ગુજરાતમાં હવામાન ખાતાએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે અને ગઈકાલે અંબાજી મંદિર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ હતો. આ સમાચાર ખેડૂતો માટે ખૂબ નઠારા છે ત્યારે હવે ભાવનગર પંથકમાં પણ આમંત્રણ વિનાના મહેમાન આવી પહોંચ્યા છે. ગોહિલવાડ પંથકમાં આવતીકાલે માવઠા ની આગાહી વચ્ચે આજે ધૂપ -છાવ જેવો માહોલ રહેવા પામ્યો હતો.
આજે સાંજે શહેર જિલ્લાના સોનગઢ પંથકમાં વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાદળીયું વાતાવરણ રહેતા આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના છે.
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલે માવઠાની હવામાન ખાતાની આગાહી કરી છે ત્યારે આજે શનિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ બપોરે થોડા સમય માટે તડકો નીકળ્યો હતો. સાંજે ફરી વાતાવરણ ધૂંધવાયું હતું. જિલ્લામાં આવતીકાલે કમોસમી વરસાદ પડે તેવો માહોલ ઊભો થયો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સાંજે કમોસમી વરસાદ પડ્યો છે.
ઉમરાળા તાલુકાના રંઘોળા ઠોંડા હડમતીયા લાખાવાડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
શનિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 37.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22% અને પવન ની ઝડપ 8 કી.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
સૌરષ્ટ્ર પંથકમાં વરસાદ પડતા ફળોનો રાજા કેરીને પણ નુકસાન થવાની ભીતિ છે. શિયાળા દરમિયાન માવઠાની શક્યતા હતી, પરંતુ તે ન થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે ફરી આ આફત આવી પડશે તો શું થશે તે ચિંતા જગતનો તાત કરી રહ્યો છે. આમ તો મોટા ભાગના પાક લણી લેવામાં આવ્યા છે, પરંતુ સૌથી વધારે ડર ઉનાળુ પાક કરતા પણ કેરીને છે. કેરી હજપ આંબા પર જ છે ત્યારે તેમાં બગાડની શક્યતા નકારી શકાય નહીં.