રાજસ્થાન: જોધપુરમાં ડૉક્ટરે કૂતરાને કાર સાથે બાંધી ઢસડયો, મેનકા ગાંધીના ફોન બાદ કેસ નોંધાયો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જોધપુરના એક ડોક્ટરે રવિવારે ક્રૂરતાની હદ વટાવી દીધી. શેરીનો કૂતરો ડોક્ટરના ઘરમાં ઘૂસ્યો તો તેણે કૂતરાને પોતાની કાર સાથે દોરડાથી બાંધીને 5 કિલોમીટર સુધી ખેંચી ઢસડયો હતો. જેનાથી કૂતરાને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની આનાકાની કરી હતી, મેનકા ગાંધીના ફોન બાદ જ ફરિયાદ નોંધાઈ હતી. કુતરાના પગમાં ફ્રેક્ચર થયું છે અને તેની ચામડી પણ છોલાઈ ગઈ છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જીવદયા પ્રેમીઓ આ ડોકટર પર રોષ વરસાવી રહ્યા છે.

“>

રસ્તા પર કૂતરાને કારની પાછળ ઢસડાતા જોઈને રાહદારીઓએ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે ડૉક્ટર રજનીશ ગાલવાએ કાર રોકવાને બદલે વધુ ઝડપથી દોડાવી હતી. રાહદારીઓએ કારની પાછળ બાઇક ચલાવી કારને ઘેરી લીધી હતી. કાર આગળ બાઇક ઉભું રાખી કાર રોકી હતી. ડૉ.ગાલવાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ અંગે એક રાહદારીએ ડોગ હોમ ફાઉન્ડેશનના કાર્યકરોને જાણ કરી હતી. જ્યારે ફાઉન્ડેશનના સભ્યો આવ્યા ત્યારે ડોક્ટરે તેમને પણ ધમકાવ્યા હતા.
ફાઉન્ડેશનના કાર્યકરોએ ઘાયલ કૂતરા માટે એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે ડૉક્ટરે હોબાળો મચાવ્યો હતો. ડોકટરે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનને ફોન કર્યો અને પોલીસ પણ આવી. ફાઉન્ડેશનના સભ્ય કાર્યકરના જણાવ્યા પ્રમાણે પોલીસે એમ્બ્યુલન્સને પણ રોકી રાખી હતી. પોલીસે પણ ડોક્ટરને સાથ આપ્યો હોવાનો આરોપ છે.
આ પછી મેનકા ગાંધીએ દિલ્હીથી SHO જોગેન્દ્ર સિંહને ફોન કર્યો, પછી એમ્બ્યુલન્સને જવા દીધી હતી..
જોધપુરની મહાત્મા ગાંધી હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. રજનીશ ગાલવા શહેરની સૌથી પૉશ કૉલોની શાસ્ત્રીનગરમાં રહે છે. તેની સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોતાનો બચાવ કરતા આરોપી ડૉ.રજનીશે કહ્યું, ‘આ કૂતરો વારંવાર ઘરમાં ઘૂસી જાય છે, ઘરની બહાર ભસતો રહે છે. મારી દીકરીને પણ કરડ્યો. તેથી તેને કોર્પોરેશનના બંદોબસ્તમાં મુકવા જતા હતા. અંદર બેસાડ્યો હોત તો કરડવાનો ડર હતો.’
સંસ્થા તરફથી આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધાવામાં આવ્યો છે. ઘાયલ કૂતરાને સારવાર આપવામાં આવી રહી છે.

“>

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.