રાજકોટ શહેર તંત્રની બેદરકારીને કારણે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે બાઈક લઈને જતો યુવક ખુલ્લા ખાડામાં ખાબકતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. ઘટનાને પગલે લોકોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી છે.
મળતી માહિતી મુજબ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા ઓવરબ્રિજની પહેલા ગડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. જેના માટે એક ખાડો ખોદવામાં આવ્યો હતો. આજે સવારના સમયે હર્ષ દાવડા નામનો યુવાક બાઈક લઈને નોકરીએ જવા નીકળ્યો હતો. એ સમયે બીજા વાહનને ઓવરટેક કરવા જતા યુવાક ખાડામાં પટકાયો હતો. ખાડા રહેલા લોખંડના સળિયા સાથે અથડતા યુવકને ગંભીર ઈજા પહોંચતા મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. પોલીસને જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી છકડામાં હોસ્પિટલ લઇ જવાયો હતો.
મૃતક હર્ષ પરિવારનો એકનો એક દીકરો હતો. રાજકોટમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. આ ઘટનાને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ઘટના બાદ મ્યુનિ. કમિશનરે સિટી એન્જિનિયરને તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટ: તંત્રની બેદરકારીએ યુવકનો જીવ લીધો, બાઈક ખાડામાં પડતા મોત
RELATED ARTICLES