Homeઆમચી મુંબઈઆખરે, નારાયણ રાણેના બંગલાના ગેરકાયદે બાંધકામને તોડવાનું કામ શરૂ

આખરે, નારાયણ રાણેના બંગલાના ગેરકાયદે બાંધકામને તોડવાનું કામ શરૂ

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેના મુંબઈના જુહુમાં આવેલા બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નારાયણ રાણેએ પોતાના બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું છે. રાણેના આધિશ બંગલાના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશને પડકારતા રાણે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમને રાહત નહીં આપતા હવે તેમણે પોતે જ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનું કામ શરૂ કરી દીધું છે.
RTI કાર્યકર્તા સંતોષ દાઉન્ડકરે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને ફરિયાદ કરી હતી કે જુહુમાં નારાયણ રાણેના આધિશ બંગલામાં અનધિકૃત બાંધકામ થયું છે. આ પછી BMCએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1888ની કલમ 488 મુજબ નારાયણ રાણેને નોટિસ મોકલી અને બંગલાની તપાસ કરી હતી. BMCએ નારાયણ રાણેને ગેરકાયદે બાંધકામ તોડવા માટે નોટિસ મોકલી અને કહ્યું કે જો તેઓ પોતે ગેરકાયદે બાંધકામ દૂર નહીં કરે તો BMC તેને તોડી પાડશે અને રાણે પાસેથી ખર્ચની વસુલી કરશે.
આ પછી રાણે બોમ્બે હાઈકોર્ટમાં ગયા હતા. ગેરકાયદે બાંધકામ તોડવાની સાથે હાઈકોર્ટે તેમને 10 લાખ રૂપિયાનો દંડ ભરવા પણ કહ્યું હતું. આ પછી સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. હવે બંગલો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જુહુ સ્થિત આધિશ નામનો આ આઠ માળનો બંગલો છે. એવો આરોપ છે કે રાણેએ 2244 ચોરસ ફૂટમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે, જે મંજૂર નકશા કરતા ત્રણ ગણું વધારે છે. હવે ગેરકાયદે બાંધકામ તોડી પડાશે અને મંજૂર નકશા અનુસાર બાંધકામ રાખવામાં આવશે. કાર્યવાહી પૂરી થયા બાદ BMC તેના પર રિપોર્ટ તૈયાર કરશે અને પછી તેને કોર્ટમાં રજૂ કરશે.
આ અંગે પ્રતિભાવ આપતાં, RTI કાર્યકર્તા સંતોષ દાઉદકરે બંગલાના અનાધિકૃત બાંધકામને તોડી પાડવાનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત, તેમણે કહ્યું કે હજુ પણ સીઆરઝેડ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેઓ આની પણ માંગ કરશે અને લડત ચાલુ રાખશે.

RELATED ARTICLES

Most Popular