રાજકોટ બેટમાં ફેરવાયું: ૧૧ ઇંચથી વધુ વરસાદ

આપણું ગુજરાત

ઘરોમાં પાણી ઘૂસ્યાં, રસ્તા નદીઓ બન્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: ગુજરાતમાં છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા અને ત્યારબાદ અમદાવાદને તરબોળ કર્યા બાદ મેઘરાજાએ સોમવારની રાતથી મંગળવારની બપોર સુધીમાં ૧૧ ઇંચથી વધુ વરસાદ વરસાવીને રાજકોટને જળબંબોળ કર્યું હતું.
ગણતરીના કલાકોમાં જ એક સાથે ૧૧ ઇંચથી વધુ વરસાદને લીધે શહેરના રસ્તા પર ચોમાસુ પાણીની નદીઓ વહેવા લાગી હતી તેમ જ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા બાદ લોકોના ઘર પણ સરોવરમાં ફેરવાયાં હતાં. શહેરમાં ભારે વરસાદથી જનજીવનને માઠી અસર પહોંચી હતી. રાજકોટમાં ભારે વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને નદીમાં એક વ્યક્તિનો મૃતદેહ તણાઈને આવતા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પુરુષના મૃતદેહને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગરનાં ઘરોમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજારો લોકોને આખી રાત જાગવું પડ્યું હતું. જ્યારે ઘરના સામાનને બચાવવા માટે દસ ફૂટ ઉપર મૂકવાની ફરજ પડી હતી. રાજકોટમાં ધોધમાર વરસાદથી શહેર બેટમાં ફેરવાયું હતું. જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. જેને પગલે શહેરમાં મેઘરાજાના કહેરમાં રામનાથપરામાં ૧૩૫ વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થઇ હતી એ સમયે ઘરની બહાર વીજળીના કડાકા જેવો અવાજ થયો હતો. જેથી ઘરમાં રહેતા પ્રૌઢે દરવાજો ખોલતા જ મકાનની છત ધરાશાયી થઇ હતી. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી મંગળવારની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ અંગે પરીક્ષા નિયામક નીલેશ સોનીએ સત્તાવાર યાદી જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોના આચાર્ય તથા અનુસ્નાતક ભવનના અધ્યક્ષને જાણ કરી હતી. જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં પણ રજા જાહેર કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.