રાજકોટનો લોકમેળો: ભારતનો સૌથી મોટો સાંસ્કૃતિક કુંભ

ઉત્સવ

રંગ છલકે -ક્ધિનર આચાર્ય

રાજકોટ રંગીલું અને સૌરાષ્ટ્ર મસ્તીનું છે. અહીંના લોકોની દુનિયાનો છેડો ઘર અને ઘરનો છેડો પાનના ગલ્લા, બગીચાની પાળી, ડેમનો પુલ, સાંધ્ય બજારો, મોલ્સથી લઈ સગાં-સંબંધીનાં સરનામાં છે તો સ્વર્ગનું દ્વાર રાજકોટ છે. જી… હા, રાજકોટની રોનક વિશે જેટલું પણ સાંભળ્યું અને વાંચ્યું હોય એ અનુભવવાનો સમય આવી ગયો છે, કેમ કે જશન અને ટશનનું સેશન શરૂ થવા જઈ રહ્યું છે. ઘરે ઘરે તેલના તાવડા મંડાઈ તીખાં-મીઠાં ફરસાણો-પકવાનો બનાવાઈ રહ્યાં છે. રેલવે-બસ-એરની ટિકિટ્સ બુક થઈ ગઈ છે. રાજકોટની નજીકનાં સ્થળોથી લઈ ગોવા-આબુ ટૂર પેકેજમાં ફરવાની સાઈટ્સનું લિસ્ટ બની રહ્યું છે. બસ ગણતરીના કલાકોમાં રાજકોટમાં અનિશ્ર્ચિત મુદતનો સ્વયંભુ કરફ્યુ લાગશે. એટલે બજારોમાંથી પત્તાં, પાર્સલ પાન-ફાકી સાથે કપડાં, નાસ્તા, જીવનજરૂરી ચીજવસ્તુઓ અને માલસામાનની ખિસ્સાફાડ ખરીદીઓ થઈ રહી છે. અગત્યનાં બધાં જ કામ બાજુ પર મુકાઈ જ્યાં હોય ત્યાં એક જ રાગડો તણાતો કાને પડે છે: ‘સાતમ-આઠમ પછી રાખોને શેઠ…’ આર યુ રેડી ફોર ફનફેર?
રાજકોટમાંથી જેટલાં સાંજનાં છાપાં બહાર પડે છે, રાજકોટમાં જેટલા ડેમો છે, રાજકોટમાં જેટલા ખૂણાઓ છે, રાજકોટમાં જેટલાં મેદાનો-પ્લોટ્સ છે અને રાજકોટમાં જેટલાં ફરવાનાં સ્થળો છે તેટલા મેળા રાજકોટમાં એકસાથે જુદા જુદા સ્થળે થાય છે. રાજકોટના મેળા એન્ટિ-ગરીબી, બેકારી અને હવે તો એન્ટિ-જીએસટી છે, આથી જ જલસા જેમનો જીવનમંત્ર છે એવા રાજકોટવાસીઓ સાતમ-આઠમમાં એવરેજ દિવસમાં બે વાર મેળામાં જાય છે અને એક વાર બહાર જમે છે. ઉપરાંત ઘરમાં નાસ્તાગૃહમાં પણ ન હોય એટલો નાસ્તો હોવા છતાં બહારથી નાસ્તો મગાવી આરોગે છે. ઈસિલિયે શ્રાવણના ઉપવાસિયા માસમાં બીજા ગામના હોટેલ-રેસ્ટોરાંવાળા ભલે મંદા હોય, પણ રાજકોટના હોટેલ-રેસ્ટોરાંવાળા ગંદા હોય તો પણ ચંગા લાગે. શોપિંગ મોલ્સ પણ આ દિવસો દરમિયાન ગ્રાહકો કમ મુલાકાતીઓથી ઊભરાય છે. કોઈ પણ ફિલ્મ હોય, વાર-તહેવારે એક વાર તો જોવાનીને? એસટી તંત્ર હોય કે કોઈ પણ સરકારી-ખાનગી એકમ હોય, મેળો એટલે ખર્ચ અને કમાણીની સીઝન, પણ હા, જેટલા વાપરવાના એટલા પાછા કમાઈ લેવાના… સિમ્પલ. ભાવવધારો હોય કે કાળાબજારી, બધું જ રાજકોટિયનના મોજ-શોખ અને રાજાશાહી-સાહિબી આગળ ટૂંકું અને ફિક્કું જ લાગે દાદા.
