હૈદરાબાદ: વિરોધ પક્ષોએ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડના ઉદાહરણ સાથે કેન્દ્ર સરકાર પર સેન્ટ્રલ એજન્સીઝના દુરુપયોગનો આરોપ મૂકતાં રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે રોષ વ્યક્ત કરવા માટે પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રસેખર રાવ સહિત અનેક વિપક્ષી નેતાઓએ વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. એ પત્ર પર સહી કરનારા નેતાઓમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રમુખ શરદ પવાર, નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો સમાવેશ છે.
વિપક્ષી નેતાઓના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધ પક્ષોના સભ્યો-નેતાઓ વિરુદ્ધ કેન્દ્રીય તપાસ સંસ્થાઓ-સેન્ટ્રલ એજન્સીઝનો બેફામ દુરુપયોગ આપણે લોકશાહીમાંથી આપખુદશાહીમાં પરિવર્તિત થયા હોવાનું દર્શાવે છે. ચૂંટણીની બહાર ‘વેરની વસૂલાત’ માટે
સેન્ટ્રલ એજન્સીઝ અને રાજ્યપાલ જેવી બંધારણીય સત્તાઓનો દુરુપયોગને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. આવું લોકશાહીને છાજતું નથી. દિલ્હી રાજ્યસરકારની શરાબ નીતિમાં ગેરરીતિઓ બાબતે સીબીઆઈ દ્વારા દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડના અનુસંધાનમાં વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું કે એએપીના નેતા સિસોદિયા સામેના આરોપો ‘આધારહીન અને રાજકીય કાવતરાંખોરી’ છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા અને તૃણમૂલ કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ સુવેન્દુ અધિકારી અને મુકુલ રૉયના ઉદાહરણો આપતાં વિપક્ષી નેતાઓએ એવો દાવો કર્યો હતો કે જે વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડાય તેમની સામેની તપાસ ઇન્વેસ્ટિગેશન એજન્સીઝ ધીમી ગતિએ કરે છે. તમિળનાડુ, પશ્ર્ચિમ બંગાળ અને તેલંગણના રાજ્યપાલો તથા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અવારનવાર બંધારણની જોગવાઈઓનો ભંગ કરવા ઉપરાંત રાજ્યના વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાનો આરોપ પણ વિપક્ષી નેતાઓએ મૂક્યો
હતો. (એજન્સીઝ)