ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટમાં રખડતાં શ્વાનને કારણે મહિલાનો જીવ ગયો છે. આજે વહેલી સવારે દંપતી બાઇક પર સવાર થઈને જઇ રહ્યું હતું, ત્યારે રસ્તા પર રખડતા શ્વાને મહિલાની સાડીનો છેડો મોઢામાં પકડી લીધો હતો. સાડી ખેંચાતા મહિલા બાઇક પરથી રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજા પહોંચતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ રાજકોટની પારસ પાર્ક સોસાયટીમાં રહેતાં 50 વર્ષીય મહિલા નયનાબેન ગોંડલિયા આજે વહેલી સવારે પાંચ વાગ્યે તેના પતિ મનજીભાઈ સાથે બાઇકમાં બેસી શહેરની બાજુના ગામમાં એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આજીડેમ ચોકડી પાસે પહોંચતા રસ્તા પર રખડતા સ્વાન બાઇક પાછળ દોડ્યા હતા. નયનાબેનની સાડીનો છેડો શ્વાનના મોંમાં આવી જતા તેઓ બાઇક પરથી રોડ પર પટકાયા હતાં. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
નયનાબેનને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતકના પરિવાજનો રખડતા શ્વાનોને પકડવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જેથી આવી ઘટના બીજા કોઈ સાથેના ઘટે.
હજુ ગઈકાલે જ સુરત ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનોએ 5 વર્ષીના બાળકને બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જેનું સારવાર દરમિયના મોત નીપજ્યું હતું. થોડા દિવસો અગાઉ ખજોદ વિસ્તારમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. શ્વાનના વધતા આતંકને લઈને સુરત શહેરમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.