વરસાદનો કાળો કેર: ઠેર ઠેર ટ્રાફિક જામ

આમચી મુંબઈ

મંથરગતિ: બુધવારે ધોધમાર વરસાદને લીધે દાદરમાં બહારગામની ગાડી મોડી રવાના થઈ હતી. દાદરમાં મુશળધાર વરસાદ અને સૂસવાટા સાથે ફૂંકાતા પવનને લીધે ઝાડ તૂટી પડ્યું હતું. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. માર્ગો પર ઠેરઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. આગામી ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વેધશાળા દ્વારા કરાઇ છે. સદનસીબે મુંબઈની લાઇફલાઇન મનાતી લોકલ ટ્રેનો મોટા ભાગે સમયસર દોડતી હતી. થાણેમાં સિગ્નલ ફેઇલ્યોરને કારણે ટ્રેનો ૩૦થી ૩૫ મિનિટ મોડી પડી હતી.
આગામી ૨૪ કલાકમાં પ્રતિકલાકે ૪૫-૫૫ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાવા સાથે મધ્યમથી ભારે વરસાદ પડશે. અમુક ઠેકાણે અતિભારેથી વરસાદ પડશે, એમ વેધશાળાએ કહ્યું હતું.
અંધેરી સબવેમાં પાણી ભરાતાં પોલીસે તે અવરજવર માટે બંધ કરી દીધો હતો. લગભગ દોઢથી બે ફૂટ પાણી ભરાતાં ટ્રાફિકને એસ. વી. રોડ તરફ વાળવામાં આવ્યો હતો. વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. બોરીવલી, ગોરેગામ, જોગેશ્ર્વરી, અંધેરી અને બાંદ્રા આસપાસના વિસ્તારમાં પણ ભારે ટ્રાકિક જોવા મળ્યો હતો.
ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર વરસાદને કારણે ટ્રાફિક ધીમી ગતિએ જોવા મળ્યો હતો. સાયન, દાદરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી.
કુર્લામાં કામાની જંકશન ખાતે પાણી ભરાયાં હતાં. જોકે ટ્રાફિક સામાન્ય હતો. દેવનારમાં નીલમ જંકશન ખાતે અડધો ફૂટ પાણી ભરાયાં હતાં. માનખુર્દ રેલવે પુલ ખાતે પણ પાણી ભરાતાં ટ્રાફિક ધીમો ચાલતો હતો. બાંદ્રા-વરલી સી-લિંક ગેટ ખાતે એક ફૂટ પાણી ભરાયાં હતાં. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ઝાડ તૂટી પડતાં ટ્રાફિકને જેબી જંકશન તરફથી વાળવામાં આવ્યો હતો. વિક્રોલીમાં પરેશ પાર્ક માર્કેટ, સાંતાક્રુઝ રેલવે સ્ટેશન નજીક બસડેપો, દાદર ટીટી, વડાલા શક્કર પંચાયત, ઘાટકોપરમાં ફાતિમા હાઇ સ્કૂલ, સોનાપુર જંકશન, ખાર રેલવે જંકશન ખાતે પણ પાણી ભરાયાં હતાં. પેડર રોડ પર બસ અટકી પડતાં ટ્રાફિક ધીમો પડ્યો હતો.
દરમિયાન મુંબઈ-અમદાવાદ હાઇવે પર ઢેકાળે ગામ નજીક વાઘોબા ખીંડ પાસે બુધવારે સવારે ભેખડ ધસી પડતાં અમદાવાદ તરફ જતા ટ્રાફિકને અસર થઇ હતી અને એક જ લાઇન ખોલવામાં આવી હતી. કાટમાળ હટાવવામાં નવ કલાક જેટલો સમય લાગ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.