ફેમસ ટીવી શો ક્રાઈમ પેટ્રોલના નિર્માતા સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બોલીવૂડ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ના લેખક અને અભિનેતા જિશાન કાદરી સામે નિર્માતાએ 38 લાખ રૂપિયાની કિંમતની ઓડી કારની છેતરપિંડી કરી હોવાનો ગુનો મલાડ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે.

ફરિયાદીએ લગાવેલા આરોપ અનુસાર જિશાન કાદરીએ નિર્માતાની કાર ઉધાર લીધા બાદ તેનો ફોન રિસીવ કરી રહ્યા નથી અને આ કારને 12 લાખ રૂપિયામાં ગિરવે રાખી છે. મલાડ પોલીસ સ્ટેશને આપેલી માહિતી અનુસાર 22 જૂનના રોજ જીશાન કાદરીએ ક્રાઈમ પેટ્રોલના નિર્માતા રાજબાલા ઢાકા ચૌધરીના ઘરે તેના દીકરા સમીર ચૌધરીના કોમેડી શો તૈયાર કરવાની ઓફર આપી હતી. પછી કાદરીએ ચૌધરીના શો પ્રોડક્શન માટે પાર્ટનરશિપની પણ ઓફર આપી હતી અને ચૌધરી શોને ફાઈનાન્સ કરવા તૈયાર થઈ ગયા હતાં. તે બાદ શોને લઈને ચેનલ પ્રમુખ, શોના ડિરેક્ટર અને કલાકારો સાથે મીટિંગ માટે કાદરીએ કારની જરૂર છે એવું જણાવીને ચૌધરી પાસેથી તેમની ઓડી કાર ઉધાર માંગી હતી.

થોડા દિવસો માટે તેમણે કાર ઉધાર આપી પણ દીધી, પરંતુ જ્યારે કાદરી પાસેથી ચૌધરીએ કાર માંગી ત્યારે તેમણે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને લાખોની કિંમતની કાર પાછી મેળવવા માટે ચૌધરીએ મલાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.

Google search engine