Homeએકસ્ટ્રા અફેરરાજીવના હત્યારા ફરી જેલભેગા થવા જ જોઈએ

રાજીવના હત્યારા ફરી જેલભેગા થવા જ જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાનો ચુકાદો આપ્યો તેના કારણે આખો દેશ સ્તબ્ધ થઈ ગયેલો. સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે ન્યાયતંત્રની વિશ્ર્વસનિયતા સામે પણ સવાલો ઉઠેલા. સુપ્રીમ કોર્ટે લીધેલા નિર્ણયની બંધારણીય યોગ્યતા વિશે પણ સવાલ થયેલા પણ સૌથી મોટો સવાલ એ ઉઠેલો કે, આ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનની કાવતરું ઘડીને હત્યા કરનારાંને કઈ રીતે છોડી શકાય?
આ સવાલો વચ્ચે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ કરીને સ્વ. રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી પણ મૂકાયેલા. સુપ્રીમ કોર્ટના આદેશથી નલિની અને રવિચંદ્રન ઉપરાંત સંથન, મુરુગન, જયકુમાર અને રોબર્ટ પાયસ મુક્ત થઈને જેલની ચાર દિવાલોની બહાર નીકળીને મુક્તિનો શ્ર્વાસ લેતાં થઈ ગયાં છે ત્યારે હવે તેમને ફરી જેલભેગા કરવાની આશા જાગી છે.
મોદી સરકાર પહેલેથી રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાનો વિરોધ કરતી હતી ને એ છતાં છ મહિના પહેલાં એટલે કે ૧૮ મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાને આધારે બાકીના પાંચ દોષિતોને છોડી દેવાની અરજી કરાઈ ત્યારે પણ કેન્દ્ર સરકારે તેનો વિરોધ કરેલો છતાં સુપ્રીમ કોર્ટે તેમને છોડી મૂક્યા પણ મોદી સરકારે પોતાનું વલણ છોડ્યું નથી.
મોદી સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રીવ્યુ પીટિશન કરી છે. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મૂકવાના આદેશ અંગે ફેરવિચારણા કરવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી તેમાં જોરદાર દલીલો રજૂ કરી છે. તેમાં મુખ્ય દલીલ એ છે કે, આ વરસે ૧૮ મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો તેના આધારે બાકીના દોષિતોને પણ છોડી ના શકાય કેમ કે પેરારીવલન ભારતીય નાગરિક હતો જ્યારે જેમને છોડી મૂકાયા તેમાંથી ૪ દોષિત તો વિદેશ નાગરિક છે. નલિની, રવિચંદ્રન, સંથન, મુરૂગન, જયકુમાર અને રોબર્ટ પાયસ એ છ નાગરિકમાંથી માત્ર નલિની અને રવિચંદ્રન ભારતીય છે, જ્યારે બાકીના શ્રીલંકાના નાગરિક છે. શ્રીહરન ઉર્ફે મુરૂગન નલિનીનો પતિ છે પણ એ પણ શ્રીલંકાનો નાગરિક છે.
મોદી સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, રાજીવ હત્યા કેસના છ દોષિતો નલિની, રવિચંદ્રન ઉપરાંત સંથન, મુરૂગન, જયકુમાર અને રોબર્ટ પાયસને છોડી મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભૂલભરેલો પણ છે. મોદી સરકારે હવે પછી આ કેસની સુનાવણી જજની ચેમ્બરના બદલે ઓપન કોર્ટમાં કરવાની પણ માગણી કરી છે કે જેથી ક્યા જજ શું વલણ લે છે તેની લોકોને ખબર પડે. મોદી સરકારનું સ્પષ્ટરીતે કહેવું છે કે, રાજીવ ગાંધી દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા અને કોઈપણ સંજોગોમાં તેમના હત્યારા છૂટવા ના જોઈએ.
મોદી સરકારની વધુ એક મજબૂત દલીલ એ પણ છે કે, આ હત્યારા વિદેશી છે એ જોતાં તેમને છોડી ના જ શકાય કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના ગંભીર પ્રત્યાઘાત પડશે. દેશના કાયદા હેઠળ દોષિત ઠરેલા આતંકવાદીઓને રાહત આપવાનો અધિકાર માત્ર ભારત સરકારને છે. બંધારણની કલમ ૭ હેઠળ ભારત સરકાર જ આ અંગે નિર્ણય લઈ શકે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારની રજૂઆત જ સાંભળી નથી. આ કારણ દોષિતો સામેના મજબૂત પુરાવા અને બંધારણીય જોગવાઈઓ અંગેની નક્કર દલીલો રજૂ નહોતી કરી શકાઈ તેથી આ ચુકાદાની સમીક્ષા કરવી જરૂરી છે.
