકો પણ આવું કરવા પ્રેરાય તો દોષ કોને દેવો? જ્યારે તમે પ્રસિદ્ધિની ટોચ પર બેઠા હો અને બહોળો વર્ગ તમારાં વિચારો અને વાતોને અનુસરતો હોય ત્યારે આવું હીન કૃત્ય કરવું કેટલી હદે યોગ્ય છે?
રણવીર સામે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ ૨૯૨, ૨૯૩ અને ૫૦૯ ઉપરાંત ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની કલમ ૬૭ (એ) હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. રણવીર દોષિત ઠરે તો તેને પાંચ વર્ષની જેલની સજા અને લાખોનો દંડ થઈ શકે છે, પરંતુ આ પૂર્વે આ જ કલમો હેઠળ પૂનમ પાંડે, આમિર ખાન, સોફિયા હયાત સહિત અનેક સેલિબ્રિટીઓ પર ન્યૂડ ફોટોશૂટ માટે કેસ કરવામાં આવ્યા છે છતાં બધાં જ નિર્દોષ છૂટી ગયાં છે… આવા સંજોગોમાં તમને શું લાગે છે? રણવીરને સજા થશે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.