રાજસ્થાનના ભગાસિંહનું અનોખું અભિયાન: પ્લાસ્ટિકના કચરાને બદલે ચા- નાસ્તો

39

ફોકસ -નિધિ ભટ્ટ

રાજસ્થાનમાં એક એવું પર્યટન સ્થળ છે જ્યાં પ્રવાસીઓને વેસ્ટના બદલામાં ચા કે કોફી મળે છે. તમને જણાવી દઈએ કે ભગાસિંહ ચા વાળાએ રાજસમંદ જિલ્લાના કુંભલગઢ વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અનોખી પહેલ કરી છે. પ્લાસ્ટિકનો કચરો લાવો અને મફત ચા-કોફી અને નાસ્તો મેળવો. આ પહેલના ભાગરૂપે ગયા મહિને ડિસેમ્બર ૨૦૨૨ માં જી-૨૦ સમિટ દરમિયાન ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિ બિશ્નોઈ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રભાવિત ક્રિકેટરે ચાના કપના બદલામાં પ્લાસ્ટિકનો કચરો આપ્યો હતો.
ભગાસિંહ કહે છે કે આખી શેરીઓમાં કાયમ કચરો પથરાયેલો રહેતો હતો અને આ કચરો સામાન્ય રીતે ખુલ્લા વિસ્તારોમાં ફેંકવામાં આવતો હતો. આથી પ્લાસ્ટીકના કચરાને હેન્ડલ કરવું એક જોખમ બની ગયું છે. એકલા કેલવારા ગામમાં જ દર મહિને ૨,૦૦૦ કિલોથી વધુ કચરો પેદા થાય છે અને કુલ માસિક કચરામાંથી ૫૨૭ કિલો પ્લાસ્ટિકનો કચરો છે.
પરંતુ ડિસેમ્બર ૨૦૨૨ માં વસ્તુઓ બદલાવાની શરૂઆત થઈ જ્યારે જી૨૦ સમિટ દરમિયાન જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો. સમિટમાં હાજર રહેલા પ્રવાસીઓ અને વિશ્ર્વના નેતાઓને આવકારવા માટે અધિકારી ભુવનેશ્વરને જિલ્લા સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેથી, તેમણે જિલ્લાને સ્વચ્છ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનું નક્કી કર્યું અને રાજસમંદમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કર્યું.
તે સમયે ભગાસિંહ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન વિશે જાગૃતિ ફેલાવી રહ્યાં હતા. જેના ધરે શૌચાલય નહીં તેમને ચા નહીં આ આ ઉપરાંત ગામમાં ૧૦૦-૧૫૦ ઘરોમાં શૌચાલય સ્થાપિત કરવામાં મદદ કરી છે.
આ ઉપરાંત ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભુવનેશ્વર સિંહ ચૌહાણ અને સબ-ડિવિઝનલ ઓફિસર જયપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે સ્થાનિક બસ સ્ટેન્ડ પર ચાની લારી લગાવનાર ભગાસિંહ ચા વાળાએ કુંભલગઢ વિસ્તારને એક મહત્વની ભૂમિકા પ્લાસ્ટિક મુક્ત અભિયાનની અનોખી પહેલ કરી છે. જેમાં ભગાસિંગે પોતાની ચાની દુકાન પર એક બોર્ડ લગાવેલ છે, તેમાં પ્લાસ્ટિકનો કચરો લાવીને મફત ચા-કોફી અને નાસ્તો પીરસવાનું લખાવ્યું છે. આ પહેલથી પ્રભાવિત થઈને પ્રથમ ગ્રાહક તરીકે ક્રિકેટર રવિ વિશ્ર્નોઈ ભગા સિંહની ચાની દુકાન પર જઈને કચરો આપીને ચા પીધી અને આ અનોખી શરૂઆત કરી હતી.
આ દરમિયાન સ્વચ્છતા અભિયાન દરમિયાન તહેસીલદાર રણજીત સિંહ, મદદનીશ ઈજનેર કમલેશ મીણા, બ્લોક કોઓર્ડીનેટર નરેશ જોષી અને સામાજિક કાર્યકર પ્રેમસુખ વગેરેએ પણ પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરીને ચા-કોફીની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે ભગા સિંહને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણમાં સહકાર બદલ રાજ્ય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે.
ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચૌહાણે કહ્યું કે એક દિવસ તેમની નજર ભગા સિંહની ચાની ગાડી પર પડી, જેના પર લખ્યું હતું કે, ટોયલેટનો ઉપયોગ કરો, નહીં તો ચા નહીં મળે. તેના પર ભગાસિંહે કહ્યું કે તે ૨૦૧૭ થી સતત આ કામ કરી રહ્યાં છે, જે લોકોના ઘરમાં શૌચાલય નથી તેમને ચા નથી આપતા. આના પર ચૌહાણે તેમને પ્લાસ્ટિકના કચરાને બદલે લોકોને ચા-નાસ્તો પીરસવાનું સૂચન કર્યું હતું. આ અંગે પોતાની સંમતિ આપતા ભગા સિંહે આવું કરવાની પહેલ કરી હતી.
ગરીબીને કારણે ભગા સિંહ ધોરણ ૮ થી આગળ અભ્યાસ કરી શક્યા નથી. છેલ્લાં ૧૨ વર્ષથી ચા અને સમોસા વેચે છે. તે મહિને રૂ. ૧૫,૦૦૦ સુધીની કમાણી કરે છે. તે પાંચ જણના પરિવારનો આધાર સ્તંભ છે. પરિવારમાં એક અપંગ પિતા અને બહેન, તેની પત્ની અને બે બાળકો છે. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં સામાજિક જાગૃતિ ફેલાવવાની પહેલ કરનાર ભગા સિંહને સો સો સલામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!