Ahmedabad: ચાલુ વર્ષે મેઘરાજા ગુજરાત પર મહેરબાન રહ્યા છે. રાજ્યમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ ઉકળાટ અને તાપથી લોકો પરેશાન થઇ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના ડાયટેક્ટર, ડો. મનોરમાં મોહંતીએ આપેલી માહિતી મુજબ વેસ્ટ બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ બની રહી હોવાને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આગામી 3 દિવસ રાજયમાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની શકયતા છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. આ સાથે 2થી 3 દિવસ બે ડિગ્રી જેટલું તાપમાન વધવાની આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદમમાં 35 ડિગ્રી આસપાસ તાપમાન છે. જે વધીને 37 ડિગ્રી થઇ શકે છે. વાદળછાયું વાતાવરણ દૂર થવાના કારણે સીધો તડકો પડતા તાપમાનમાં વધારો થઇ શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 15 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વલસાડના વાપી, ખેરગામ, પારડીમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

Google search engine