વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યભરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. ત્યારે ભાવનાગર જીલ્લાના કેટલાક વિસ્તારમાં માવઠા પડ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
ભાવનગર જીલ્લામાં આજે સાવરથી જ વાદળછાયું વાતાવરણ હતું. જીલ્લાના મહુવા અને બગદાણા વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. વાદળછાયાં વાતાવરણમાં લોકોને ઠંડીમાંથી રાહત મળી છે. આજે બપોરે શહેરના વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. ગઈ કાલે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢમાં કમોસમી વરસાદ પડી શકે છે. અરવલ્લી, મહીસાગરમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં ફક્ત એક દિવસ માટે માવઠાની આગાહી છે. અન્ય જગ્યાએ બે દિવસ સુધી માવઠાની આગાહી છે.