અભિનેતા રામ ચરણ 27 માર્ચના તેનો 38મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. સાઉથનો આ સુપરસ્ટાર લક્ઝુરિયસ લાઈફ જીવે છે અને તે મોંઘી મોંઘી ગાડીઓ અને ઘડિયાળોનો શોખિન છે. એક રિપોર્ટ અનુસાર રામચરણ પાસે ઘડિયાળોનું ખૂબ જ મોટું કલેક્શન છે અને તેમના ઘડિયાળોની કિંમત કરોડો રૂપિયામાં હોય છે. આજે બર્થડેના દિવસે બર્થડે બોયે ચાહકોને અનોખી ગિફ્ટ આપી છે અને તેણે તેની આગામી ફિલ્મના નામની જાહેરાત કરવાની સાથે સાથે ટીઝર પણ રિલીઝ કર્યું છે, જેણે ચાહકોને ઉત્સાહિત કર્યા છે. રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ જે અત્યાર સુધી RC15 તરીકે ઓળખાતી હતી તેનું નામ સામે આવ્યું છે. આ ફિલ્મનું નામ ‘ગેમ ચેન્જર’ છે. રામ ચરણ તરફથી તેના જન્મદિવસે આવી ભેટ મળતા ફેન્સની ખુશીનો કોઈ પાર નથી રહ્યો.
રામ ચરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘ગેમ ચેન્જર’નું ટાઈટલ ટીઝર શેર કર્યું છે, જેના પર ચાહકો કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ વરસાવી રહ્યા છે અને અત્યારથી જ આ ફિલ્મને ‘માસ બ્લોકબસ્ટર’ કહી રહ્યા છે. આ એક પોલિટિકલ થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મનું નિર્દેશન એસ શંકર કરશે, જે ‘વિક્રમ’, ‘શિવાજી’ અને ‘રોબોટ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. એસ શંકરની ગણતરી દેશના સૌથી મોંઘા નિર્દેશકોમાં થાય છે, જેઓ પોતાની ફિલ્મોમાં જબરદસ્ત VFX માટે જાણીતા છે. ગેમ ચેન્જરના ટાઈટલ ટીઝરમાં અમેઝિંગ VFX પણ જોવામાં આવ્યું છે.બીજી તરફ, 26 માર્ચ, રવિવારના રોજ, ‘ગેમ ચેન્જર’ની ટીમે ફિલ્મના સેટ પર રામ ચરણનો જન્મદિવસ ઉજવ્યો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. એટલું જ નહીં પણ ફિલ્મની ટીમે અભિનેતા માટે RRRના ગીત નાટુ નાટુ પર ડાન્સ પણ કર્યો હતો.
હિન્દી ઉપરાંત ‘ગેમ ચેન્જર’ તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં રામ ચરણ અને કિયારા અડવાણી ઉપરાંત જયરામ, અંજલિ અને શ્રીકાંત પણ જોવા મળશે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.