‘રાજકીય નેતા વારંવાર બદલીઓ કરાવી હેરાન કરે છે’ રાજકોટના ASI કરી ફેસબુક પર પોસ્ટ, ગણતરીના કલાકોમાં જ સસ્પેન્ડ કરાયા

આપણું ગુજરાત

રાજકીય નેતાઓ પોતાના અંગત લાભ માટે અધિકારીઓનો ઉપયોગ કરતા હોવાના અને એવું નહિ કરતા બદલીઓ કરાવી દેતા હોવાના આરોપો થતા હોય છે. તાજેતરમાં રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલાએ Facebookમાં એક રાજકીય નેતા તેમને હેરાનગતિ કરતા હોવાની પોસ્ટ મૂકી હતી. જોકે તેમણે નેતાનું નામ લીધું ન હતું. આ પોસ્ટ મૂકવાના ગણતરીના કલાકોમાં જ ASI ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને લઈને રાજકોટમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલાએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આજે એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે, એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે મારી બદલીઓ કરાવે છે, જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, છતાં મને ધમકીઓ આપે છે, પણ મારી તૈયારી છે, ઝૂકેગા નહીં સાલા, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ, હું અન્યાય સામે ઝૂકીશ નહિ.’

ASI હિતેન્દ્રસિંહ ઝાલાની ફેસબુક પોસ્ટ

હિતેન્દ્રસિંહ ઝાલાએ કોઈ રાજકીય નેતા પર હેરાનગતિના ગંભીર આરોપો કર્યા હતા. તેમણે આ પોસ્ટ ફેસબુકમાં મુક્યા બાદ ગણતરીની મિનિટોમાં જ ડિલીટ પણ કરી નાખી હતી. પરંતુ એ પહેલા કેટલાક લોકોએ તે પોસ્ટનો સ્ક્રીન શોટ લઇ લીધો હતો. આ સ્ક્રીન શોટ બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચયો હતો. ગત રાતે ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ સસ્પેન્ડ કરાયા હતા.
આ મામલે શહેર પોલીસ કમિશનર તરફથી તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હિતેન્દ્રસિંહ ઝાલાને પૂછવામાં આવ્યું હતું કે, આ રાજકીય નેતા કોણ? કઈ રીતે તેઓ તમને હેરાન કરે છે? તમારી અને રાજકીય નેતા વચ્ચે શું સંબંધો હતા?
હિતેન્દ્રસિંહ ઝાલાને ફેસબુક પોસ્ટ મૂકવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે હજુ સુધી ઊચ્ચ પોલીસ અધિકારીઓએ કોઈ ચોખવટ કરી નથી. ત્યારે લોકોમાં ચર્ચાથી રહી છે કે શું હિતેન્દ્રસિંહ ઝાલાને સત્ય બોલવાની સજા અપાઈ રહી છે? પોલીસ અધિકારીઓ કથિત રાજકીય નેતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.