રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદનું ધામ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પીટલના પરિસરમાં દારૂનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. આજે પ્રદ્યુમનનગર પોલીસે સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની 4 પેટી સાથે એક સખ્શને પકડી પડ્યો હતો. પોલીસે આ દારૂના જથ્થાને કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે અગાઉ એક ડૉક્ટર દારૂના નશામાં ફરજ પર હોવાનો કિસ્સો બન્યો હતો.
પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂનું વેચાણ થાય છે. આજે સવારે હોસ્પિટલના મેડિકલ સ્ટોર પાસે એક વ્યક્તિ દારૂ સાથે ઊભો હોવાની બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ વોચ ગોઠવી હતી. પોલીસે કમલેશ નામના શખ્સને 11 વિદેશી દારૂની બોટલ સાથે રંગે હાથે ઝડપી લીધો હતો. આરોપીની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન પુછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન બાજુમાં આવેલ ખંઢેર મકાનમાં વધુ દારૂ રાખ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યાંથી પોલીસે વધુ 3 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દારૂ પીધેલી હાલતમાં ફરજ બજાવતો પકડાયો હતો. જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.