રાજ બબ્બરને 26 વર્ષ જૂના કેસમાં થઇ બે વર્ષની સજા, જાણો શું છે પૂરો મામલો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

લખનઉમાં એમપી-એમએલએ કોર્ટે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજ બબ્બરને બે વર્ષની સજા સંભળાવી છે. સાથે જ કોર્ટે 8500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ સજા 1996ના એક મામલે સંભળાવી છે. રાજ બબ્બર પર 1996માં એક મતદાન અધિકારીની મારપીટનો આરોપ લાગ્યો હતો. એ પછી મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણાએ વજીરગંજમાં તત્કાલીન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજ બબ્બર અને અરવિંદ યાદવ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ મામલે સુનાવણી કરતા 26 વર્ષ બાદ કોર્ટે તેનો નિર્ણય સંભળાવ્યો છે. સુનાવણી દરમિયાન રાજ બબ્બર કોર્ટમાં હાજર હતા. જોકે, સજા ત્રણ વર્ષથી ઓછી છે એટલે તેમને જામીન મળી જશે તેમને જેલમાં જવુ નહીં પડે, પણ એમણે કહ્યું છે કે આ નિર્ણયની વિરુદ્ધ ઉપરી કોર્ટમાં અપીલ કરશે. વર્તમાનમાં રાજ બબ્બર કોંગ્રેસના નેતા છે. આ મામલો બીજી મે 1996નો છે. એ દિવસે મતદાન અધિકારી શ્રીકૃષ્ણ સિંહ રાણા તરફથી વજીરગંજ પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. રાણાએ તેમની ફરિયાદમાં કહ્યું હતું કે મતદાન કેન્દ્ર સંખ્યા 192/103 બૂથ સંખ્યા 192 પર જયારે મતદારોના આવવાનું બંધ થઇ ગયુ ત્યારે તેઓ મતદાન કેન્દ્રથી બહાર નીકળીને જમવા જઇ રહ્યા હતા. એ સમયે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રાજ બબ્બર તેમના સાથીઓને લઇને મતદાન કેન્દ્રમાં આવ્યા હતા અને બનાવટી વોટિંગનો આરોપ લગાવીને ડ્યૂટી પર હાજર અધિકારીઓ સાથે દુર્વ્યવહાર અને મારપીટ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.