ભારતના પહેલાં વડાપ્રધાન ઈંદિરા ગાંધીનું 1984માં નિધન થયા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. તેમણે તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન અનેક મહત્ત્વના નિર્ણયો લીધા અને આ નિર્ણયોનું આજે પણ પાલન કરવામાં આવે છે. આ મહત્ત્વના નિર્ણયોમાંથી જ એક એટલે 18 વર્ષે મતદાનનો અધિકાર અને આજના જ દિવસે યુવાનોને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. 20મી ડિસેમ્બર, 1988ના આ વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલાં યુવાનોને 21 વર્ષની ઉંમરે જ મતદાન આપવાનો અધિકાર હતો. પહેલાં મતદાર નોંધણી માટેની ઉંમર 21 વર્ષની હતી. સંવિધાનના 61 સુધારાનો કાયદો 1988 દ્વારા લોકપ્રતિનિધિ કાયદા 1950માં સુધારો કરીને 1989ના કાયદા 21 દ્વારા મતદાર નોંધણી માટેની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી અને તેનો અમલ 28મી માર્ચ, 1989થી કરવામાં આવ્યો હતો. મતદાનની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કરવામાં આવતા 5 કરોડ મતદાતાઓમાં વધારો થયો હતો. જોકે, આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજીવ ગાંધીને વિશ્વાસ હતો કે રાષ્ટ્રના નિર્માણ માટે યુવાનોનો સહભાગ ખૂબ જ મહત્ત્વનો છે. એટલું જ નહીં તેમને એવું લાગતું હતું કે યુવાન મતદારો હશે તો યુવાન નેતાની પસંદગી કરવામાં આવશે, પણ એવું કંઈ તો થયું નહીં. આ સુધારેલા કાયદાને કારણે યુવાનોને રાજકારણમાં રસ પડવા લાગ્યો અને ધીરે ધીરે તેમનો સહભાગ પણ વધતો ગયો.