દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: સુરત અને વલસાડમાં ભારે વરસાદ

આપણું ગુજરાત

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારે વલસાડ અને સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. ત્યારે આજે સુરતમાં સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
વલસાડ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરનાળામાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. વલસાડ તાલુકામાં 158 MM, વાપીમાં 50 MM, પારડી 80 MM ધરમપુર 23 MM કપરાડા 9 MM અને ઉમરગામ તાલુકામાં 4 MM વરસાદ વરસ્યો હતો.
સુરત શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આજે સુરતમાં સતત બીજા દિવસે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે. વરાછા ઝોનમાં સવારથી ધોધમાર બે ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો. શહેરના અન્ય ઝોનમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો.
સારો વરસાદ વરસતા ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.