રાજકોટની જાણીતી અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સામે કર્મચારીઓએ બળવો પોકાર્યો છે. લાંબા સમય સુધી પગાર ન ચુકવતા રોષે ભરાયેલા કર્મચારીઓએ ધારણા પ્રદર્શન શરુ કર્યું છે. પ્રદર્શન દરમિયાન 5 કર્મચારીઓએ ઝેરી પ્રવાહી પી લેતા હડકંપ મચી ગયો છે. મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરી દેવમાં આવ્યા છે.
કર્મચારીઓએ કેટલાક દિવસથી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના માલિકના ઘર સામે ધરણાં શરૂ કર્યા હતા. કર્મચારીઓએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આમ છતાં કંપની મેનેજમેન્ટ સંમત ન થતા કંટાળેલા કર્મચારીઓએ ઝેરી પ્રવાહીના પી લીધું હતું. બપોરે બે કર્મચારીએ કલેક્ટર કચેરીમાં પહોંચીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાત્રે ત્રણ કર્મચારીએ કંપનીના માલિકના ઘર નીચે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ઝેર પીનાર કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ ધરણાંમાં જોડાયેલા 100થી વધુ કર્મચારીઓની અટકાયત કરી તમામને કુવાડવા પોલીસ સ્ટેશને લઇ જવાયા છે. ધરણા અંગે કર્મચારીઓએ મંજૂરી લીધી ન હોવાથી અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.
મળતી માહિતી મુજબ આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે 10 મહિનાથી પગાર અને પીએફની રકમના મુદ્દે તકરાર ચાલતી હતી. જેને લઈને 20 દિવસથી કર્મચારીઓ ધરણાં શરૂ કર્યા હતા. શરૂઆતમાં કંપનીના કેમ્પસ બહાર ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપની સંચાલકના એપાર્ટમેન્ટની બહાર ધરણાં શરુ કરાયા હતા.