ભારતમાં સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો મોટા પ્રમાણમાં બની રહી છે. આવી ફિલ્મોમાં પાત્રાલેખન અને કાસ્ટિંગ બહુ મહત્વના હોય છે. ફિલ્મની વાર્તા જેના પર આધારિત છે તે પાત્ર જો નબળું સાબિત થાય તો ફિલ્મની મજા મરી જાય છે. વળી, વાર્તા જ્યારે ખૂબ જ અલગ અને ભાવનાત્મક મુદ્દાને સ્પર્શતી હોય ત્યારે ખાસ પાત્રોનો અભિનય અત્યંત મહત્વનો બની જાય છે. આવી જ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ આવી રહી છે. મસિસ ચેટર્જી વર્સિસ નોર્વે.
આ એક માતાની વાર્તા છે. ફિલ્મનું ટ્રેલર લોંચ થઈ ગયું છે. જેની ટ્રેલરની શરૂઆત મિસિસ ચેટર્જીના પાત્રથી થાય છે જે કોલકાતા છોડીને તેના પતિ અને બાળકો સાથે નોર્વે આવી જાય છે. મિસિસ ચેટર્જીનું જીવન ખુશીથી ચાલી રહ્યું હોય છે પરંતુ તે પછી કંઈક એવું થાય છે કે જે બધું બદલી નાખે છે. તેના બંને બાળકોને કાયદાનો હવાલો આપીને છીનવી લેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તે સારી માતા નથી. આ પછી મિસિસ ચેટર્જી તેના બાળકોને પાછા લાવવા માટે લડત શરૂ કરે છે અને તે આખા રાષ્ટ્રની વિરુદ્ધ ઉભી થઇ જાય છે. છે ને જોરદાર વાર્તા. હવે આ ભૂમિકા માટે માત્ર રૂપકડી કે ગ્લેમરસ લાગતી અભિનેત્રી તો ચાલે નહીં.
તો નિર્માતાએ પોતાની પસંદગી ઉતારી છે એક દમદાર અભિનેત્રી પર અને તે છે રાની મુખરજી. ખંડાલા ગર્લના નામે જાણીતી રાણી મુખરજી મિસિસ ચેટર્જીની ભૂમિકામાં જોવા મળશે. તેનાં ચાહકો માટે આ ગૂડ ન્યૂઝ છે. છેલ્લા કેટલાક સમયથી રાની મુખર્જી ફિલ્મી પડદેથી દૂર છે. અભિનેત્રી તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતી છે. ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે‘ નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જોકે અત્યાર સુધી નિર્માતા તરફથી આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત હોવાની વાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે સાગરિકા નામની મહિલાના જીવન પર આધારિત આ ફિલ્મ છે.
આશિમા છિબ્બર નિર્દેશિત ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં રાની મુખર્જી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 17 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રાણી મુખર્જી સિવાય જિમ સરભ, નીના ગુપ્તા અને અનિર્બન ભટ્ટાચાર્ય પણ મુખ્ય ભૂમિકામાં છે.