પંચાવનની ઉંમરે પચીસના દેખાવાની કોશિશ કરતા ફિલ્મ સ્ટાર્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પંચોતેરના કરી નાખે છે
આજકાલ -હેન્રી શાસ્ત્રી
રણબીર કપૂર -અક્ષય કુમાર -શાહરૂખ ખાન -આમીર ખાન
હનુમાન ચાલીસાની એક પંક્તિ છે કે अष्ट सिद्धि नौ निधि के दाता, अस बर दीन जानकी माता જેનો અર્થ થાય છે કે જાનકી માતાએ (સીતાજીએ) આપેલા વરદાન અનુસાર શ્રી હનુમાનને આઠ સિદ્ધિ અને નવ નિધિ પ્રાપ્ત છે. આ આઠ સિદ્ધિમાં એક સિદ્ધિ છે મહિમા સિદ્ધિ જેમાં યોગી પુરુષ પોતાની જાતને ખૂબ જ વિરાટ દર્શાવી શકે છે અને એ સિદ્ધિના જોરે જ હનુમાન વિરાટ સ્વરૂપ ધારણ કરી શક્યા હતા. પૃથ્વી પર બનેલી હિન્દી ફિલ્મોમાં હનુમાન દાદાને વિરાટ સ્વરૂપ આપવામાં બાબુભાઇ મિસ્ત્રી જેવા કુશળ ટ્રીક ફોટોગ્રાફરના દિમાગની કમાલ હતી. ફિલ્મના વિષયોમાં આજે ઘણી વાર ઘડિયાળના કાંટા ઊંધા ફરી પૌરાણિક કથાનો આધાર લેવાતો જોવા મળી રહ્યો છે, પણ એના મેકિંગમાં તો અત્યાધુનિક ટેક્નોલોજીની મદદ ભારોભાર જોવા મળી રહી છે. ટ્રિક ફોટોગ્રાફીનું આધુનિક સ્વરૂપ છે વીએફએક્સ – વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જેનો ભરપૂર ઉપયોગ ‘આરઆરઆર’માં જોવા મળ્યો અને હવે ‘આદિપુરુષ’માં જોવા મળશે. આંખોને આશ્ર્ચર્યની લહેરો પર સવાર કરી દેતી ટેકનોલોજીની કમાલના એક અલાયદા સ્વરૂપની ઝાંખી આપણને છેલ્લા કેટલાક સમયથી થઈ રહી છે. એઆઈ જેવા ટૂંકાક્ષરી નામથી વધુ પ્રચલિત એવી આર્ટિફિશિયલ એજન્સીની મદદથી કુશળ કારીગરો, સોરી, ટેલેન્ટેડ આર્ટિસ્ટ અજબ ગજબના ખેલ દેખાડી રહ્યા છે. તાજેતરમાં વિશ્ર્વની નામાંકિત હસ્તીઓને રાયમાંથી રંક અવસ્થામાં દેખાડવામાં આવતા લોકોને જબરું કુતૂહલ થયું હતું. બિલ ગેટ્સ, ઈલોન મસ્ક, માર્ક ઝકરબર્ગ, જેફ બેઝોસ જેવા વિશ્ર્વના કરોડપતિઓ રોડપતિની અવસ્થામાં હોય તો કેવા દેખાય એના પોર્ટ્રેટ મૈસુર સ્થિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્ટિસ્ટ ગોકુલ પિલ્લઈએ સોશિયલ મીડિયામાં શેર કરતા લોકોને ચોંકાવનારો અનુભવ થયો હતો.
