કોઈ ઘટનાનો અંદેશો ન આવે અને તે ઘટી જાય તેને કુદરતી હોનારત કહેવાય, પરંતુ નજરની સામે થતું હોવા છતાં ધ્યાન આપવામાં ન આવે ત્યારે તેને માનવસર્જિત હોનારત કહેવાય. આવી એક માનવસર્જિત હોનારત એક વર્ષ પહેલા મોરબી ખાતે ઘટી હતી અને ઝૂલતો પુલ પડી જતા 135 નિર્દોષોના જીવ ગયા હતા. ત્યારે મોરબીની નજીક જ આવેલા રાજકોટ શહેરમાં પણ આવી એક હોનારત રાહ જોઈ રહી હોય તેવી સ્થિતિ છે. રાજકોટનો રેલવે ઓવર બ્રિજ જે સાંઢ્યા પુલના નામે જાણીતો છે, તે ઘણી બીસ્માર હાલતમાં છે. આ વાતની જાણ રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે પ્રશાસનને છે અને આઠ વર્ષથી તેના સમારકામ અને તેને ફોર લેનમાં ફેરવવાના પ્રસ્તાવ પર કોઈ નિર્ણય થયો નથી. આનો મતલબ કે આઠ વર્ષ પહેલાથી જ તે બીસ્માર હાલતમાં છે અને સમારકામની જરૂર છે, તે તંત્રનો ખબર છે.
હમણાં જ શુક્રવારે આ અંગે બન્ને સરકારી એજન્સી વચ્ચે બેઠક થઈ હતી જેમાં રાજકોટ મનપાએ રેલવેને નવી ડિઝાઈન મંજૂર કરવા અને રેલવે બોર્ડ પાસેથી મંજૂરી મેળવવા અપીલ કરી હતી. પાલિકાના સૂત્રો અનુસાર આઠ વષર્થી આ રેલવે બ્રિજના સમારકામ અને તેને ફોર લેન બ્રિજમાં ફેરવવાના ખર્ચ મામલે દરેક બજેટમાં ચર્ચા થતી હતી. અંતે રાજકોટ પાલિકાએ આખો ખર્ચ પોતાને માથે લેવાની તૈયારી બતાવી, પરંતુ તેમના કહેવા અનુસાર રેલવે નવી ડિઝાઈનને મંજૂર કરવામાં ઢીલ કરી રહી હોવાથી કામ શરૂ થતું નથી. મોરબીની હોનારત બાદ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. સૂત્રોનું કહેવાનું છે કે બ્રીજ જૂનો હોવાથી તેને યોગ્ય ટેક વગેરે લગાવી પાલિકાએ તકેદારી વર્તી છે, પરંતુ બ્રીજને સમારકામની જરૂર છે તે વાત સાચી છે. વળી, આ વિલંબને લીધે લોકોએ ઘણી હાલાકી ભોગવવી પડે છે તે પણ તંત્રએ ધ્યાનમાં લેવું જોઈએ.
આ બ્રિજ લગભગ 45 વર્ષ પહેલા 1978માં બન્યો હતો અને મળતી માહિતી અનુસાર તે રેલવે એ બનાવ્યો હતો. તે સમયે વાહનોની અવરજવર ખૂબ જ ઓછી હતી, પરંતુ હવે અનેકગણી વધી ગઈ છે. આ બ્રીજ દ્વારાકા, જામનગર, મોરબી અને કચ્છ જવા માટેના હાઈ વે સાથે કનેક્ટેડ છે તેમ જ નવા બનેલા ઘણા બિઝનેસ કોમ્પ્લેક્સ સાથે કનેક્ટેડ હોવાથી અહીં ભારે ટ્રાફિકજામ રહે છે. ત્યારે સવાલ એ થાય છે કે સરકારને પોતાની જ જગ્યા પર પોતાના જ પ્રોજેક્ટના કામને શરૂ કરવા માટે આઠ વષર્નો સમય લાગે અને આ દરમિયાન લોકોના જીવ જોખમમાં મૂકાય તેનું જવાબદાર કોણ…?
રાજકોટનો રેલવે બ્રીજ રાહ જોઈ રહ્યો છે મોરબી જેવી હોનારતની?
RELATED ARTICLES