મોદી સરકારનું આ વલણ સરાહનિય કહેવાય કેમ કે સામાન્યરીતે આવા કેસોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સરકારો લડાઈ છોડી દેતી હોય છે. મોદી સરકારે લડાઈ છોડી દેવાના બદલે ફરી સુપ્રીમ કોર્ટમાં જવાનું પસંદ કર્યું છે એ બદલ તેની પ્રશંસા થવી જોઈએ. મોદી સરકારનો આ નિર્ણય એકદમ યોગ્ય છે કેમ કે, રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે જેલવાસ ભોગવી રહેલા તમામ ૬ દોષિતને મુક્ત કરવાનું ફરમાન કર્યું એ ચુકાદો ગળે ઉતરે એવો જ નથી. સુપ્રીમ કોર્ટે બે અલગ અલગ કારણસર દોષિતોને મુક્ત કર્યા છે.
સુપ્રીમ કોર્ટે છ મહિના પહેલાં એટલે કે ૧૮ મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત એવા પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો ત્યારે કહેલું કે, સુપ્રીમ કોર્ટે પોતાની ખાસ સત્તાનો ઉપયોગ કરીને પેરારીવલનને છોડી દીધો છે. એ પછી બાકીના દોષિતોએ પણ આ જ આદેશને આધારે સુપ્રીમ કોર્ટ પાસેથી મુક્તિની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ માંગ સ્વીકારીને તમામ દોષિતોને મુક્ત કરવા કહી દીધું પણ એ માટે એવું કારણ આપેલું કે, નલિની શ્રીહરન અને રવિચંદ્રન સહિતના દોષિતોએ આ કેસમાં ૩૦ વર્ષથી વધુ જેલમાં વિતાવ્યાં છે. તેમનો વ્યવહાર સારો છે તેથી તેમને મુક્ત કરવામાં કશું ખોટું નથી. આ ઉપરાંત એવું કારણ પણ અપાયેલું કે, રાજ્યપાલ વિધાનસભાના ઠારવને સ્વીકારવા બંધાયેલા છે.
તમિલનાડુમાં રાજકીય પક્ષો મતબેંકને ખાતર રાજીવના હત્યારાઓને છોડી મૂકવાના મુદ્દે સહમત હતા તેથી વિધાનસભામાં ઠરાવ પસાર કરી નાંખેલો. રાજીવની હત્યામાં આ લોકોની ભૂમિકા બહુ નાની છે એવી વાતો કરીને તેમણે ઠરાવ કરી નાંખેલો. રાજ્યપાલે તેને સ્વીકાર્યો નહોતો પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ઠરાવ સ્વીકારવા રાજ્યપાલ બંધાયેલા છે. આમ સુપ્રીમ કોર્ટે અલગ અલગ કારણ આપેલાં.
જો કે એ બધાં કારણો પછી આવે છે. મુખ્ય બાબત તો રાજીવ ગાંધીની હત્યા જે રીતે કરાઈ એ જોતાં દોષિતો માફીને લાયક જ નથી. રાજીવ ગાંધીની હત્યા સામાન્ય અપરાધ નહોતો. એક મોટું કાવતરું રચીને રાજીવ ગાંધીની હત્યા કરાઈ હતી અને આ કાવતરું ઘડનારા આતંકવાદી સંગઠનના લોકો હતા. હત્યા થઈ ત્યારે રાજીવ ગાંધી દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા. તેમની હત્યા દેશના વડા પ્રધાન તરીકે તેમણે લીધેલા નિર્ણયના કારણે કરાઈ હતી એ જોતાં આ હત્યાનું કાવતરું દેશ સામે ઘડાયેલું કહેવાય. આ કાવતરું ઘડનારા દોષિતોને કોઈ સંજોગોમાં છોડી ના શકાય.
આશા રાખીએ કે, સુપ્રીમ કોર્ટ આ વાત સમજે ને રીવ્યુ પીટિશનમાં પોતાનો ચુકાદો બદલીને રાજીવના હત્યારાઓને ફરી જેલભેગા કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular