કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. દિલ્હી એઈમ્સના ICUમાં તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રાજુના પ્રવક્તા ગર્વિત નારંગે જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે ડૉક્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી છે, પરંતુ તેમનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. 23 કલાકથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ રાજુને હજી સુધી હોશ નથી આવ્યા. તેમની પલ્સ પણ 60-65ની વચ્ચે છે. રાજુના હાર્ટના એક મોટા ભાગમાં 100 ટકા બ્લોકેજ હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ફોન કરીને રાજુની તબિયતના સમાચાર પૂછ્યા હતા. તેઓ એઈમ્સના ડાયરેક્ટરના સંપર્કમાં છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથએ પણ રાજુની પત્નીને ફોન કરી તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. તેમણે શક્ય તેટલી મદદ કરવાનું આશ્વસાન આપ્યું હતું.

રાજુના હાર્ટ એટેકના સમાચાર જાણીને તેમના ફેન્સ હજી પણ આઘાતમાં છે અને તેમની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ હોટેલના જીમમાં સવારે વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેડમિલ પર રનિંગ કરતા સમયે તેમને ચેસ્ટમાં પેન થયું અને તેઓ નીચે પડી ગયા હતા. તેમને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ ભાજપના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી ગયા હતા. રાજુ 2014માં ભાજપમાં જોડાયા હતા.
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો. તેમને ખરી ઓળખ તો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.

Google search engine