હરિયાળી ક્રાંતિમાં શોભતો રણજિત વિલાસ પેલેસ, વાંકાનેર

ઇન્ટરવલ

તસવીરની આરપાર-ભાટી એન.

“ખડ પાણી ને ખાખરા. ખડકાનો નહીં પાર, વગર દિવે વાળુકરે તે દેવભૂમિ પાંચાળ.
સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિ દેવભૂમિ તરીકે વિખ્યાત છે. મોરબી જિલ્લાનું વાંકાનેર ઝાલાવાડનું રાજવી સ્ટેંટ અંદાજે ૫૦૦ વર્ષથી પુરાણું છે. સરતાનજી ડાડાએ વસાવેલ વાંકાનેરના પ્રજાવત્સલ રાજા અમરસિંહજી ઝાલાએ વાંકાનેરનો વિકાસ કર્યો. પ્રજા માટે અનેકાનેક કાર્યો કરી પ્રજા પ્રેમી રાજા બની ગયા. પછી આધુનિક સુવિધાપૂર્ણ ગામનાં પાધરમાં મહેલ બનાવાની કલ્પના તથા તેમણે વાંકાનેરનાં ગઢીયા ડુંગર પર સમથળ કરી તે પાવન જમીન પર વિશાળ જગ્યામાં ભવ્યતાતિભવ્ય અદ્ભુત બેનમૂન મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પથ્થરમાંથી થયું છે. ભોયતળિયાથી બે મજલા સુધી મહેલે વિશાળ જગ્યા રોકી છે…! ઈટાલીયન આરસપહાણ, બેલ્જિયમના કાળા આરસપહાણ, રાજસ્થાનના શ્ર્વેત આરસ પહાણ, ઈંગ્લેન્ડથી મંગાવેલ ટાવર કિંમતી કાચ જડેલી વિશાળ બારીઓ, વેનિસના ઝુમ્મર, કાંસાની કલાકૃતિઓ, વિવિધ પ્રકારની તલવારો, ઢાલ, ભાલાઓ, ચાંદીનું ફર્નિચર તથા બીજી અનેક અલભ્ય અને કિંમતી ચીજ વસ્તુઓથી છલકાતો ભવ્ય “રણજિત વિલાસ પેલેસ ૬૦ હજારની વસ્તીવાળા વાંકાનેર ગામથી ખાસ ઉંચાઈ આવેલો છે.
મુંબઈથી ટ્રેનમાં રાજકોટ જતા બારીમાંથી આ અભૂતપૂર્વ મહેલના દર્શન થાય છે! વાંકાનેરના અંતિમ રાજવી મહારાણા રાજસાહેબ અમરસિંહ ઝાલાએ ૧૯૦૭માં આ નવા મહેલનું શિલારોપણ કર્યા પછી ૨૦ વર્ષે ૧૯૨૭માં તૈયાર થયો હતો અને ૧૯૨૮માં રાજ કુટુંબે તેમાં પ્રવેશ કર્યો હતો. આ પેલેસને પોતાના ખાસ દોસ્ત અને સગપણમાં દૂરના ભાઈ થતાં વિશ્ર્વના મહાન ક્રિકેટર જામ રણજિત સિંહના નામ પરથી “રણજિત વિલાસ પેલેસ નામ આપવામાં આવેલ મહેલની જોડાજોડ આવેલાં રોયલ ગેસ્ટ હાઉસને કચ્છના ભૂતપૂર્વ શાસક મહારાવનું નામ આપવામાં આવ્યું છે. જ્યારે જનાના મહેલને રાજકોટનાં ભૂતપૂર્વ પ્રજાપાલક પ્રાત: સ્મરણીય શાસક લાખાજી રાજનું નામ આપવામાં આવ્યું છે, મુંબઈના જોહન રોબર્ટ્સ ઍન્ડ કંપનીવાળાએ રણજિત વિલાસ પેલેસનું કલાનયન ફર્નિચર બનાવેલ છે. આ પેલેસમાં સિંહ, વાઘ, રીંછ, જંગલી ભેંસો, હરણ દવાભરેલ મુખાકૃતિઓ ઓરિજિનલ હજુ પણ જાણે સાવ સાચા જ લાગે છે! વિશાળ કદના પેઈન્ટિંગ કરેલ ફોટાઓ, ક્રોકરી, જુનવાણી ઘડિયાળ નિહાળવા મળે છે. વાંકાનેર સ્ટેંટનો લોગો (પ્રતીક)માં બન્ને બાજુ સિંહ, હાથમાં ધજા, વચ્ચે બાણનું ચિન્હ, અંદરના ભાગે અંગ્રેજીમાં ‘ઈન ગોડ ઈઝ માય ટ્રસ્ટ વાંકાનેર’ લખેલ છે. વાંકાનેર સ્ટેંટને ૧૧ તોપની સલામી આપવામાં આવતી હતી. આ ભવ્ય પેલેસમાં ઘણી ફિલ્મોના શૂટિંગ થયા છે. મટરૂકી બીજલીકા મંડોલા, પનાહ, રાજ રતન જેવી અસંખ્ય ફિલ્મોના શૂટિંગ થયા છે. હાલે મહારાજા શ્રી કેશરી દેવસિંહજી દિગ્વિજયસિંહ ઝાલા આ પેલેસની સારસંભાળ રાખે છે. ચોમાસામાં સચરાચર વરસેલ મેઘરાજાએ લીલીછમ હરિયાળીમાં ડ્રોન કૅમેરાથી લેવાયેલ રણજિત વિલાસ પેલેસની એક્સ્ટ્રા ઓર્ડિનરી તસવીર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.