રાજકોટમાં સીનીયર અધિકારીએ આપઘાત કરી લેતા બ્યુરોક્રસીમાં ખળભળાટ વ્યાપી ગયો છે. રાજકોટમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)ના વરિષ્ઠ અધિકારી જાવરીમલ બિશ્નોઈને CBIએ 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા. બદનામીના ડરે અધિકારીએ ચોથા માળેથી કુદીને મોતને વ્હાલુ કર્યું હતું. મૃતકના અધિકારીના પરિવારજનોએ CBI પર આરોપ લગાવ્યા છે.
ગઈકાલે રાજકોટમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસમાં CBI દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. CBIએ ટોચના અધિકારી જાવરીમલ બિશ્નોઈને NOC માટે રૂપિયા 5 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પડ્યા હતા.
CBI આખી રાત તેમની ઓફિસ અને ઘરમાં તપાસ કરી હતી. જાવરીમલ બિશ્નોઈએ આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારી દેતાં હાજર સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર ઇજા સાથે તેમને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. અધિકારીએ આપઘાત કરી લેતા કરતાં પરિવારજનોએ CBI અધિકારીઓ પર આરોપ લગાવ્યા છે. મૃતકના પરિવારના લોકોએ CBI અધિકારી પર હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.