કમોસમી વરસાદનો કહેર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ચારેક દિવસથી છે. ખાસ કરીને વંથલી-જુનાગઢના વિસ્તારોમાં આંબાના બગીચાના ખેડૂતોનું ભારે નુકસાન થયું છે. આમ તો તમામ પાક લણતા ખેડૂતોને કમોસમી વરસાદ કે વાતાવરણમાં ઋતુબેઋતુ થતા ફેરફારોથી નુકસાન થાય છે, પરંતુ અન્ય પાકની વાવણી કરતા ખેડૂતો છ મહિને ફરી ખરીફ પાક વાવી આવક મેળવી શકે છે જ્યારે આંબાના ખેડૂતોએ એકવાર કેરીનો પાક બગડે તો બીજા વર્ષની રાહ જોવી પડે છે.
હાલમાં ગુજરાતમાં ડાંગ, અરવલ્લી, સહિત જુનાગઢ, વંથલી, અમરેલી, ધારી વગેરેમાં વરસાદ પડી રહ્યો છે અને કરા પડી રહ્યા છે. આને કારણે લગભગ તૈયાર થઈ ગયેલી, પણ આંબામાંથી ઉતારવાની બાકી હોય તેવી કેરી બગડી જવાની પૂરી સંભાવના છે. અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર કરા પડવાથી અને ભારે પવન સાથે વરસાદ આવવાથી કેરી બગડી રહી છે. વળી, છેલ્લા ત્રણ વર્ષથી આંબાના ખેડૂતોની માઠી બેઠી છે. 2021માં તૌકતે વાવાઝોડાએ આંબાના બાગ વેરાણછેરણ કરી નાખ્યા હતા. ગયા વર્ષે કુદરતી રીતે આંબાનો ફાલ મોડો આવ્યો હતો અને ઓછી કેરીઓ ઉતરી હતી. આ વર્ષે મ્હોર વહેલા આવ્યા અને કેરીઓ પણ લચકી રહી છે, પરંતુ કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણને લીધે કેરીના પાકને નુકસાન થયું છે. નવસારી-વલસાડ તરફના વિસ્તારમાં પણ કેરીના પાકને નુકસાન થયું છે. આથી ફરી વર્ષે પણ ઓછી કેરી માર્કેટ સુધી પહોંચે ને ભાવ પણ ઊંચા રહે તેવી સંભવાના છે.
દરમિયાન ઉત્તર ગુજરાતમાં શનિવારે પણ વાતાવરણ વરસાદી રહ્યું હતું. અરવલ્લી જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો અને સાબરકાંઠામાં વિજયનગર, ખેડબ્રહ્મા અને પોળો ફોરેસ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે અરવલ્લીના ભિલોડાના બુઢેલી ગામે વીજળી પડતા પશુઓ ચરાવવા ગયેલા સોઘાજી નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શુક્રવારે વરસાદ અને વીજળી પડવાને લીધે પાંચ જણના મોત થયા હતા.
હજુ બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું જ વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 24 કલાકમાં વડોદરા 1.14 ઈંચ, છોટા ઉદેપુર 0.55 ઈંચ, અરવલ્લી 0.50 ઈંચ, જૂનાગઢ 0.50 ઈંચ, અરવલ્લી 0.50 ઈંચ, કચ્છ 0.30 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું રાજ્ય સરકારના આંકડાઓ જણાવે છે.