ગુજરાતમાં મેઘ મહેર: ગીરના સૂત્રાપાડામાં રાત્રિના સમયે 6.7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, અમદાવાદમાં હળવો વરસાદ

આપણું ગુજરાત

ગુજરાતમાં મેઘ મહેર: ગીરના સૂત્રાપાડામાં રાત્રિના સમયે 6.7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર, અમદાવાદમાં હળવો વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 219 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 6.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે કોડીનાર અને કલ્યાણપુરમાં 6-6 ઈંચ વરસાદ, કડાણામાં 5.75 ઈંચ, માંગરોળમાં 4.75 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 26 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ છે, તો 30 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જીલ્લાનામાં કોડીનાર સુત્રાપાડામાં રાત્રિ દરમિયાન 6.7 ઇંચ વરસાદ ખાબકતા આભ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેને અનેક ગામોમાં પાણી ભરાયા છે. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદ બાદ નેશનલ હાઇવે ઓથરિટીની ગંભીર બેદરકારી સામે આવી છે. ભારે વરસાદને પગલે વેરાવળ કોડીનાર નેશનલ હાઇવેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. મોરડીયા પેઢાવાળા વચ્ચે અપાયેલું ડાયવર્ઝન પણ પાણીમાં ગરકાવ થયુ છે. જેને કારણે બંને તરફનો વાહન વ્યવહાર અટકી ગયો છે.
અમદાવાદ શહેરમાં મંગળવારે સવારથી જ આખો દિવસ બફારા સાથે કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. જેને લઈને લોકોમાં સાંજે ધોધમાર વરસાદની આશા હતી. પરતું સાંજે માત્ર ઝરમર વરસાદ જ પડ્યો હતો.
સુરતના ઓલપાડમાં પણ વહેલી સવારે 4 વાગ્યા થી 6 વાગ્યાના બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ખાડીના પાણી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ ઘૂસી ગયા હતા. સુરત શહેરમાં પણ રાત્રિના 12 વાગ્યાથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દાંતા તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 19.85 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લામાં મંગળવારે દિવસ ભર ઉકળાટ રહ્યા બાદ રાત્રે વીજળી અને પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. મોડી રાત સુધી વરસાદ વરસયો હતો. વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી હાશકારો અનુભવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.