બહારના હરે રામ પાંડે એ દીકરીઓના પિતા બન્યા, જેને માતા-પિતાએ તરછોડી દીધી

પુરુષ

સાંપ્રત-વૈભવ જોશી

જૂના જમાનામાં દીકરી સાપનો ભારો કહેવાતી. પણ બદલાતા સમય સાથે ધીરે ધીરે લોકોની માન્યતામાં પરિવર્તન આવતું ગયું. તેમ છતાં અફસોસ સાથે આ માનસિકતા હજી નેસ્તનાબૂદ થઇ નથી. આજે પણ દીકરીને જન્મતાંની સાથે જ તરછોડી દેનારાં જાલિમ મા-બાપની કમી નથી. પણ ‘રામ રાખે, તેને કોણ ચાખે?’ એ ન્યાયે દુનિયામાં અનાથના નાથ બનનારા કરુણાશીલ વ્યક્તિઓની પણ કમી નથી. આવો, જાણીએ આવા અનાથ દીકરીઓના પિતા બનેલા એક સજજન વિશે.
દેવઘરના રહેવાસી, ૬૧ વર્ષીય હરે રામ પાંડે હાલમાં ઉત્તર ભારતના શ્રાવણ મહિનામાં કાવડિયાઓને પાણી આપવામાં વ્યસ્ત છે. ઘણા લોકો અહીં પ્રસિદ્ધ શિવ મંદિર, બાબાધામની મુલાકાત લેવા આવે છે અને રસ્તામાં હરે રામના સ્ટોલ પર પાણી પીવા માટે રોકાય છે. અહીં રોકાતો દરેક વ્યક્તિ જે તેમને પોતાની ખુશીથી થોડા પૈસા આપીને જાય છે અને આ રીતે તેઓ આ એક મહિનામાં સારી કમાણી કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની કમાણીનો એક પણ પૈસો પોતાના પર ખર્ચતા નથી, પરંતુ નારાયણ સેવા આશ્રમમાં રહેતી પોતાની ૩૫ દીકરીઓના ઉછેરમાં ખર્ચ કરે છે.
એક સમયે હરે રામને પોતાની કોઈ દીકરી નહોતી. તેની પોતાની કોઈ બહેન પણ નથી, પરંતુ તેના જીવનમાં એક એવો વળાંક આવ્યો કે આજે તે ઘણી નિરાધાર છોકરીઓનો પિતા બની ગયો છે. હરે રામે ન માત્ર આ નિરાધાર છોકરીઓને દત્તક લીધી અને તેમના રહેવા-જમવાની વ્યવસ્થા કરી, પરંતુ એક સારા પિતાની જેમ તેઓ આ છોકરીઓના શિક્ષણ અને લગ્નની જવાબદારી પણ લઈ રહ્યા છે.
તેના વિશે વાત કરતાં તે કહે છે, મને આ દીકરીઓનો ઉછેર કરવામાં ઘણો આનંદ થાય છે. એવું લાગે છે કે જીવન કોઈ સારા કાર્યમાં ખર્ચાઈ રહ્યું છે. દિવસ-રાત સુધી મને આ છોકરીઓના ભવિષ્યની ચિંતા સતાવતી રહે છે.”
આમ તો, હરે રામ હંમેશા માનવતામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા આગળ રહે છે. વ્યવસાયે તેઓ જવાહરલાલ મેડિકલ કૉલેજ ભાગલપુરમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતાં. પરંતુ જીવનના સિદ્ધાંતો સાથે સમાધાન ન કરનારા હરે રામે અંગત કારણોસર ૧૯૮૩માં નોકરી છોડી દીધી હતી. તે પછી, તેમણે કુટુંબની ખેતીમાં જોડાવાનું નક્કી કર્યું. એક સમયે, તેમણે તેમના પરિવારમાંથી એક છોકરીને ઉછેરવાની જવાબદારી લીધી હતી, જેની માતાનું અવસાન થયું હતું.
