લૉકડાઉનમાં બંધ કરેલી ‘પ્રગતિ એક્સપ્રેસ’ 25મી જુલાઈથી ચાલુ મુંબઈ-પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારાને રાહત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લૉકડાઉન દરમિયાન બંધ કરવામાં આવેલી મુંબઈ અને પુણે વચ્ચેની પ્રગતિ એક્સપ્રેસને પચીસમી જુલાઈથી ફરી ચાલુ કરવામાં આવશે, જેથી મુંબઈ અને પુણે વચ્ચે રેગ્યુલર ટ્રાવેલ કરનારા લોકોને રાહત થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેની સૌથી જાણીતી ડેક્કન ક્વીન સહિત ડેક્કન એક્સપ્રેસને ચાલુ કરવામાં આવી છે, જેમાં આધુનિક એલએચબીના કોચ હોવાને કારણે પેસેન્જર કેરિંગ કેપેસિટીમાં વધારો થયો છે. જ્યારે મુંબઈ અને પુણે વચ્ચે ફરી પ્રગતિ એક્સપ્રેસ ચાલુ કરવાથી પ્રવાસીઓને રાહત થશે. જૂના કોચ બદલીને હવે એલએચબી (લિક હોફમેન બુશ) તથા વિસ્ટાડોમ કોચ સાથે 25મી જુલાઈથી ચાલુ કરવામાં આવશે. અત્યાર સુધીમાં મધ્ય રેલવેમાં મુંબઈ ડિવિઝનમાં ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વીન, મુંબઈ-મડગાંવ તથા પુણે ડિવિઝનમાં પુણે-સિકંદરાબાદ સાથે પ્રગતિ એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ જોડવાને કારણે ઝોનમાં પાંચમી ટ્રેન ચાલુ કરાશે. વિસ્ટાડોમ કોચમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જે લોકપ્રિય બની હોવાનું કહી શકાય. વિસ્ટાડોમ કોચની છત પારદર્શક અને ટ્રેનની લાર્જ ગ્લાસ વિન્ડો છે, જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરનારાને ફ્રી વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
આધુનિક એલએચબીના કોચ સહિત વિસ્ટાડોમ કોચ મળીને પ્રગતિ એક્સપ્રેસમાં ૧૪ કોચ હશે. આ ટ્રેનના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પનવેલ-કર્જત રૂટના બદલે કલ્યાણ-કર્જત રૂટ પર ટ્રેનનો દોડાવવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનના હોલ્ટ સ્ટેશનમાં દાદર, થાણે, પનવેલ, કર્જત, લોનાવલા અને શિવાજી નગર સ્ટેશન રહેશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

ત્રણેય ટ્રેનના વિસ્ટાડોમ કોચ સુપરહિટ

હાલના તબક્કે મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાંથી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વીન અને જનશતાબ્દી ટ્રેન દોડાવાય છે. આ ત્રણેય ટ્રેનમાં તબક્કાવાર વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યા હતા, જેમાં પેસેન્જર ઓક્યુપન્સી ૧૦૦ ટકાથી વધુ છે. આ ઉપરાંત, સીએસએમટી-મડગાંવ ટ્રેનમાં પણ વિસ્ટાડોમ જોડવામાં આવ્યો છે, જેમાં સીએસએમટીથી મડગાંવ વચ્ચેની મોટા ભાગની ફેરીમાં પેસેન્જર ઓક્યુપન્સી ૧૦૫ ટકાને પાર થયો હતો, જે ટૂંકમાં પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય રૂટ હોવાનું કહી શકાય, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું. ડેક્કન ક્વીન, ડેક્કન એક્સપ્રેસ અને સીએસએમટી-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસ એપ્રિલથી જૂન, ૨૦૨૨ દરમિયાન વિસ્ટાડોમ કોચમાં પેસેન્જર ઓક્યુપન્સી ૧૦૦ ટકાથી વધારે રહી હતી. એપ્રિલથી જૂન મહિનામાં ડેક્કન એક્સપ્રેસ (૧૧૦૦૭-૧૧૦૦૮)માં ૭,૮૬૦, ડેક્કન ક્વીન (૧૨૧૨૩-૧૨૧૨૪)માં ૭,૧૪૩ તથા સીએસએમટી-મડગાંવ જનશતાબ્દી એક્સપ્રેસ (૧૨૦૫૧-૧૨૦૫૨)માં ૮,૨૨૮ જેટલા પ્રવાસીએ મુસાફરી કરી હતી. વિસ્ટાડોમ કોચમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાને કારણે વધુ એક ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ જોડવાનો નિર્ણય લીધો છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.