ક્યારેક કપડાં સીવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો, રાજપાલ બન્યો આજનો ‘કોમેડી કિંગ’

121

વિશેષ -નિધિ ભટ્ટ

રાજપાલ યાદવ જેને જોઈને જ હસી પડીએ. પડદાં પર કોમેડી કિંગ બનવા માટે રાજપાલ યાદવે ખૂબ જ મહેનત કરવી પડી હતી. એક સમયે રાજપાલ ટેલરિંગનું કામ કરતા હતા, પરંતુ કોમેડીનો કીડો તેમને માયાનગરી સુધી ખેંચી લાવ્યો.
બોલીવૂડ ફિલ્મોમાં પોતાના શાનદાર કોમેડી એક્ટિંગથી લોકોને હસાવનાર રાજપાલ યાદવનો ગઇ કાલે એટલે કે ૧૬ માર્ચના રોજ જન્મદિવસ હતો. રાજપાલ યાદવનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૭૧ના રોજ યુપીના શાહજહાંપુરમાં એક નાનકડાં ગામમાં થયો હતો. રાજપાલ યાદવનું નાનપણ આર્થિક તંગીમાં પસાર થયું છે. હાલત એટલી ખરાબ હતી કે માથે પાકું મકાન પણ નહતું અને પરિવાર પણ ખૂબ જ ગરીબ હતો.
પિતાને ઝુનૂન હતું કે કોઈ રીતે રાજપાલ યાદવ ભણી-ગણીને મોટો માણસ બને, પરંતુ રાજપાલને કોમેડી દેખાવાનો અને કોમેડી કરવાનો શોખ હતો. તેમને જ્યારે પણ મોકો મળતો તે ગામડાની નૌટંકી અને નુક્કડ નાટક જોવા જતા રહેતા. પરિવારની હાલત જોઈને રાજપાલ યાદવે પિતાની સાથે કપડાં સીવવાનું શરૂ કર્યું, પરંતુ રાજપાલનાં મગજમાં એક્ટિંગનો કીડો હતો અને તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ ફિલ્મોમાં જ કામ કરશે.
ફિલ્મો પહેલા ટીવી સિરિયલમાં કર્યુ કામ
તેણે લખનઉની ભારતેંદુ નાટ્ય એકેડમી અને દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી થિયેટર અને એક્ટિંગનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ માયાનગરી મુંબઈ આવી ગયા. મુંબઇ બોલીવૂડમાં રાજપાલના કોઇ ગોડ ફાધર નહોતા કે નહોતી કોઇ મોટી ઓળખાણ તેથી તેમને ફિલ્મોમાં કામ મળવામાં ઘણી મુશ્કેલી થઈ તો તેમણે ટીવી સિરિયલમાં કામ કરવાનું શરૂ કરી દીધું. રાજપાલ યાદવને પહેલી સિરિયલ મળી હતી, ‘સ્વરાજ’. આ સિરિયલમાં તેમની એક્ટિંગ અને ગજબ સેન્સ ઑફ હ્યુમરને લઈને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. રાજપાલ યાદવે ‘નયા દૌર’, ‘મોહનદાસ’ અને ‘મુંગેરીલાલ કે હસીન સપને’ જેવી સિરિયલમાં પણ કામ કર્યું છે.
ફિલ્મોમાં બન્યા કોમેડીના ‘બાદશાહ’
સિરિયલ્સમાં કામ કરતા રાજપાલ યાદવને કંઈ ખાસ ઓળખ મળી શકી નહોતી. ત્યારબાદ ૧૯૯૯માં ડિરેક્ટર પ્રકાશ ઝા સાથે પોતાની પહેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’થી રાજપાલ યાદવને બ્રેક મળ્યો. આ તેમના કરિયરની પહેલી ફિલ્મ બની. આ ફિલ્મમાં તેમણે અજય દેવગણ, કાજોલ અને મહિમા ચૌધરી સાથે સ્ક્રીન શેર કરી હતી. ત્યારબાદ રાજપાલ યાદવ ફિલ્મ ‘મસ્ત’ અને ‘શૂલ’માં જોવા મળ્યા. ‘શૂલ’માં કામ કરવા માટે રામગોપાલ વર્માએ તેમને મનાવ્યા હતા. જોકે, બાદમાં બન્નેએ આશરે ૧૭ ફિલ્મોમાં સાથે કામ કર્યું. ફિલ્મ ‘જંગલ’ રાજપાલના કરિયર માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ હતી.
કોમેડી ફિલ્મોમાં ફૂંક્યો પ્રાણ
રાજપાલ યાદવ ફિલ્મોમાં વિલન બનવા માગતા હતાં, પરંતુ તેમની શાનદાર
કોમિક ટાઇમિંગે તેમને કોમેડી હીરો બનાવી દીધો. રાજપાલ યાદવે ફિલ્મ ‘પ્યાક તૂને ક્યા કિયા’, ‘ચાંદની બાર’,
કંપની’ અને ‘હાસિલ’ જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરી છે. ત્યારબાદ ‘ચુપ ચુપકે’, ‘ભૂલ ભૂલૈયા’ અને હાલમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા- ૨’માં પણ છોટા પંડિતનું પાત્ર ભજવીને તેના ચાહકોની વાહવાહી લૂંટી છે. ફક્ત પાંચ ફૂટ બે ઈંચની હાઇટવાળા એક્ટરે પોતાના શાનદાર પાત્રથી ફેન્સનાં દિલોમાં ખાસ જગ્યા બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!