પરંતુ તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો જ્યારે ૯મી ડિસેમ્બર ૨૦૦૪ના રોજ તેમને દેવઘરમાં જ ઝાડીઓમાં એક નવજાત બાળકી મળી. હરે રામ કહે છે, “મને તે સમય હજુ પણ યાદ છે. તે દિવસે હું સાધના કર્યા પછી ઊઠ્યો જ હતો, ત્યાં કોઈએ મને જાણ કરી કે દેવઘર CBI ટ્રેનિંગ સેન્ટરની પાછળ એક નાની છોકરી મળી આવી છે. હું ત્યાં દોડી ગયો અને છોકરીને ઘરે લઈ આવ્યો. તે છોકરીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેની નાભિમાં કીડીઓ હતી અને તે કોમામાં જતી રહી હતી. તેની સારવાર લગભગ ૨૧ દિવસ સુધી ચાલી, ત્યારબાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.
હરે રામ અને તેની પત્નીએ તે નાની બાળકીનો જીવ બચાવીને હૃદયમાં સાચો આનંદ અનુભવ્યો. તેમણે બાળકીનું નામ તાપસી રાખ્યું અને આજે તાપસી ૧૦મા ધોરણમાં ભણે છે. હરે રામે કહ્યું કે તેમને લાગ્યું કે ભગવાને તેમને દીકરી આપી છે.
“જો સમાચાર મારા સુધી પહોંચશે તો હું એક પણ દીકરીને મરવા નહીં દઉં.
નારાયણ સેવા આશ્રમમાં રહેતી તાપસી અભ્યાસમાં એટલી સારી છે કે તેણે પાંચમા ધોરણમાં તેની શાળામાં અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું, જે સાંભળીને ઝારખંડના આઈપીએસ અધિકારી એ. વિજયલક્ષ્મીએ તેના ભરપૂર વખાણ કર્યા હતા અને આ જોઈને હરે રામનું મસ્તક ગર્વથી ઊંચું થઇ ગયું હતું.
આજે તાપસી એકલી નથી, પરંતુ સમયની સાથે હરે રામે આવી ઘણી નિરાધાર છોકરીઓને આશરો આપ્યો છે. ૨૦૦૪ની એ ઘટનાએ હરે રામને જીવનમાં નવું લક્ષ્ય આપ્યું. તાપસીને બચાવ્યા પછી, હરે રામે નિર્ણય કર્યો કે તેઓ એ દરેક નિરાધાર છોકરીને બચાવશે જે તેમની પાસે પહોંચશે. આ પછી સ્થાનિક પ્રશાસનની સાથે તેમણે પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. સમય જતાં, ઘણા લોકો તેમને રસ્તા પર રખડતી છોકરીઓ અથવા ક્યાંક લાચાર રહેતી છોકરીઓ વિશે માહિતી આપવા લાગ્યા. જ્યારે પણ હરે રામને આવા કોઈ સમાચાર મળતા ત્યારે તે જરૂરિયાતમંદ બાળકી પાસે વહેલી તકે પહોંચતા અને તેને ઘરે લઈ આવતા. ઘણી છોકરીઓને તેમના માતાપિતાએ ત્યજી દીધી હતી, કારણ કે તેઓ છોકરીઓ હતી, ઘણી છોકરીઓ માનસિક રીતે સામાન્ય નહોતી, તેથી તેમને ઘરની બહાર ફેંકી ધકેલી દેવામાં આવી હતી.
તાજેતરમાં પણ તેમના આશ્રમમાં પાંચ છોકરીઓ માનસિક રીતે વિકલાંગ છે. પરંતુ હરે રામ તે
બધાને દેવી સ્વરૂપ માનીને તેમની સેવા કરે છે. આ તમામ દીકરીઓના આધાર કાર્ડમાં પિતાની જગ્યાએ હરે રામનું નામ લખવામાં આવ્યું છે.