નાગપાંચમથી દસમ. છ દિવસ બધું જ જડબેસલાક બંધ એટલે બંધ. અગિયારસે વેપાર-ધંધા ખૂલે તો ખૂલે બાકી નહીં. રાજકોટમાં દર વર્ષે લોકમેળાને બાદ કરતાં આશરે ત્રણથી પાંચ મેળાઓ થતા આવ્યા છે. રાજકોટની વસ્તી ૨૦-૨૫ લાખ ભલે હોય, પણ એક મેળામાં દરરોજના ૨થી ૩ લાખ લોકો હાજરી નોંધાવે છે એટલે કે દરેક મેળામાં જો આટલી જ હાજરી હોય તો આખું રાજકોટ દરરોજ મેળામાં જાય છે! ના…રે…ના… અહીં પૂરા સૌરાષ્ટ્ર-ગુજરાત-ભારતમાંથી લોકો આવે છે. જે લાખો લોકો કરોડો લોકોની રોજગારીનું માધ્યમ મેળા થકી બને છે. મીન્સ ફન વિથ અર્ન. અને એટલે જ નવાઈની વાત છે કે દુનિયાના કોઈ પણ ફેસ્ટિવલમાં જમા ન થાય એટલા લોકો અહીં એકસાથે એક સ્થળે ભેગા થવા છતાં હજુ પણ રાજકોટનો રંગીલો મેળો વિશ્ર્વવિક્રમની શ્રેણીમાં કે દુનિયાના લોકોની નોંધપોથીમાં નથી! વળી, રાજકોટના લોકમેળામાં એકસાથે લાખો લોકો જમા થવા છતાં આજ સુધી ભાગાભાગી, જાનહાનિ બની નથી. કદાચ કાળિયા ઠાકોરની કૃપા છે. અરે હા, મેળા જોડે જન્માષ્ટમી આવે. કાનાનો જન્મદિવસ, જાજરમાન-ભપકાદાર મેળા, રજાઓની માત્ર મજાઓ, હરવા-ફરવા-જમવાનું વાહ રે… કેટકેટલું હોય રાજકોટના મેળાઓમાં અને એટલે જ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય કે પછી હવામાન વિભાગની આગાહી હોય કે નહીં, રાજકોટનો લોકમેળો માણવા ખુદ મેઘરાજાની સવારી આવી ચઢે.
રાજકોટ સિવાય ભારત અને દુનિયાભરમાં વિવિધ મેળાઓ થાય છે, પણ અહીંના મેળાઓની વાત દાઢે વળગે અને તાળવે ચોંટે એવી છે. અહીંના મેળાઓમાં રાઈડ્સ, ટોય્સ, માર્કેટિંગ અને પ્રમોશન સ્ટોલ્સ સિવાય કશું નાવીન્ય હોતું નથી છતાં પણ મેળાની રોશનીથી ઝગમગતો દિલમોહક રાત્રી નજારો જાણે સ્વર્ગનું પ્રતિબિંબ પાથરે છે અને ફક્ત મેળો જ કેમ? આજી, ન્યારી, લાલપરી અને ભાદર ડેમ પણ જોઈ લેવા. ઈશ્ર્વરિયા, રતનપર, ત્રંબા, જડેશ્ર્વર, ચોટીલા, વીરપુર, ભૂતનાથ, ઓસમ ડુંગર, અનળગઢ અને હિંગોળગઢ પણ જઈને જોઈ આવજો અને ક્યાંય ન જવું હોય તો ફક્ત રાજકોટના રસ્તા પર એક વાર લટાર મારજો. સાહેબાન-કદરદાન એક એકથી ચડિયાતી થીમ્સ પર તમને વર્લ્ડના બેસ્ટ અને લાર્જેસ્ટ મ્યુઝિયમમાં નહીં જોવા મળી હોય એવી પ્રદર્શની અહીં જોવા મળશે. ખાસ તો રાજકોટના મેળાઓમાં તમને ટાબરિયાંઓ કરતાં મોટેરાંઓ હાથમાં કેન્ડી લઈ આમ-તેમ રખડતા હરખપદૂડાઓ થતા ન જોવા મળે તો કહેજો. આફ્ટર ઓલ રાજકોટ અને મેળો એકમેકની દર્પણ પ્રતીતિ છે.
મોજ-મજાની મહેફિલના મનમોજી રાજકોટિયન મેળાની એકપણ વાતની ખરાઈ કરવી હોય તો સાતમ-આઠમના દિવસે ગમે ત્યારે માત્ર જીપીઆરએસ મેપ પર રાજકોટના રસ્તાનો ટ્રાફિક જોજો બકાઓ… તમને પણ બચ્ચા બની મેળાની જનમેદનીમાં ઊમટી પડવાનો ઉમળકો જરૂર થશે. આ રાજકોટનો મેળો મેઘધનુષી માનવ મહેરામણનું મિરર છે. મેળો એ રાજકોટની ઓળખ નહીં, પરંતુ રોનકનો એક ભાગ છે. એ… હાલો… હા…લો… મેળે જઈએ.
*****************

વધારો: ગુજરાતની ઓળખ અપાવવા વિશ્ર્વના લોકોને આપણે કહીએ કે કુછ દિન તો ગુઝારો ગુજરાત મેં. સૌરાષ્ટ્રની ઓળખ માટે એટલું કહેવું કાફી છે કે બોસ, ખાલી સાતમ-આઠમ કરો સૌરાષ્ટ્ર મેં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.