અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવાનો ઈંતેજાર પૂરો થવાને આરે છે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ બાબતે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું બાંધકામ લગભગ 70 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે અને મંદિરનું નિર્માણ કાર્ય જાન્યુઆરી 2024માં પૂર્ણ થશે.
શ્રી મણિરામ દાસ છાવણી (અયોધ્યા)ના ટ્રસ્ટ સભ્ય મહંત કમલ નયન દાસે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે 14-15 જાન્યુઆરી, 2024ના રોજ મકરસંક્રાંતિના અવસરે મંદિરના દરવાજા ખોલવામાં આવશે અને એ દિવસથી ભકતો રામલલ્લાના દર્શન કરી શકશે. વિશ્વ હિંદુ પરિષદ (VHP), અયોધ્યાના પ્રાદેશિક પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે ભક્તો રામ મંદિરના ઉદ્ઘાટનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
બીજી બાજું બુધવારે (15 માર્ચ) ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રામ મંદિર જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહ સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે.
અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદઘાટનની ઉજવણી ડિસેમ્બર 2023માં જ શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020માં રામ મંદિરનું નિર્માણ શરૂ થયા બાદ પ્રથમ વખત મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર અયોધ્યા શહેરમાં ભવ્ય રામનવમીની ઊજવણીનું આયોજન કરાઈ રહ્યું છે.
તમારી જાણ માટે કે સુપ્રીમ કોર્ટે 2019ના અંતમાં પોતાનો ચુકાદો આપતાં એક આદેશમાં મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. આ પછી દાયકાઓથી ચાલી રહેલા રામ મંદિર આંદોલનનો અંત આવ્યો હતો. 1996થી, રામ મંદિર નિર્માણને હંમેશા ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવ્યું હતું.