મુંબઇ, થાણે, પાલઘરમાં વરસાદની રમઝટ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારે વર્ષા: નાલાસોપારા, થાણેમાં ભારે વરસાદને લીધે રસ્તા પર ભરાયેલાં પાણીમાંથી પસાર થતાં વાહનો. મુંબઇ, થાણે, પાલઘર સહિતના મહારાષ્ટ્રમાં ગુરુવારે અને શુક્રવારે ભારે વરસાદને લીધે સામાન્ય જનજીવન ખોરવાયું હતું. (પીટીઆઇ, જયપ્રકાશ કેળકર)

મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ, થાણે, પાલઘર અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદે નવરાત્રિ પહેલાં ગુરુવારની રાતથી ફરી રમઝટ બોલાવી હતી. શુક્રવાર બપોર સુધી વરસાદની ધમધમાટી ચાલુ રહી હતી. અનેક નીચાણવાળા વિસ્તારો, ધોરીમાર્ગો પર પાણી ભરાયાં હતાં અને વાહનવ્યવહારને માઠી અસર થઇ હતી. લોકલ ટ્રેનો થોડી મોડી દોડતી હતી. છેલ્લા ૨૪ કલાકમાં બૃહન્મુંબઇ, પૂર્વના પરા અને પશ્ર્ચિમના પરાઓમાં અનુક્રમે સરેરાશ ૩૭.૭૧ મિમી, ૪૩.૩૮ મિમી અને ૩૬.૮૮ મિમી વરસાદ નોંધાયો છે. નવરાત્રિના રાસ-ગરબાના આયોજકો અને શોખીન ખેલૈયાઓમાં પણ વરસાદથી ચિંતા ફેલાઇ હતી.
બીજી બાજુ, મુંબઇ-અમદાવાદ અને મુંબઇ-નાશિક હાઇ-વે પર પણ રસ્તાઓની કથળેલી સ્થિતિને કારણે ટ્રાફિક ધીમી ગતિએ વહી રહ્યો હતો. થાણે-પાલઘર વિસ્તારમાં ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ બની હતી. જ્યાં જ્યાંથી કૉલ આવ્યા ત્યાં મદદ માટે થાણે પ્રશાસનનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર પહોંચી ગયું હતું.
ઘોડબંદર રોડ ઉપર ચિતલસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ પાણી ભરાઇ ગયાં હતાં અને ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો એમ આરડીએમસીના ચીફ અવિનાશ સાવંતે જણાવ્યું હતું.
વેધશાળાએ આગાહી કરી છે કે આગામી ૨૪ કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. થાણે શહેરમાં શુક્રવારે બપોરના ૧.૩૦ વાગ્યા સુધીમાં ૬૬.૨૮ મિમી વરસાદ નોંધાયો હતો.
આ જિલ્લાઓમાં આવેલી કુંડાલિકા, ઉલ્હાસ અને કાલુ નદીઓએ ભારે વરસાદને કારણે ભયજનક સપાટી વટાવી દીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.