રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ (Heavy rain) જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર ગુજરાતના 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અરવલ્લી (Arravalli) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 9.6 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે અમદાવાદમાં(Ahmedabad) પણ વહેલી સારવારથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું હતું.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9.6 ઈંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં ગામોને અલર્ટ કરવામાં આવ્યાં છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે, જેમાં મંદિર પરિસર અને શામળાજીનાં બજારોમાં પાણી ભરાયાં છે.

અમદાવાદમાં ગઈકાલે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો ત્યાર બાદ સાંજે 6 વાગ્યે વરસાદે વિરામ લીધો હતો. ત્યાર બાદ આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ છવાયેલો છે. વારસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. આજે સવારથી અમદાવાદમાં અડધા ઈંચથી વધારે જેટલો વરસાદ ખાબક્યો છે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થતા વાસણા બેરાજ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

નવસારી અને જલાલપોર તાલુકામાં રાત્રે 10થી સવારે 06 સુધી સરેરાશ 4.30 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા પૂર્ણા નદી ની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી સતત પાણીની આવકને પગલે ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે ડેમના નીચાણવાળા વિસ્તારો એટલે કે નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે. ભરૂચ નજીક ગોલ્ડ બ્રિજ પાસે નર્મદા નદી મંગળવારે સવારે નવ વાગ્યે 20 ફૂટની સપાટીએ વહી રહી છે. ગોલ્ડન બ્રિજ ખાતે નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. બીજી તરફ નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આજે 16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

રાજ્યભરમાં અત્યારસુધી સરેરાશ સીઝનનો 85.56 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સારા વરસાદને કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિતનાં જળાશયોમાં હાલમં 74.62% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. પાણીની આવકને કારણે ખેતી અને પીવાના પાણીની ઘાત ગુજરાતના માથેથી ટળી છે.

Google search engine