ભારતના રાજસ્થાનને કિલ્લાઓ અને હવેલીઓની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, પણ શું તમને ખબર છે આ જ રાજસ્થાનમાં અમુક એવી જગ્યાઓ છે કે જ્યાં એકલા જતા ભલભલા ભડવીરનાય હાજા ગગડી જાય છે. એટલું જ નહીં સાંજના સૂર્યાસ્ત પછી આવી જગ્યાઓ પર કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. આજે આપણે અહીં રોયલ રાજસ્થાનની કેટલીક એવી રુંવાડા ઊભી કરી નાખનારા સ્થળો વિશેની માહિતી મેળવીશું.
કુલધરા ગામ
રાજસ્થાનનો ઉલ્લેખ આવે અને આ કુલધરા ગામનું નામ ના આવે તો જ નવાઈ. આ ગામ વિશેની જાત જાતની લોકવાયકાઓ પ્રસિદ્ધ છે. લગભગ 170 વર્ષથી રાજસ્થાનનું આ ગામ સાવ સૂમસામ છે. અહીં કોઈપણ વ્યક્તિ રાતે તો શું દિવસે પણ એકલા જતા ડરે છે. એવું કહેવાય છે કે અહીંના લોકોએ પોતાની દીકરીઓને એક દુષ્ટ દિવાનની બૂરી નજરથી બચાવવા માટે આ જગ્યા ખાલી કરી દીધી હતી. દિલ્હીની પેરાનોર્મલ એજન્સી દ્વારા કુલધરા ગામમાં ડિટેક્ટરો અને ભૂત-બોક્સમાં અહીંના મૃત લોકોનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો છે અને તેમણે પોતાના નામ પણ જણાવ્યા છે.
નાહરગઢ કિલ્લો
કુલધરા ગામથી આગળ વધીએ અને વાત કરીએ નાહરગઢ કિલ્લા વિશે. આ કિલ્લો રાજસ્થાનની રાજધાની જયપુર પાસે આવેલો છે અને પીળા રંગનો આ કિલ્લો દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે. પણ, આ કિલ્લાનો સમાવેશ પણ રાજસ્થાનની ભૂતિયા જગ્યાઓમાં કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે આજે પણ આ કિલ્લામાં રાજાની આત્મા ભટકે છે.
રાણા કુંભાનો મહેલ
ચિત્તોડગઢનો રાણા કુંભાનો પેલેસ પણ રાજસ્થાનમાં જોવા મળનારી હોન્ટેડ પ્લેસમાંથી એક છે અને એવું કહેવાય છે કે અહીં તમારી મુલાકાત ભૂતો સાથે થઈ શકે છે. આ કિલ્લામાં આવેલો સિક્રેટ રૂમ અને મહિલાઓની ચીસો તમને ડરાવવા માટે એકદમ સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના સુલ્તાન અલાઉદ્દીન ખીલજીએ આ મહેલ પર હુમલો કર્યો હતો.
અજમેર-ઉદયપુર હાઈવે
રાજસ્થાનના અજમેર-ઉદયપુર હાઈવે પણ ભૂતિયા જગ્યાઓમાંથી એક છે. આ હાઈવે પરથી પસાર થનારા ઘણા લોકોએ પોતાને થયેલાં વિચિત્ર અનુભવો વિશે વાત કરી છે. આ અનુભવો વિશે કેટલાક લોકોનું એવું કહેવું છે કે આ રસ્તા પર એક યુવતી જોવા મળે છે જે દુલ્હનના લાલ રંગના ડ્રેસમાં રાતના સમયે ફરતી દેખાય છે.
ભાનગઢ કિલ્લો
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, પણ રાજસ્થાનનો ભાનગઢનો કિલ્લો ટુરિસ્ટ્સ લોકોમાં એક લોકપ્રિય સ્પોટ છે, પણ હકીકતમાં તો એ આ એક હોન્ટેડ પ્લેસ છે. એવું કહેવાય છે કે રાત્રે ભાનગઢના કિલ્લામાં ભૂતોનો પ્રવેશ થાય છે અને આ કિલ્લામાંથી ચીસો, રડવાનો અને બંગડીઓ ખણખણાટ વગેરેનો અવાજ સંભળાય છે. એટલું જ નહીં પણ ઓડિયો ઈફેક્ટની સાથે અહીં વીડિયો ઈફેક્ટ પણ જોવા મળે છે એટલે કે લોકોએ અહીં વિવિધ પ્રકારના પડછાયા પણ જોયા હોવાની વાત પણ કહી છે.