Ranji Trophy: 41 વખતની વિજેતા મુંબઈને હરાવીને પ્રથમ વખત મધ્યપ્રદેશ બન્યું ચેમ્પિયન

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

મધ્યપ્રદેશની ટીમે ફાઈનલ મેચમાં મુંબઈને હરાવીને રણજી ટ્રોફી 2021-22નો ખિતાબ જીત્યો હતો. મધ્યપ્રદેશની ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. એમ ચિન્નાસ્વામી, બેંગલુરુ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશે મુંબઈને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. જવાબમાં મધ્યપ્રદેશે 536 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. મુંબઈની ટીમે બીજા દાવમાં 269 રન બનાવ્યા હતા. મેચની ચોથી ઇનિંગમાં મધ્યપ્રદેશને 108 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મધ્યપ્રદેશે છ વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે મધ્યપ્રદેશ રણજી ટ્રોફી જીતનારી 20મી ટીમ બની છે.

 

YouTube player

 

રણજી ટ્રોફી વિજેતા ટીમને MPCA એ બે કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અભિલાષ ખાંડેકરે કહ્યું, “અમે ટીમની ઐતિહાસિક જીત પર ખૂબ જ ખુશ છીએ. મધ્યપ્રદેશ માટે આ એક અભૂતપૂર્વ સફળતા છે. આ જીત સમગ્ર રાજ્યની જનતાને સમર્પિત છે. ચંદ્રકાન્ત પંડિત અને ટીમના તમામ સભ્યો દ્વારા શાનદાર કામગીરી કરવામાં આવી છે. MPCA દ્વારા આખી ટીમને 2 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

મધ્યપ્રદેશ તરફથી યશ દુબે, શુભમ શર્મા અને રજત પાટીદારે સદી ફટકારી હતી. મુંબઈ માટે સરફરાઝ ખાને સદી ફટકારી હતી. બોલિંગમાં મધ્યપ્રદેશના ગૌરવ કુમારે છ અને કુમાર કાર્તિકેયે પાંચ વિકેટ ઝડપી હતી. મુંબઈના શમ્સ મુલાનીએ આઠ વિકેટ લીધી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં રણજીમાં નવી ટીમો ઉભરી રહી છે. 2014-15 થી, છ અલગ-અલગ ટીમોએ આઠ સિઝનમાં ટાઇટલ જીત્યું છે. 2014-15માં કર્ણાટક, 2015-16માં મુંબઈ, 2016-17માં ગુજરાત, 2017-18 અને 2018-19માં વિદર્ભ, 2019-20માં સૌરાષ્ટ્ર અને 2021-22માં મધ્યપ્રદેશ ચેમ્પિયન બન્યું છે. કોરોનાને કારણે 2020-21માં ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.