આલિયા ભટ્ટ સાથે સમય પસાર કરવો મને સૌથી વધુ ગમે છેઃ રણબીર કપુરનો એકરાર

ફિલ્મી ફંડા

અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે . અભિનેતા છેલ્લે 2018 બ્લોકબસ્ટર સંજુમાં જોવા મળ્યો હતો, અને હવે તેની બે ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની છે, જેમાં બ્રહ્માસ્ત્રનો સમાવેશ થાય છે.
હાલનું વર્ષ રણબીર માટે વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે ઘણું વ્યસ્ત રહ્યું છે. તેણે એપ્રિલમાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. આ મહિને રણબીર અને આલિયાએ જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બનવા જઇ રહ્યા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન રણબીરે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તે કોની સાથે રોડ ટ્રિપ પર જવા માંગે છે તે પૂછવામાં આવતા તેણે જવાબ આપ્યો, “અનુષ્કા શર્મા અને આદિત્ય રોય કપૂર, ક્રેઝી લોકો અને ઘણી મસ્તી.”
આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી સિવાય તે કોની સાથે એકાંત ટાપુ પર અટવાવા માંગે છે એમ પૂછવા પર રણબીરે એસએસ રાજામૌલી અને અરિજિત સિંહનું નામ આપ્યું હતું.
રણબીરને તેના જીવનની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ વિશે પૂછવામાં આવતા તેણે કહ્યું હતું “મારી અદ્ભુત માતા.”
તને કોની સાથે સમય વિતાવવો વધારે પસંદ છે એવા સવાલમાં રણબીરે જણાવ્યું હતું કે એને એની પત્ની આલિયા સાથે સમય વિતાવવો વધારે પસંદ છે.
તાજેતરમાં જ અન્ય એક ઇન્ટવ્યુ દરમિયાન રણબીરે જણાવ્યું હતું કે તેણે દસમા ધોરણમાં 56 ટકા મેળવ્યા હોવાથઈ તેના પરિવારે ઉજવણી કરી હતી. તેના પરિવારમાં તે સૌથી વધુ શિક્ષીત પુરૂષ સભ્ય છે. રણબીરે કહ્યું હતું કે, “જ્યારે સ્કૂલના પરિણામ જાહેર થાય ત્યારે મારી માતા મારી શાળામાં આવતી હતી. હું હંમેશા માફી માંગતો અને કહેતો કે હું વધુ મહેનત કરીશ, સારા માર્કસ મેળવીશ અને કોઈપણ વિષયમાં નાપાસ નહીં થઈશ. મમ્મી કહેશે કે જો તેને મારા રિપોર્ટ કાર્ડ પર લાલ લાઈન દેખાશે તો તે પપ્પાને કહી દેશે. હું રડતો હતો કારણ કે હું તેમનાથી ખૂબ જ ડરતો હતો.”
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીરની શમશેરા 22મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે વાણી કપૂર અને સંજય દત્ત પણ છે. ચાર વર્ષના લાંબા અંતરાલ પછી રણબીરનું મોટા પડદા પર પુનરાગમન થશે. આ ફિલ્મમાં રણબીર ડબલ રોલમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.