હરણફાળ ભરી રહેલી ટેકનોલોજી માનવ જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન લાવી દેશે એની ચર્ચા થઈ રહી છે અને અટકળો બંધાઈ રહી છે. હવે તો આવા આર્ટિસ્ટનો એક નવો ફાલ તૈયાર થઈ રહ્યો છે અને દરેક કલાકાર પોતાના કલ્પનાના રંગોથી માનવજીવનને અલગ જ રંગથી ચીતરવાનો પ્રયાસ કરતો નજરે પડી રહ્યો છે. તાજેતરમાં અબુ શાહિદ નામના આર્ટિસ્ટે તો આજના સેલિબ્રિટી એક્ટરો વડીલ થયા પછી કેવા દેખાશે એની તસવીરો બનાવી લોકોનું મનોરંજન કરી તેમને ચોંકાવી પણ દીધા છે. ભવિષ્યનો સંકેત આપી શકે એવું કૌવત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ‘દિમાગ’ પાસે છે. આ વાત ગજબની વિસ્મયકારી છે એ વાત તો સ્વીકારવી જ રહી. આર્ટિસ્ટના દિમાગે ખાન ત્રિપુટી – શાહરુખ ખાન, આમિર ખાન, સલમાન ખાન તેમજ રણબીર કપૂર, શાહિદ કપૂર અને અક્ષય કુમાર વગેરે આધેડ વય કે દાદાજીની ઉંમરે કેવા દેખાશે એની ઝલક દેખાડી છે. એક સોફ્ટવેરની મદદથી આર્ટિસ્ટ શું કરે છે એનો તો આ અણસાર છે જે કશુંક અણધાર્યું બનવાના સંકેત તો જરૂર આપે છે. ફિલ્મ ઉદ્યોગની જ વાત કરીએ તો આ પ્રક્રિયાથી ફિલ્મના બજેટમાં તોતિંગ ઘટાડો થઈ શકે તો એ આવકારદાયક બાબત જ છે, પણ જો કોઈ અવળું પરિણામ લાવશે (જેની અત્યારે તો કલ્પના પણ થઈ શકે એમ નથી) તો ફ્રેન્કેન્સ્ટાઈનના રાક્ષસ (જ્યારે સર્જન જ સર્જકનો ભક્ષ કરવા તૈયાર થાય) જેવી ગંભીર અવસ્થામાં મુકાઈ જવું પડે એ સંભાવના પણ નકારી ન શકાય.
એઆઈ આર્ટિસ્ટએ ફિલ્મ કલાકાર આવતી કાલે કેવા દેખાતા હશે એનું રજૂ કરેલું કાલ્પનિક
ચિત્ર જોઈ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા લોકોએ ટપોટપ કોમેન્ટ આપવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોનું માનવું હતું કે હાઈલા, આ તો કિસી કા ભાઈ કિસી કી જાન ભવિષ્યમાં કિસી કા પ્રોફેસર જેવો લાગે છે. તો કોઈએ દાઢીમાં ફલાણો એક્ટર ઓળખાતો જ નથી એવી પણ પ્રતિક્રિયા આપી. સોફ્ટવેરના ઉપયોગથી ખૂબ મહેનત કરી અબુ શાહિદે ૧૦ એક્ટર વડીલ અવસ્થામાં કેવા લાગશે એ દેખાડવાની કોશિશ કરી છે. મોટાભાગના એક્ટરોના મોઢા પર દાઢીનું જંગલ ઊગ્યું છે, આંખ સોજી ગઈ હોય એવી દેખાય છે અને આંખની આસપાસ કાળા કુંડાળા નજરે પડે છે. ત્વચામાં પણ કરચલીઓ પડી ગયેલી દેખાય છે. મેકઅપ, પ્લાસ્ટિક સર્જરી અને બીજા કંઈક ગતકડાં કરી ૫૫ની ઉંમરે ૨૫ના દેખાવાની કોશિશ કરતા અને સતત ગ્લેમરને ગળે લગાડી ફરતા સેલિબ્રિટીઓને એઆઈ નિર્મિત તેમનો ભવિષ્યકાળ રુચે નહીં એ સ્વાભાવિક છે. જોકે, સોશિયલ મીડિયા વપરાશકારોને જલસા પડી ગયા છે. ‘એઆઈની નજરે એક્ટરો વડીલ અવસ્થામાં’ ટાઈટલ ધરાવતા ફોટોગ્રાફ્સ જોઈ એક જણે કોમેન્ટ કરી છે કે ‘રિતિક રોશન તો એકદમ રણબીર કપૂર જેવો દેખાય છે.’ બીજાની પ્રતિક્રિયા છે કે ‘સલમાન, શાહરુખ અને અક્ષય કુમાર તો તરત ઓળખાઈ જાય છે. અક્ષય કુમાર ચહેરા પરથી બહુ ઘરડો દેખાય છે. ટેન્શન બહુ વધી જવાનું લાગે છે. ‘દાદાગીરી’ કરશે બીજું શું?’ શાહિદ કપૂરને ઓળખવામાં થાપ ખાઈ ગયેલી એક વ્યક્તિની પ્રતિક્રિયા છે કે ‘મને તો રાજકુમાર રાવ હોય એવું લાગ્યું. અસ્સલ એના જેવો લાગે છે.’ આ માત્ર ચહેરાની મતલબ કે બાહ્ય સ્વરૂપની વાત છે. આંતરિક અભિનયની આવડત વચ્ચે લાવવાની ધૃષ્ટતા કરવી નહીં.
‘સંજુ’ ફિલ્મ કેવી હતી એ વિશે મતમતાંતર છે પણ એમાં રણબીર કપૂરે સંજય દત્તના પાત્રમાં પ્રાણ પૂરી એને ચાર ચાંદ લગાવી દીધા હતા એ વિશે તો એકમત જ હોવાનો. જોગાનુજોગ જુઓ કે કેટલાક લોકોને વડીલ રણબીરમાં સંજય દત્તના દર્શન થયા છે.
પુરુષ અભિનેતાના ભાવિ ચહેરાનું ચિત્રણ કરવાની હિંમત કરનાર આર્ટિસ્ટ સ્ત્રી સ્વભાવથી સુપેરે પરિચિત હોવો જોઈએ. જુઓને, તેણે એક પણ અભિનેત્રીને માસી કે દાદી તરીકે ચિત્રિત કરવાની ડેરિંગ નથી દેખાડી. સ્ત્રીઓને ચિરયુવા દેખાવાના અભરખા હોય છે અને એટલે જ કોઈ ફંક્શનમાં હાજરી આપવાની હોય ત્યારે સિક્સ્ટી પ્લસની ઉંમરે પણ બ્યુટી પાર્લરમાં પહોંચી રંગરોગાન કરાવવામાં એ જરાય ખચકાટ નથી અનુભવતી. હવે જો આર્ટિસ્ટ ભાઈ કરચલીવાળી અને માથે બે ચાર સફેદ વાળની લટ ધરાવતી અભિનેત્રીની કલ્પના કરે તો સોશિયલ મીડિયામાં એના પર એવું આક્રમણ થાય કે રાતોરાત બધું ડિલિટ કરી નાખવું પડે.
વિચાર કરી જુઓ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે તો હજી બાહ્ય દેખાવ સુધી જ પગપેસારો કર્યો છે. આવતી કાલે રૂપેરી પડદા પર દેખાડવામાં આવતી ફિલ્મમાં ઘૂસી ફિલ્મના કલાકાર કે ફિલ્મની વાર્તા જ જો બદલી નાખે તો? મધુબાલાની જગ્યાએ માધુરી દીક્ષિતને ફિટ કરી દે તો? અને બલરાજ સાહનીના રોલમાં બોબી દેઓલ જોવા મળે તો? ગીતકાર ગીત લખે, સંગીતકાર એને સ્વરબધ્ધ કરે ને ગાયકના અવાજમાં રેકોર્ડ થાય એ પ્રક્રિયાથી આપણે ટેવાયેલા છીએ. હવે જો આ ટ્રિપલ રોલ એઆઈ ભજવે તો કેવું ગીત તૈયાર થાય એની તો કલ્પના જ કરવી રહી.