ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો: સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, NDRFની 13 ટીમ ડિપ્લોય કરવામાં આવી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: ગુજારતમાં ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર સમગ્ર ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ થઇ છવાયેલો રહેશે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને ધ્યાનમાં લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શેહરમાં આજે સવારથી જ વાદળ છવાયેલા છે. અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે એવી સંભાવના છે.
હાલ ગુજરાતમાં કુલ 58 ડેમ હાઇ એલર્ટ ૫ર, 14 ડેમ એલર્ટ ૫ર અને 16 ડેમ વોર્નિંગ ૫ર છે. આગાહીને ધ્યાનમાં રાખી હાલ રાજ્યમાં NDRFની કુલ 13 ટીમ તહેનાત કરવામાં આવી છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 65 એમ.એમ. નોંધાયો છે. નોંધનીય ગુજરાતમાં અત્યારસુધી સીઝનનો સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.