નારાયણ સેવા આશ્રમ સમગ્ર પરિવાર સાથે મળીને ચલાવે છે
તેમની સતત સેવાને કારણે તેમનું ઘર ‘નારાયણ સેવા આશ્રમ’ તરીકે પ્રખ્યાત થયું. જો કે એક સામાન્ય ખેડૂત માટે આ કામ સતત ચાલુ રાખવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ તેના સંબંધીઓ અને શહેરના કેટલાક સેવાભાવી લોકોની મદદથી તેનું કામ થોડું સરળ બન્યું છે. આ કામમાં માત્ર હરે રામ અને તેની પત્ની જ નહીં, પરંતુ તેનો પુત્ર અને પુત્રવધૂ પણ તેની ઘણી મદદ કરે છે. જે તેમણે એક નાનકડા સેવા કાર્ય તરીકે શરૂ કર્યું હતું, આજે તેમનાં બાળકો તેને આગળ વધારી રહ્યાં છે. તેમની વહુ ગાયત્રી આ છોકરીઓની તમામ જવાબદારીઓ ઉપાડે છે. તેમને શીખવવાનું અને કળા વગેરેની તાલીમ આપવાનું કામ ગાયત્રીનું છે.
ગાયત્રીએ કહ્યું કે આ બધી છોકરીઓ એક યા બીજા ક્ષેત્રમાં હોશિયાર છે અને જ્યારે આ છોકરીઓને તેમની સફળતા માટે એવોર્ડ અથવા પ્રશંસા મળે છે ત્યારે આખો પરિવાર આનંદની લાગણી અનુભવે છે.
પોતાની જમીન વેચીને છોકરી માટે ઘર બનાવ્યું
૨૦૦૪થી તેણે આ છોકરીઓને પોતાના ઘરમાં રાખી હતી. પરંતુ જેમ જેમ છોકરીઓની સંખ્યા વધવા લાગી, તેમ તેમ તે તમામને રાખવામાં ઘણી મુશ્કેલી પડી. હરે રામે કહ્યું, “ઘણી બધી છોકરીઓ સાથે ઘરનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે, પરંતુ ઘણી વખત તેમને ભણવામાં કે રહેવા-જમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, તેથી અમે એક મોટું ઘર બનાવવાનું વિચાર્યું અને આ કામમાં અમારા વેવાણે અમને અમૂલ્ય ટેકો આપ્યો.
હરે રામ પાંડેનો આખો પરિવાર
હકીકતમાં, તેમની પુત્રવધૂ પણ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે, તેથી જ્યારે ગાયત્રીનાં માતા નિવૃત્ત થયાં ત્યારે તેમણે હરે રામને તેના નિવૃત્તિના પૈસાથી મદદ કરવાનું નક્કી કર્યું. હરે રામે પણ પોતાની જમીન વેચીને કેટલાક પૈસા રોક્યા હતા. આ રીતે બે વર્ષ પહેલાં તેણે દેવઘરમાં એક મોટી જમીન ખરીદી અને એક મોટું ઘર બનાવ્યું, જ્યાં આ છોકરીઓ આરામથી રહી શકે.
શું તમે હરે રામ પાંડેને મદદ કરવા માગો છો?
આજે હરે રામના નારાયણ સેવા આશ્રમની ઘણી દીકરીઓ અભ્યાસ કરીને સરકારી નોકરી કરી રહી છે. જ્યારે ચાર દીકરીઓના ધામધૂમથી લગ્ન પણ કરાવ્યાં છે. હરે રામને સ્થાનિક પ્રશાસનથી લઈને શહેરમાં મોટા કાર્યક્રમોમાં પણ ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે. હરે રામનું કામ જોઈને ઘણા લોકો કહે છે કે તમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવો જોઈએ. હરે રામ એ બધા લોકોને કહે છે, મારે માત્ર સારું કામ કરવાનું છે, ભગવાન પોતે મને એવોર્ડ આપશે. હું હંમેશાં મારી પત્નીને મજાકમાં કહું છું કે “જોજે, આપણા કામથી પ્રસન્ન થઈને ભગવાન ખુદ આપણને તેમના ખોળામાં બેસાડીને લઇ જશે.
જો દરેક ઘરમાં કે શહેરમાં હરે રામ જેવી વ્યક્તિ હોય તો ક્યારેય કોઈ દીકરી ઝાડીઓમાં કે કચરાપેટીમાં અનાથ જોવા નહીં મળે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.